પૉર્શેના ઍક્સિડન્ટ પછી ટીનેજરને બદલે ફૅમિલીના ડ્રાઇવરને આરોપી બનાવવાનો પ્રયાસ કરવામાં આવેલો

25 May, 2024 12:10 PM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

કમિશનરે કહ્યું કે સગીર આરોપીને ખબર હતી કે નશામાં કાર ચલાવીશ તો કોઈને જીવનું જોખમ થશે એમ છતાં તેણે આ કૃત્ય કરતાં આ માત્ર ડ્રિન્ક ઍન્ડ ડ્રાઇવનો મામલો નથી: ૧૦ વર્ષની સજા થઈ શકે

પુણેના પોલીસ-કમિશનર અમિતેશ કુમાર

પુણેના પૉર્શે કાર-અકસ્માત વિશે પુણેના પોલીસ-કમિશનર અમિતેશ કુમારે ગઈ કાલે કહ્યું હતું કે બિલ્ડર વિશાલ અગ્રવાલના ૧૭ વર્ષના પુત્રે અકસ્માત કર્યા બાદ ઍક્સિડન્ટ વખતે ફૅમિલીનો ડ્રાઇવર કાર ચલાવી રહ્યો હોવાનું બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે પોલીસે આવું થવા નહોતું દીધું. જેમણે આ નિષ્ફળ પ્રયાસ કર્યો હતો એની તપાસ કરવામાં આવી રહી છે અને આવા લોકો સામે પણ ગુનો નોંધવામાં આવશે. પોલીસ-કમિશનરે અકસ્માતનો આખો ઘટનાક્રમ પ્રેસ-કૉન્ફરન્સમાં રજૂ કરીને કહ્યું હતું કે આ મામલો ડ્રિન્ક ઍન્ડ ડ્રાઇવનો નથી, સગીરે જ કાર ચલાવી એમાં બે લોકોના જીવ ગયા છે એટલે તેને ૧૦ વર્ષની સજા થઈ શકે છે.

પુણેના પોલીસ-કમિશનર અમિતેશ કુમારે કહ્યું હતું કે ‘તપાસમાં આરોપી જ કાર ચલાવતો હતો એ સ્પષ્ટ રીતે જણાઈ આવે છે. આરોપી તેના ઘરેથી નીકળ્યો ત્યારે સિક્યૉરિટીના રજિસ્ટરમાં તે કાર ચલાવી રહ્યો હોવાનું જણાયું છે. આ સિવાય ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ અને ટેક્નિકલ પુરાવાથી સ્પષ્ટ થાય છે કે અકસ્માત વખતે પણ ૧૭ વર્ષનો આરોપી જ કાર ચલાવી રહ્યો હતો. અકસ્માત વખતે ઘટનાસ્થળે હાજર રહેલા લોકોએ પણ ટીનેજર જ ડ્રાઇવિંગ-સીટ પર હોવાનું કહ્યું છે.’

આરોપી ટીનેજરનાં બે વખત શા માટે બ્લડ-સૅમ્પલ લેવામાં આવ્યાં એ વિશે પોલીસ-કમિશનરે કહ્યું હતું કે ‘રવિવારે સવારના ૯ વાગ્યે સસૂન હૉસ્પિટલમાં બ્લડ-સૅમ્પલ લેવામાં આવ્યું હતું. ગુનો નોંધવામાં આવ્યા બાદ બ્લડના નમૂના લેવામાં સમય લાગ્યો હતો એટલે ૧૧ વાગ્યે બીજી વખત સૅમ્પલ લેવામાં આવ્યું હતું. બ્લડનાં સૅમ્પલ એક જ વ્યક્તિનાં છે કે કેમ એ જાણવા માટે આવું કરવામાં આવ્યું હતું.  જોકે આ મામલામાં આરોપીના બ્લડમાં કેટલી માત્રામાં આલ્કોહૉલ છે એ આ કેસમાં બહુ મહત્ત્વનું નથી.’

પીત્ઝા-બર્ગરને બદલે પૌંઆ અને ચપાતી-ભાજી

ટીનેજ આરોપીની ધરપકડ કરવામાં આવ્યા બાદ યેરવડા પોલીસ-સ્ટેશનમાં પાછલા બારણેથી તેને પીત્ઝા-બર્ગર આપવામાં આવ્યાં હોવાનો આરોપ થયો હતો. હવે આરોપી બાળસુધારગૃહમાં છે ત્યારે અમીર પિતાના આ નબીરાને પીત્ઝા-બર્ગર નહીં પણ બીજા ટીનેજ કેદીઓની જેમ પૌંઆ અને ચપાતી-ભાજી આપવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું હતું.

બારમાલિક અને સ્ટાફનું વિરોધ-પ્રદર્શન
પૉર્શે કાર ચલાવતાં પહેલાં ટીનેજ આરોપીએ પબમાં ફ્રેન્ડ્સ સાથે દારૂ પીધો હોવાનું જણાયા બાદ પોલીસ અને એક્સાઇઝ વિભાગે પબ સામે કાર્યવાહી કરીને માલમતા જપ્ત કરવાની સાથે બીજાં પગલાં લેવાની શરૂઆત કરી છે. આવી કાર્યવાહીથી ૬૦,૦૦૦ લોકોની નોકરી સામે જોખમ ઊભું થયું હોવાનો દાવો કરીને ગઈ કાલે સવારના બારમાલિક અને સ્ટાફે વિરોધ-પ્રદર્શન કર્યું હતું.

બે પોલીસ-અધિકારી સસ્પેન્ડ
કાર-ઍક્સિડન્ટ થયાની જાણ થયા પછી ઘટનાસ્થળે પહોંચેલી યેરવડા પોલીસ-સ્ટેશનની ટીમ કે આ ટીમના ઉપરી અધિકારીઓએ પોલીસના કન્ટ્રોલ રૂમ તેમ જ ઉપરી અધિકારીઓને અકસ્માતની જાણ ન કરી હોવાનું ધ્યાનમાં આવતાં પુણેના પોલીસ-કમિશનર અમિતેશ કુમારે ગઈ કાલે યેરવડા પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર રાહુલ જગદાળે અને અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર વિશ્વનાથ તોડકરીને સસ્પેન્ડ કર્યા હતા. ઘટના સમયે આ બન્ને પોલીસ-ઑફિસર ડ્યુટી પર હતા.

૧૪ દિવસની જુડિશ્યલ કસ્ટડી
ટીનેજ આરોપીના પિતા વિશાલ અગ્રવાલ, કોઝી રેસ્ટોરાંના માલિક નમન ભુતડા અને મૅનેજર સચિન કાટકર, બ્લૅક ક્લબના મૅનેજર સંદીપ સાંગળે તેમ જ કર્મચારીઓ જયેશ ગાવકર અને નીતેશ શેવાણીની પોલીસ-કસ્ટડી ગઈ કાલે પૂરી થઈ હતી. કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ કોર્ટે તેમને ૭ જૂન સુધી જુડિશ્યલ કસ્ટડીમાં રાખવાનો ગઈ કાલે આદેશ આપ્યો હતો.

mumbai news mumbai pune road accident mumbai crime news