સ્પીકર રાહુલ નાર્વેકરના ચુકાદાના આ રહ્યા મુખ્ય ૬ મુદ્દા

11 January, 2024 07:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે શિવસેનાના વિધાનસભ્યોની અપાત્રતાના મામલામાં ગઈ કાલે ચુકાદો આપ્યો હતો. આ ચુકાદામાં ૬ મહત્ત્વના મુદ્દાનો તેમણે નિકાલ કર્યો હતો.

વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે શિવસેનાનો ચુકાદો એકનાથ શિંદેના પક્ષમાં આપ્યા બાદ ગઈ કાલે દાદરમાં આવેલા શિવસેનાભવનની બહાર મોટી સંખ્યામાં જમા થયેલા ઉદ્ધવ ઠાકરેના સમર્થકોએ સ્પીકરનો હુરિયો બોલાવીને તેમણે આપેલા ચુકાદાનો વિરોધ કર્યો હતો.

મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે શિવસેનાના વિધાનસભ્યોની અપાત્રતાના મામલામાં ગઈ કાલે ચુકાદો આપ્યો હતો. આ ચુકાદામાં ૬ મહત્ત્વના મુદ્દાનો તેમણે નિકાલ કર્યો હતો.
૧. એકનાથ શિંદે જૂથ ખરી શિવસેના છે.
૨. ભરત ગોગાવલેની પ્રતોદપદે નિયુક્તિ કાયદેસર.
૩. એકનાથ શિંદેની ગટનેતા તરીકેની નિયુક્તિ કાયદેસર.
૪. ઉદ્ધવ ઠાકરે જૂથની નોટિસ મુજબ એકનાથ શિંદે જૂથના સભ્યો સંપર્કની બહાર ગયા હોવાના પુરાવા સિદ્ધ નથી થતા.
૫. સુનીલ પ્રભુને પક્ષ માટે બેઠક બોલાવવાનો કોઈ અધિકાર નહોતો. આથી એકનાથ શિંદે જૂથના 
સભ્યો પર અપાત્રતાની કાર્યવાહી ન થઈ શકે.
૬. એકનાથ શિંદે જૂથે દાખલ કરેલી ઠાકરે જૂથના વિધાનસભ્યોને અપાત્ર કરવાની માગણી ફગાવવામાં 
આવે છે.

મોં મીઠાં કરાવાયાં
વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે એકનાથ શિંદે જ હવે શિવસેનાના મુખ્ય નેતા હોવાનો ચુકાદો આપ્યા બાદ આ જૂથના વિધાનસભ્યોથી લઈના કાર્યકરોએ ઠેર-ઠેર ઉજવણી શરૂ કરીને લોકોનાં મોં મીઠાં કરાવ્યાં હતાં. મુંબઈ અને થાણે સહિત રાજ્યનાં અનેક સ્થળે આવી રીતે મોટા પ્રમાણમાં વિજયની ઉજવણી કરવામાં આવી હતી.

મુખ્ય પ્રધાન યવતમાળમાં
સાંજે પાંચેક વાગ્યે રાજ્યની વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે વિધાનસભ્યોની અપાત્રતા વિશે ચુકાદો વાંચવાની શરૂઆત કરી ત્યારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે યવતમાળમાં સભાને સંબોધી રહ્યા હતા. તેમણે એ સમયે કહ્યું હતું કે ‘ઉદ્ધવ ઠાકરે જૂથ સાથે છેડો ફાડીને મેં કંઈ ખોટું કર્યું હોત તો આજે આટલી મોટી સંખ્યામાં શિવસૈનિકો અહીં ન હોત. અમે શિવસેનાને બચાવવા માટે આ પગલું ભર્યું છે એ સૌ સમજે છે એટલે જ આજે તેઓ અમારી સાથે છે અને વધુ ને વધુ લોકો અમારી સાથે જોડાઈ રહ્યા છે.’

નેતાઓની પ્રતિક્રિયા

જવંશ તૂટી ગયો- મુખ્ય પ્રધાન એકનાથ શિંદે
લોકશાહીમાં બહુમતનું મહત્ત્વ છે. અમારી લોકસભા અને વિધાનસભામાં બહુમતી છે. એકાધિકારશાહી અને રાજંવશ તૂટી ગયો. કોઈ પણ વ્યક્તિ પક્ષને પોતાની માલિકી કે સંપત્તિ માની શકે નહીં. પક્ષના પ્રમુખ મનમાની રીતે નિર્ણય લે ત્યારે સભ્યોને અવાજ ઉઠાવવાનો અધિકાર છે.

ત્તાધારી પક્ષે જ ચુકાદો આવવાની ખાતરી હતી- શરદ પવાર
ચુકાદો આવવાના પહેલાંથી જ મુખ્ય પ્રધાનથી લઈને સત્તાધારી પક્ષના નેતાઓ સ્પીકર પોતાની તરફેણમાં ફેંસલો આપશે એમ સતત કહેતા હતા. આથી આ ચુકાદાથી જરાય આશ્ચર્ય નથી થયું. ચુકાદો તેમની બાજુએ આવશે એની મને ખાતરી હતી. આ ખાતરી મુજબ જ ચુકાદો આપવામાં આવ્યો છે. આ ચુકાદાને ઉદ્ધવ ઠાકરેએ સુપ્રીમ કોર્ટમાં પડકારવો પડશે. સર્વોચ્ચ અદાલતમાં તેમને ન્યાય મળવાની આશા છે.

હવે સરકારની સ્થિરતાની શંકા નહીં રહે-નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વમાં રાજ્યમાં સરકારની સ્થાપના કરતી વખતે બંધારણીય અને કાયદેસરની પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હતું એટલે સરકાર મજબૂત છે એવું અમે પહેલેથી જ કહી રહ્યા છીએ. આથી સુપ્રીમ કોર્ટે અમારી સરકારને બરખાસ્ત કરવાનો કોઈ આદેશ આપવાની જરૂર નથી, પણ કેટલાક લોકો વારંવાર સરકાર બાબતે ગેરસમજ ફેલાવીને રાજ્યના વાતાવરણમાં અસ્થિરતા ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.આજે વિધાનસભાના સ્પીકરે વિવિધ નિયમના દાખલા આપીને જે કહ્યું ત્યાર બાદ હવે કોઈને પણ સરકારની સ્થિરતાનો સવાલ નહીં રહે.

આ ચુકાદો ખોટો છે- ઉદ્ધવ ઠાકરે
ચૂંટણી પંચના ખોટા ચુકાદાને અમે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે એને આધાર બનાવીને સ્પીકર રાહુલ નાર્વેકરે અપાત્રતાનો નિર્ણય લીધો છે. તેમને આવો ચુકાદો આપવામાં શરમ આવવી જોઈએ. તેમણે સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કર્યું છે એ વિશે અમે અરજી કરી શકીએ છીએ કે કેમ એ જોઈશું. સ્પીકર ચુકાદા પહેલાં બે વખત મુખ્ય પ્રધાનના ઘરે મળવા ગયા હતા એના પરથી જ ખ્યાલ આવી ગયો હતો કે અમારા વિરોધમાં તેઓ નિર્ણય લેશે. સુપ્રીમ કોર્ટે સ્પીકરના આ ચુકાદા વિશે સુઓ મોટો અરજી દાખલ કરવી જોઈએ, કારણ કે આ ચુકાદાથી લોકશાહીને ખતમ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

લોકશાહીની હત્યા કરવામાં આવી- આદિત્ય ઠાકરે
વિધાનસભાના અધ્યક્ષે આપેલો ચુકાદો દેશ માટે મોટી ચેતવણી છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરે લખેલું બંધારણ બીજેપી બદલવા માગે છે. ૨૦૨૨માં ગદ્દારી થઈ, ખોખાંનું રાજકારણ થયું એવી રીતે ૨૦૨૪માં તેમને બચાવવામાં આવ્યા છે. સ્પીકર રાહુલ નાર્વેકર અમારા પક્ષમાં વર્ષોથી હતા ત્યારે તેઓ કયા પક્ષની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા? આવી બેશરમી મેં જોઈ નથી. સુપ્રીમ કોર્ટમાં અમે દાદ માગીશું.

mumbai news mumbai shiv sena political news eknath shinde ajit pawar uddhav thackeray aaditya thackeray