01 September, 2024 07:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અંધેરીના મરોલમાં ‘મરોલચા મોરયાની’ સ્થાપના કરતા શિવગર્જના તરુણ મિત્ર મંડળ દ્વારા આ વર્ષે મૂર્તિકાર નિશાંત પંડિતની કાગળની લૂગદીમાંથી બનાવેલી ઇકો-ફ્રેન્ડ્લી મૂર્તિની સ્થાપના થવાની છે.
પર્યાવરણના રક્ષણ માટે અને પાણીમાં પ્રદૂષણ ન થાય એ માટે સુપ્રીમ કોર્ટે પ્લાસ્ટર ઑફ પૅરિસ (POP)ની મૂર્તિ પર બંધી મૂકવાનો નિર્દેશ ૨૦૨૦માં જ આપી દીધો છે. એમ છતાં એનું પૂર્ણપણે પાલન થયું ન હોવાથી બૉમ્બે હાઈ કોર્ટે આ વિશે નોંધાયેલી એક અરજીના સંદર્ભમાં સરકારના ઉદાસીન વલણ પ્રત્યે નારાજગી દર્શાવી છે અને વહેલી તકે એ બાબતે પગલાં લેવા જણાવ્યું છે.
આ બાબતે બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિના નરેશ દહિબાવકરે કહ્યું હતું કે ‘અમે કોર્ટના આદેશને માન આપીએ છીએ અને POPની મૂર્તિઓ કઈ રીતે ઓછી થાય એના તબક્કાવાર પ્રયાસ કરી રહ્યા છીએ. ઘરમાં સ્થાપના થતી ગણેશજીની મૂર્તિઓમાં હવે ૬૦ ટકા જેટલી મૂર્તિઓ શાડૂ માટીની બની રહી છે. સાર્વજનિક મંડળોની મૂર્તિઓમાં પણ હવે વીસથી બાવીસ ટકા જેટલાં મંડળો ઇકો-ફ્રેન્ડ્લી મૂર્તિની સ્થાપના કરી રહ્યાં છે. એમ છતાં જો પ્રશાસન અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન એમનું વલણ ક્લિયર કરીને નક્કર પગલાં લે તો ફરક પડે.’
નરેશ દહિબાવકરે વધુમાં કહ્યું હતું કે ‘સાર્વજનિક મોટી મૂર્તિઓ શાડૂ માટીની બનાવવી મુશ્કેલ છે એનાં બે કારણોમાં એક તો એનું વજન બહુ જ વધી જાય અને બીજું, એ લાંબી (૧૦ દિવસ) ટકે નહીં તથા એમાં તિરાડો પડવા માંડે. એટલે POPની મૂર્તિઓ બનાવવામાં આવતી હોય છે. પ્રશાસને મૂર્તિ બનાવનારાઓ સાથે બેઠક કરીને તેમની સમસ્યાનો નિવેડો લાવવો જોઈએ. જોકે હવે કાગળની મોટી મૂર્તિઓ બની રહી છે. એ બનાવનારા કલાકારો પણ ધીમે-ધીમે આગળ આવી રહ્યા છે. બીજું, ૧૨,૦૦૦ જેટલાં સાર્વજનિક મંડળોમાંથી ૩૭૦૦ મંડળો રસ્તા પર મંડપ બનાવીને બાપ્પાની પધરામણી કરે છે, જ્યારે એવાં ઘણાં નાનાં સાર્વજનિક મંડળો છે જેઓ સોસાયટીમાં પ્રમાણમાં નાની મૂર્તિઓની સ્થાપના કરે છે અને એ લોકોમાંથી પણ અનેક ઇકો-ફ્રેન્ડ્લી મૂર્તિની સ્થાપના કરે છે. આમ લોકોમાં હવે પર્યાવરણપૂરક મૂર્તિઓ લાવવાનું ચલણ વધ્યું છે અને ફરક પડી રહ્યો છે, પણ એને વાર લાગશે.’