30 July, 2024 12:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આર્ય શિરરાવે આત્મહત્યા કરવા માટે બનાવેલો સ્કેચ
પુણેના રાવત વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી ઘટના બની છે. બ્લુ વ્હેલ નામની ગેમની લતમાં ફસાયેલા ૧૫ વર્ષના કિશોરે રાતે એક વાગ્યે પોતાના બિલ્ડિંગના ૧૪મા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. આર્ય શિરરાવ નામનો આ SSCમાં ભણતો કિશોર ૬ મહિનાથી બ્લુ વ્હેલ ગેમમાં ફસાયો હતો. આત્મહત્યા કરતાં પહેલાં તેણે મૃત્યુ સંબંધી ગીત સાંભળવાની શરૂઆત કરી હતી અને તેણે કેવી રીતે બિલ્ડિંગમાંથી કૂદકો મારશે એનો સ્કેચ પણ બનાવ્યો હતો. કિશોરના ઘરમાંથી સુસાઇડ-નોટ મળી છે.
પિંપરી-ચિંચવડ પોલીસે જણાવ્યું કે ‘આ ઘટના ૨૬ જુલાઈની રાતની છે જ્યારે પુણેમાં ખૂબ વરસાદ પડી રહ્યો હતો. આર્ય શિરરાવના પિતા નાઇજીરિયામાં જૉબ કરે છે. આર્ય ૬ મહિનાથી બ્લુ વ્હેલ ગેમ રમતો હતો. એ દરમ્યાન તે ખૂબ અગ્રેસિવ બની ગયો હતો. મમ્મી અને ભાઈ સાથે મારઝૂડ પણ કરતો હતો. તેણે પોતાના હાથ પર બ્લેડ પણ મારી હતી. આર્ય આખો દિવસ તેના રૂમમાં જ રહેતો હતો. જમવા માટે અનેક વખત બોલાવવામાં આવ્યા બાદ તે બહાર નીકળતો. ઘટનાની રાતે આર્યના નાના ભાઈને તાવ હતો એટલે તેની મમ્મી જાગતી હતી. તેના મોબાઇલમાં સોસાયટીના ગ્રુપમાં મેસેજ આવ્યો હતો કે કોઈક વ્યક્તિ ઉપરથી પડી છે. મેસેજમાં લોહીલુહાણ હાલતમાં પડેલા કિશોરનો ફોટો જોઈને તે આર્ય હોવાનું જણાતાં તેની મમ્મી નીચે દોડી ગઈ હતી.’
આર્યના મૃત્યુથી ઑનલાઇન વિડિયો ગેમ બ્લુ વ્હેલ ફરી ચર્ચામાં આવી છે. આ ગેમમાં જુદાં-જુદાં લેવલ ક્રૉસ કરીને અંતે પોતાનું જીવન ખતમ કરવાનું હોય છે. આર્યની જેમ અગાઉ અનેક ટીનેજરોએ જીવ ગુમાવ્યા છે. આર્યના પિતાએ અપીલ કરી છે કે આર્યની સાથે ગેમ રમતા હતા તેઓ સાવધ થઈને લૉગ-આઉટ કરી લે.