અબૉર્શન પછી અવસાન પામેલી પરિણીત પ્રેમિકાના મૃતદેહને નદીમાં ફેંક્યો અને તેનાં બે જીવતાં બાળકોને ફેંક્યાં નદીમાં

23 July, 2024 03:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મૃત મહિલાના સંબંધીઓએ પોલીસમાં ફરિયાદ કરી એને પગલે યુવક અને તેના મિત્રની ધરપકડ

ઇન્દ્રાયણી નદીના આ કાંઠેથી મહિલાનો મૃતદેહ અને બે બાળકોને જીવતાં ફેંકી દેવામાં અવ્યાં હતાં

એક યુવકે તેના મિત્રની મદદથી પરિણીત પ્રેમિકાના મૃતદેહને નદીમાં ફેંક્યો ત્યારે તેનાં બે અને પાંચ વર્ષનાં બાળકો રડવા લાગ્યાં હતાં. આ બાળકો જીવતાં રહેશે તો પોતે મૃતદેહ નદીમાં ફેંક્યો હોવાની પોલ ખૂલી જશે એમ માનીને તેણે આ બાળકોને પણ જીવતાં નદીમાં ફેંકી દીધાં હતાં. અત્યારે બહાર આવેલી ૯ જુલાઈની આ ઘટનામાં પચીસ વર્ષની મહિલા અને તેનાં બે બાળકોના મૃતદેહ નથી મળ્યા, પણ પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી છે.

પુણેના તળેગાવ મહારાષ્ટ્ર ઇન્ડ્ર​સ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MIDC) પોલીસના જણાવ્યા મુજબ અહીંના માવળ વિસ્તારમાં પચીસ વર્ષની એક મહિલા તેનાં બે અને પાંચ વર્ષનાં બાળકો સાથે રહેતી હતી. પાડોશમાં રહેતા ગજેન્દ્ર દગડખૈર સાથે એ મહિલાને પ્રેમ થતાં તેઓ સાથે રહેવા લાગ્યાં હતાં. મહિલા પ્રેગ્નન્ટ થતાં ગજેન્દ્રને બાળક નહોતું જોઈતું એટલે અબૉર્શન કરાવવા માટે તે મહિલાને ૬ જુલાઈએ કળંબોલી લઈ ગયો હતો અને ત્યાંની હૉસ્પિટલમાં અબૉર્શન કરાવ્યું હતું. જોકે કોઈક કારણસર મહિલાનું ૮ જુલાઈએ હૉસ્પિટલમાં મૃત્યુ થયું હતું એટલે ગજેન્દ્ર તેના મિત્ર રવિકાંત ગાયકવાડની મદદથી મહિલાનો મૃતદેહ અંતિમક્રિયા માટે માવળ લઈ આવ્યો હતો.

૯ જુલાઈએ આરોપી ગજેન્દ્ર દગડખૈર અને તેનો મિત્ર રવિકાંત ગાયકવાડ મહિલાના મૃતદેહને ઇન્દ્રાયણી નદીના કાંઠે લઈ ગયા હતા. આ સમયે તેમની સાથે એ મહિલાનાં બન્ને બાળકો પણ હતાં. તેમણે મહિલાના મૃતદેહની અંતિમવિધિ કરવાને બદલે તેને નદીમાં ફેંકી દીધો હતો. આ જોઈને મહિલાનાં બન્ને બાળકો રડવા લાગ્યાં હતાં એટલે ગભરાઈ ગયેલા ગજેન્દ્રએ બન્ને બાળકોને વારાફરતી નદીમાં જીવતાં ફેંકી દીધાં હતાં.

મોબાઇલથી પકડાયા

પોલીસના જણાવ્યા મુજબ મહિલાના મૃતદેહની સાથે તેનાં બે બાળકોને નદીમાં ફેંક્યા બાદ જાણે કંઈ થયું જ ન હોય એવી રીતે ગજેન્દ્ર અને રવિકાંત રહેવા લાગ્યા હતા. જોકે મહિલાની માતાએ મિસિંગની ફરિયાદ નોંધાવી હતી. પોલીસની તપાસમાં જણાયું હતું કે ગજેન્દ્રએ મહિલાને અનેક વખત ફોન કર્યા હતા. ગજેન્દ્રએ તેના મિત્ર રવિકાંતને પણ વારંવાર ફોન કર્યા હતા. બન્નેની અનેક વખત પૂછપરછ કરવામાં આવી હતી, પણ તેઓ ટસના મસ નહોતા થયા. જોકે બાદમાં સખતીથી કામ લેવામાં આવતાં તેઓ ભાંગી પડ્યા હતા. તેમણે મહિલાનો મૃતદેહ અને તેનાં બાળકોને નદીમાં ફેંકી દીધાં હોવાનું કબૂલ્યું હતું એટલે તેમની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેયના મૃતદેહ હજી હાથ લાગ્યા નથી.

pune pune news Crime News maharashtra mumbai mumbai news