ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં સૌથી પહેલાં બનશે રેલવેનું ભવન

14 September, 2024 10:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્થાનિક રહેવાસીઓના વિરોધ વચ્ચે ચૂપચાપ થયું ભૂમિપૂજન

ધારાવી

ધારાવીના પુનર્વિકાસ માટેની ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ (DRPPL) કંપની દ્વારા ગુરુવારે માટુંગામાં એસ.આર.પી. મેદાનમાં ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ DRPPL કંપનીએ ૨૦૩૦ સુધીમાં મુંબઈને સ્લમમુક્ત કરવાનું મિશન શરૂ કર્યું છે. સેક્ટર ૬માં આયોજિત ભૂમિપૂજન કર્યા બાદ સૌથી પહેલાં રેલવે ભવન, સ્ટાફ ક્વૉર્ટર્સ અને ઑફિસો બનાવવામાં આવશે. નિર્માણ પૂરું થઈ ગયા બાદ એ રેલવેને સોંપવામાં આવશે. ધારાવીના પુનર્વિકાસને ઝડપી અને સર્વાંગી કરવા માટે પાત્ર અને અપાત્ર રહેવાસીઓ નક્કી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ઘરે-ઘરે જઈને સર્વે કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર અને અદાણી ગ્રુપના સંયુક્ત ઉપક્રમમાં DRPPL કંપની કામને આગળ વધારી રહી છે. મુંબઈના મધ્યમાં આવેલી ૬૦૦ એકર જમીનમાં ફેલાયેલી ધારાવી સ્લમમાં નાનું-મોટું કામકાજ કરનારાઓની સાથે ૮.૫ લાખ લોકો રહે છે. આથી આ સ્લમનું રીડેવલપમેન્ટ કરવામાં ૭ વર્ષ જેટલો સમય લાગી શકે છે. પ્રોજેક્ટ પૂરો થયા બાદ પાત્ર રહેવાસીઓને ધારાવીમાં જ ૩૫૦ ચોરસફીટના ફ્લૅટ મળશે, જ્યારે અપાત્ર લોકોને પણ મુંબઈમાં વિવિધ જગ્યાએ પીએમ આવાસ યોજનામાં બાંધવામાં આવી રહેલાં મકાનો ફ્રીમાં ઘર આપવામાં આવશે.

mumbai news mumbai dharavi mulund