દહિસર–બોરીવલી વચ્ચે સ્લો થઈ જતી ટ્રેનો હવે પછી ઝડપથી પસાર થશે

27 April, 2023 09:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવે એ પૅચમાં ટ્રેન ૩૦ કિલોમીટરની ઝડપે દોડી શકશે

પ્રતીકાત્મક તસવીર

દહિસર કે એનાથી આગળ વિરાર અને દહાણુ સુધીના લોકલના પ્રવાસીઓએ રોજ ટ્રેન દહિસરથી બોરીવલી આવે ત્યારે સ્લો થઈ જતી હોવાનું અનુભવ્યું છે. એટલું  જ નહીં, ઘણી વાર તો ઊભી રહી જતી હોવાથી ખાસ કરીને પીક-અવર્સમાં સમય બગડે છે અને હાડમારી પણ ભોગવવી પડે છે. જોકે હવે પ્રવાસીઓને એમાંથી રાહત મળે એવા સમાચાર આવ્યા છે.

વેસ્ટર્ન રેલવેના ચીફ પીઆરઓ સુમિત ઠાકુરે કહ્યું હતું કે ‘કેટલીક ટેક્નિકલ બાબતો હતી જેને કારણે એ સમસ્યા સર્જાતી હતી. અમે એમાં હવે સુધારો કર્યો છે જેને કારણે હવે એ પૅચમાં ટ્રેન ૩૦ કિલોમીટરની ઝડપે દોડી શકશે. દહિસરથી બોરીવલી પ્લૅટફૉર્મ-નંબર આઠ પર આવતી ટ્રેનો પણ હવે ઝડપથી આવી શકશે. એટલું જ નહીં, એ ટ્રેન જ્યારે પ્લૅટફૉર્મ-નંબર આઠ પર ચર્ચગેટની દિશામાં ઊપડશે ત્યારે પણ તે હવે ઝડપથી ક્રૉસઓવર કરી શકશે. આમ ટેક્નિકલ સમસ્યાઓનો ઉકેલ આવતાં ટ્રેનની મૂવમેન્ટ ઝડપથી થઈ શકશે.’

છેલ્લા કેટલાય સમયથી બોરીવલીથી દહિસરની વચ્ચે લોકલ ટ્રેનો ધીમી પડી જતી હોવાથી સેંકડો પ્રવાસીઓને ધસારાના સમયે ઑફિસે પહોંચવામાં મોડું થતું હોય છે.

mumbai mumbai news dahisar borivali