14 June, 2024 03:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
પુણેમાં પૉર્શે-કાંડમાં આરોપી ટીનેજરને બચાવવા માટે બ્લડ-સૅમ્પલ બદલવાના આરોપસર ધરપકડ કરવામાં આવેલા સસૂન હૉસ્પિટલના ફૉરેન્સિક વિભાગના ઇન્ચાર્જ ડૉ. અજય તાવરેની તપાસમાં કેટલીક ચોંકાવનારી માહિતી પુણે પોલીસની ક્રાઇમ બ્રાન્ચના હાથમાં લાગી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી ડૉક્ટરે બિલ્ડર વિશાલ અગરવાલના ટીનેજ પુત્રને બચાવવા માટે બ્લડ-સૅમ્પલ બદલ્યાં હતાં એમ ભૂતકાળમાં પણ કેટલાક લોકોને આવી રીતે બચાવ્યા હોવાનું જણાયું છે. ડ્રિન્ક ઍન્ડ ડ્રાઇવના મામલામાં સેટલમેન્ટ કરવા માટે કેટલાક મેડિકલ બ્રોકરો સક્રિય છે જેમના માધ્યમથી આરોપી ડૉ. અજય તાવરે બ્લડ ક્લીનિંગ રૅકેટ ચલાવતો હતો. આ કામ માટે તે પાંચ લાખ રૂપિયા ચાર્જ કરતો હતો અને બ્રોકરને એક લાખ રૂપિયા આપવામાં આવતા હતા. ઉલ્લેખનીય છે કે પુણેના બિલ્ડર વિશાલ અગરવાલ, તેના પિતા સુરેન્દ્રકુમાર અગરવાલ, ડૉ. અજય તાવરે, ડૉ. શ્રીહરિ હાળનોર સહિતના આરોપીઓની ધરપકડ કરવામાં આવ્યા બાદ તેઓ જેલમાં બંધ છે.