પુણેમાં ડમ્પરે રોડ પર સૂતેલા લોકોને કચડી નાખ્યાઃ ૩નાં મોત, એમાંથી બે તો એક અને બે વર્ષનાં બાળક

24 December, 2024 12:15 PM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

અમરાવતીથી પુણે મજૂરીની શોધમાં આવેલા કેટલાક પરિવાર પુણેના વાઘોલીના કેસનંદ વિસ્તારમાં રવિવારે રાતે ફુટપાથ પર સૂતા હતા ત્યારે તેમના પર ડમ્પર ફરી વળ્યું હતું

ડમ્પરનો ડ્રાઇવર દારૂના નશામાં હતો

બે દિવસ પહેલાં અમરાવતીથી પુણે મજૂરીની શોધમાં આવેલા કેટલાક પરિવાર પુણેના વાઘોલીના કેસનંદ વિસ્તારમાં રવિવારે રાતે ફુટપાથ પર સૂતા હતા ત્યારે તેમના પર ડમ્પર ફરી વળ્યું હતું. આ દુર્ઘટનામાં ૩ જણનાં મોત થયાં છે જ્યારે બીજા ૬ જણ ગંભીર રીતે ઘાયલ થયા છે. ડમ્પરનો ડ્રાઇવર દારૂના નશામાં હતો એવું કહેવાય છે. પોલીસે ડ્રાઇવરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતની આ ઘટના વાઘોલી પોલીસ સ્ટેશનની સામે જ ‌રવિવારે મધરાત બાદ એક વાગ્યે બની હતી. આ ઘટનામાં વિશાલ વિનોદ પવાર (૨૨), વૈભવી રિતેશ પવાર (૧) અને વૈભવ રિતેશ પવાર (૨)નાં મોત થયાં હતાં.

૩ જણનો ભોગ લેનાર ૨૬ વર્ષનો ડમ્પરનો ડ્રાઇવર ગજાનન તોટ્રે ઘણાં વર્ષોથી હેવી વેહિકલ ચલાવે છે. વાઘોલી પોલીસે તેની ધરપકડ કરી તેની સામે સદોષ મનુષ્યવધ સહિત અન્ય કલમો હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી છે. તેણે અકસ્માત કર્યો ત્યારે દારૂ પીધો હતો કે નહીં એ જાણવા તેની મેડિકલ ટેસ્ટ કરવામાં આવી હતી અને તેનાં બ્લડ-સૅમ્પલ ચકાસણી માટે મોકલવામાં આવ્યાં હતાં.

pune road accident news pune news mumbai mumbai news