૨૦,૦૦૦ શિવભક્તો પુણેની જય શિવાજી, જય ભારત પદયાત્રામાં સામેલ થયા

20 February, 2025 12:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૪ કિલોમીટર લંબાઈની પદયાત્રા કૉલેજ ઑફ પુણે ટેક્નૉલૉજિકલ યુનિવર્સિટીથી શરૂ થઈને ફર્ગ્યુસન કૉલેજમાં પૂરી થઈ હતી.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે પુણેમાં જય શિવાજી, જય ભારત પદયાત્રાની શરૂઆત કરાવી હતી.

હિન્દવી સ્વરાજના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની ગઈ કાલે ૩૯૫મી જન્મ જયંતી હતી એ નિમિત્તે પુણેમાં જય શિવાજી, જય ભારત પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની શરૂઆત મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ કરાવી હતી. ૪ કિલોમીટર લંબાઈની પદયાત્રા કૉલેજ ઑફ પુણે ટેક્નૉલૉજિકલ યુનિવર્સિટીથી શરૂ થઈને ફર્ગ્યુસન કૉલેજમાં પૂરી થઈ હતી. એમાં ૨૦,૦૦૦ શિવભક્તો જોડાયા હતા.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘છત્રપતિ શિવાજી મહારાજ યોદ્ધાની સાથે એક દૂરંદેશી પ્રશાસક હતા, જેમણે અજોડ નેતૃત્વથી શાસનની નવી દિશા આપી હતી. ટૅક્સ, ખેડૂતોનું કલ્યાણ, પાણી અને વનનું સંવર્ધન, કિલ્લેબંધી, નૌસેનાની શક્તિ અને દરિયાઈ સુરક્ષા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ચાર શતક પહેલાંની છત્રપતિના શાસનની દિશા આજેય ઉપયોગી છે. છત્રપતિ મૅનેજમેન્ટના ગુરુ હતા, સામાન્ય માણસનું સક્ષમીકરણ કરવાની સાથે મહિલાની ગરિમા જળવાય એ માટેનું તેમણે કામ કર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભારતે છત્રપતિ શિવાજી મહારાજના ૧૨ કિલ્લાને યુનેસ્કોમાં નૉમિનેટ કર્યા છે. સરકારનો આ નિર્ણય છત્રપતિના શાશ્વત વારસાને આપવામાં આવેલી યોગ્ય શ્રદ્ધાંજલિ છે.’

shivaji maharaj pune devendra fadnavis maharashtra news unesco news mumbai mumbai news