08 June, 2024 07:29 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
ટીનેજ આરોપીના બિલ્ડર પિતા
પુણેના પૉર્શે-કાંડમાં જેલમાં બંધ ટીનેજ આરોપીના બિલ્ડર પિતા વિશાલ અગરવાલ અને દાદા સુરેન્દ્રકુમાર નવી મુસીબતમાં ફસાયા છે. પુણેના ચંદનનગર પોલીસ-સ્ટેશનમાં ટીનેજરના પિતા અને દાદા સહિત ત્રણ જણ સામે એક બિઝનેસમૅનના પુત્રને આત્મહત્યા માટે ઉશ્કેરવાની ફરિયાદ નોંધવામાં આવી છે. આ વર્ષના જાન્યુઆરી મહિનામાં આત્મહત્યા કરનારા શશિકાંત કતુરેના પિતા ડી. એસ. કતુરેએ પોલીસમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ‘તેમના પુત્ર શશિકાંતે કન્સ્ટ્રક્શન કરવા માટે વિનય કાલે પાસેથી કર્જ લીધું હતું. પુત્ર આ રૂપિયા સમયસર પાછા નહોતો આપી શક્યો એટલે તેની પાસેથી ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે રકમ પાછી આપવાનું દબાણ કરવામાં આવ્યું હતું. આથી પુત્રે આત્મહત્યા કરી છે.’
ચંદનનગર પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘આ ફરિયાદની તપાસમાં જણાયું છે કે શશિકાંત કતુરેને વિનય કાલે, વિશાલ અગરવાલ અને સુરેન્દ્રકુમાર અગરવાલે રૂપિયા પાછા આપવા માટે ખૂબ દબાણ કર્યું હતું જેને લીધે તેણે આત્મહત્યા કરી હતી. આથી અમે ત્રણેય સામે ઇન્ડિયન પીનલ કોડ (IPC)ની આત્મહત્યા માટે ઉશ્કેરવાની કલમ ૩૦૬ અને ધમકી આપવા બદલ કલમ ૫૦૬ અંતર્ગત ફરિયાદ નોંધી છે.’ પૉર્શે-કાંડમાં વિશાલ અગરવાલ અને સુરેન્દ્રકુમાર જેલમાં બંધ છે.