28 August, 2024 08:08 AM IST | Mumbai | Mehul Jethva
મુલુંડ-વેસ્ટમાં આવેલા મનીષા પ્રાઇડ બિલ્ડિંગમાં ખુશાલ દંડ રહેતા હતા
મુલુંડમાં રહેતા ખુશાલ દંડે સાતમી ઑગસ્ટે વહેલી સવારે ટ્રેન સામે બેસીને સુસાઇડ કર્યું હતું, પણ આ ઘટનાના બે દિવસ પહેલાં તેમનો બિલ્ડિંગમાં રહેતી એક મહિલા સાથે ઝઘડો થયો હતો અને મામલો પોલીસ-સ્ટેશન સુધી પહોંચ્યો હોવાથી મુલુંડ પોલીસે કરેલી તપાસમાં બહાર આવ્યું કે કુમકુમ મિશ્રા નામની આ મહિલાએ સિનિયર સિટિઝનને પોતાની પાર્કિંગની જગ્યા તેમને આપવા પ્રેશર નાખ્યું હતું અને એના માટે તેમને ધમકાવીને માર્યા પણ હતા. આ મામલાને ખુશાલભાઈએ એટલો ગંભીરતાથી લીધો કે પહેલાં તો તેમની તબિયત બગડી, આખી રાત સૂઈ ન શક્યા અને સાતમી આૅગસ્ટની વહેલી સવારે આત્મહત્યા કરી લીધી : પોલીસ આ મહિલા સામે આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો ગુનો નોંધીને વધુ તપાસ કરી રહી છે
મુલુંડ-વેસ્ટમાં જે. એન. રોડ પર મનીષા પ્રાઇડ નામની સોસાયટીમાં રહેતા ૬૭ વર્ષના ખુશાલ દંડે સાતમી ઑગસ્ટે ટ્રેન સામે જઈને આત્મહત્યા કરી હોવાના બનાવની તપાસ કરી રહેલી પોલીસને આ પગલું ભરવા પાછળ ચોંકાવનારું કારણ હોવાનું જાણવા મળ્યું છે અને એના આધારે પોલીસે એક વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો છે.
ખુશાલ દંડનો સોસાયટીમાં પાર્કિંગને લઈને એક મહિલા રહેવાસી સાથે ઝઘડો થયો હતો. ત્યારે આ મહિલાએ તેમને ધમકાવીને નિર્ભયા કેસમાં ફસાવી દેવાનું કહ્યું હતું. એટલું જ નહીં, લિફ્ટમાં ખુશાલભાઈને માર્યા હતા તેમ જ તેમની વિરુદ્ધ પોલીસ-ફરિયાદ કરવા પણ ગઈ હતી. આ બધા આરોપને લીધે પોલીસે કુમકુમ મિશ્રા સામે આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો ગુનો નોંધ્યો છે.
આ કેસની પ્રાથમિક તપાસ કુર્લા ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ કરી હતી, પણ ખુશાલભાઈએ આત્મહત્યા કરી એ પહેલાં પાંચમી ઑગસ્ટે સોસાયટીમાં ઝઘડો થયા બાદ રહેવાસીઓએ પણ મુલુંડ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરી હોવાથી તેઓ પણ તપાસ કરી રહ્યા હતા.
મુલુંડ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘LIC અને મ્યુચ્યુઅલ ફન્ડનું કામ કરતા ખુશાલ દંડ સાતમી ઑગસ્ટે સવારે પાંચ વાગ્યે હંમેશની જેમ દૂધ લઈને આવું છું એમ કહીને ઘરેથી નીકળ્યા હતા. ત્યાર બાદ ઘણા સમય સુધી તેઓ પાછા આવ્યા નહોતા. એ સમય દરમ્યાન કુર્લા GRPને ખુશાલભાઈની ડેડ-બૉડી સવારે સાડાપાંચ વાગ્યે એક નંબરના પ્લૅટફૉર્મ પાસે ટ્રૅક પરથી મળી આવતાં તેમણે આ ઘટનાની જાણ પરિવારના લોકોને કરી હતી. GRPને મોટરમૅને આપેલા સ્ટેટમેન્ટ મુજબ ખુશાલભાઈ રેલવે-ટ્રૅક પર બેઠા હતા. તેમને જોઈને મોટરમૅને હૉર્ન વગાડ્યું હતું, પણ તેઓ ઊભા નહોતા થયા એટલે ખુશાલભાઈએ આત્મહત્યા કરી હોવાની ખાતરી થઈ જતાં આ કેસની વધુ તપાસ કરવામાં આવી હતી.’
પાંચમી ઑગસ્ટે મનીષા પ્રાઇડ સોસાયટીમાં રહેતાં કુમકુમ મિશ્રાએ ખુશાલભાઈને ધમકાવ્યા હતા એમ જણાવતાં મુલુંડ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ખુશાલભાઈનું બીજા પોડિયમ પર એક પાર્કિંગ હતું જે કુમકુમ મિશ્રાને જોઈતું હતું. જોકે ખુશાલભાઈએ પાર્કિંગ આપવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. પાંચમી ઑગસ્ટે ખુશાલભાઈ ઘરે આવી રહ્યા હતા ત્યારે કુમકુમે તેમને અપશબ્દો કહ્યા હતા અને નિર્ભયા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને કહ્યું હતું કે તમારું રહેવું મુશ્કેલ કરી દઈશ. ત્યાર બાદ લિફ્ટમાં તેણે ખુશાલભાઈને મચ્છરના બૅટથી ફટકો માર્યો હતો. જોકે કુમકુમ ત્યાં નહોતી અટકી. પોલીસ-સ્ટેશને ખુશાલ દંડ સામે ફરિયાદ નોંધાવવા પણ તે આવી હતી, પણ એ સમયે સોસાયટીના લોકો ખુશાલભાઈના બચાવમાં પોલીસ-સ્ટેશનમાં આવી ગયા હતા. આ ઘટનાને બહુ ગંભીરતાથી લેતાં ખુશાલભાઈનું બ્લડ-પ્રેશર વધી જવાથી તેમને ડૉક્ટર પાસે ઇલાજ માટે લઈ જવા પડ્યા હતા. ૬ ઑગસ્ટે પણ તેઓ આખો દિવસ એ જ વિચારમાં હોવાથી સૂઈ નહોતા શક્યા અને બીજા દિવસે વહેલી સવારે ઘરેથી નીકળીને તેમણે આત્મહત્યા કરી લીધી હતી.’
આ કેસ શરૂઆતમાં રેલવે પોલીસ પાસે હતો, પણ પહેલી ફરિયાદ અમારી પાસે થઈ હોવાથી અમને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. જોકે હજી સુધી અમે કોઈની ધરપકડ નથી કરી. આ બનાવમાં સોસાયટીમાં રહેતા લોકોનાં સ્ટેટમેન્ટ્સ નોંધવામાં આવશે, પાંચમી ઑગસ્ટે થયેલા ઝઘડાની વધુ માહિતી મેળવવામાં આવશે અને જરૂર પડશે તો સોસાયટીના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ પણ તપાસવામાં આવશે.