23 May, 2024 07:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
પુણેમાં થયેલા પૉર્શે કારના ઍક્સિડન્ટમાં બે એન્જિનિયરોનાં મોતનું કારણ બનનારા ૧૭ વર્ષના ટીનેજરને ઘટનાના ૧૫ કલાકમાં મામૂલી શરતો પર જામીન મળી જવાના અહેવાલો બાદ એક તરફ લોકોમાં રોષની લાગણી છે એવા સમયે કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ આ મુદ્દે સવાલ ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયામાં એક વિડિયો-સ્ટેટમેન્ટ આપ્યું છે અને એમાં તેમણે ટીનેજરને મળેલી સ્પેશ્યલ ટ્રીટમેન્ટ પર સવાલ ઉઠાવવાની સાથે કેન્દ્ર સરકારને પણ ઘેરવાનો પ્રયાસ કર્યો છે.
રાહુલ ગાંધીએ મંગળવારે રાત્રે વિડિયો-સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે ‘જ્યારે કોઈ રિક્ષા કે ટૅક્સી-ડ્રાઇવર, ઓલા કે ઉબરનો ડ્રાઇવર કે પછી બસ કે ટ્રકનો ડ્રાઇવર કોઈને અજાણતાં મારી નાખે છે તો તેને ૧૦ વર્ષ સુધી જેલમાં પૂરી દેવામાં આવે છે અને જેલની ચાવી ફેંકી દેવામાં આવે છે; પણ એક શ્રીમંત પરિવારનો ટીનેજર શરાબ પીને તેની પૉર્શે કારમાં બે જણને કચડી નાખે છે ત્યારે તેને એક નિબંધ લખવાનું કહેવામાં આવે છે. બસ, ટ્રક, રિક્ષા કે ટૅક્સીના ડ્રાઇવરોને આવો નિબંધ લખવાનું શા માટે કહેવામાં નથી આવતું? વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક મુલાકાતમાં પૂછવામાં આવ્યું કે બે હિન્દુસ્તાન બની રહ્યાં છે : એક અબજપતિઓનું અને એક ગરીબોનું. તેમનો જવાબ એવો આવે છે કે શું હું બધાને ગરીબ બનાવી દઉં? સવાલ આ નથી. સવાલ ન્યાયનો છે. ગરીબો અને અમીરોને બધાને ન્યાય મળવો જોઈએ. અમે એટલા માટે લડી રહ્યા છીએ. અમે અન્યાયના વિરોધમાં લડી રહ્યા છીએ.’
દેવેન્દ્ર ફડણવીસે શું જવાબ આપ્યો?
મહારાષ્ટ્રના ડેપ્યુટી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે પુણેના અકસ્માત અને બે હિન્દુસ્તાન મુદ્દે રાહુલ ગાંધીએ આપેલા નિવેદનની ટીકા કરતાં કહ્યું હતું કે ‘આ પ્રકારનાં નિવેદનો રાહુલ ગાંધી જેવી વ્યક્તિનું માન-સન્માન નથી વધારતાં. તેમણે આવું નિવેદન ન આપવું જોઈએ. રાહુલ ગાંધીને કદાચ પુણે પોલીસની સખત કાર્યવાહી અને ચાર જણની ધરપકડની વિશે જાણ નથી એટલે તેઓ માત્ર મત મેળવવા માટે આવા સંવેદનશીલ મુદ્દા પર રાજકારણ કરવા માગે છે જે ઉચિત નથી. જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના ઑર્ડર વિશે અમે પણ અમારી ચિંતા વ્યક્ત કરી છે. પુણે પોલીસે પણ આ મુદ્દે અપીલ કરી છે અને હાયર કોર્ટે એની નોંધ પણ લીધી છે.’
ટીનેજરના પિતાને લઈ જતી વૅન પર શાહી ફેંકાઈ
ટીનેજરના બિલ્ડર પિતા વિશાલ અગ્રવાલને ગઈ કાલે બપોરે અઢી વાગ્યે પુણેની સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવતાં તેને ૨૪ મે સુધી પોલીસ-કસ્ટડીમાં મોકલી દેવાયો હતો. તેને કોર્ટમાં લઈ જવાતો હતો ત્યારે કોર્ટની બહાર વંદે માતરમ સંઘટનાના કાર્યકરો વિરોધ-પ્રદર્શન કરી રહ્યા હતા અને તેમણે પોલીસ-વૅનને ઘેરી લીધી હતી. સંઘટનાના ચારથી પાંચ કાર્યકરોએ વૅન પર શાહી ફેંકી હતી. તેમણે ‘ઇન્કિલાબ ઝિંદાબાદ’નાં સ્લોગન ઉચ્ચાર્યાં હતાં. પોલીસે આ સંઘટનાના ચારથી પાંચ કાર્યકરોની અટક કરી હતી.
હોટેલમાલિક અને મૅનેજરને પોલીસ-કસ્ટડી
આ ટીનેજર અને તેના મિત્રોને શરાબ પીરસનારા મુંઢવા હોટેલના માલિક પ્રહલાદ ભૂતડા, મૅનેજર સચિન કાટકર અને બારટેન્ડર સંદીપ સાંગલેને ૨૪ મે સુધી પોલીસ-કસ્ટડીમાં મોકલી દેવાયા છે. મંગળવારે સ્ટેટ એક્સાઇઝ વિભાગે પણ આ હોટેલ પર રેઇડ પાડી હતી.
જુવેનાઇલ જસ્ટિસ બોર્ડનો અજબ ચુકાદો
૧૭ વર્ષ સાત મહિનાની ઉંમર ધરાવતા ટીનેજરને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવતાં તેને ૩૦૦ શબ્દોમાં અકસ્માતો વિશે નિબંધ લખવા જણાવાયું હતું. આ ઉપરાંત યેરવડા જેલમાં ટ્રાફિક-વિભાગમાં બે અઠવાડિયાં કામ કરવા અને કાઉન્સેલિંગ કરવા ઉપરાંત શરાબ છોડવા માટે સારવાર લેવાનું કહેવામાં આવ્યું હતું.
પોલીસ-કમિશનરના રાજીનામાની માગણી
મહાવિકાસ આઘાડીના નેતાઓ વિજય વડેટ્ટીવાર અને સંજય રાઉતે આ મુદ્દે જુડિશ્યલ તપાસની માગણી કરીને પુણેના પોલીસ-કમિશનર અમિતેશકુમારને પદ પરથી હટાવવાની માગણી કરી હતી. ઍક્સિડન્ટમાં બે એન્જિનિયરોની ડેડ-બૉડી રસ્તા પર પડી હતી ત્યારે આરોપી ટીનેજર માટે પોલીસે પીત્ઝા ઑર્ડર કર્યા એની તેમણે આકરી ટીકા કરી હતી.