05 September, 2023 08:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજિત પવાર
મુંબઈ ઃ જાલનામાં આરક્ષણ માટે આંદોલન કરી રહેલા લોકો પર પોલીસને લાઠીચાર્જ કરવાનો આદેશ મંત્રાલયમાંથી આપવામાં આવ્યો હોવાનો આરોપ એનસીપી (નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી)ના ચીફ શરદ પવાર અને શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથના રાજ્યસભાના સંસદસભ્ય સંજય રાઉત સહિતના નેતાઓએ કર્યો છે. આ વિશે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગઈ કાલે આરોપ કરનારાઓને પડકાર ફેંક્યો હતો કે લાઠીચાર્જ કરવાનો ફોન મંત્રાલયમાંથી કરવામાં આવ્યો હોવાનું પુરવાર થશે તો મારા સહિત એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ રાજકારણ છોડી દઈશું. પુરાવા નહીં આપવામાં આવે તો આરોપ કરનારાઓએ રાજકારણમાંથી સંન્યાસ લેવો.
મરાઠા આરક્ષણની માગણી માટે અત્યારે જાલનામાં આંદોલન ચાલી રહ્યું છે અને પોલીસે લાઠીચાર્જ કરવાથી રાજકારણ ગરમાયું છે ત્યારે ગઈ કાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલામાં મહત્ત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્ય પ્રધાનની સાથે નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારની સાથે ઉદયનરાજે ભોસલે સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.
બેઠકમાં કેટલાક મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા હોવા વિશે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે પત્રકારો સાથે વાત કરી હતી. મુખ્ય પ્રધાને જાહેરાત કરી હતી કે મરાઠા સમાજને કુણબીનો દાખલો આપી શકાય કે નહીં એ જાણવા માટે એક સમિતિની સ્થાપના કરવામાં આવશે. આ સમિતિ એક મહિનામાં અહેવાલ રજૂ કરશે. એ પછી સરકાર આ સંબંધે યોગ્ય નિર્ણય લેશે. પોલીસે આંદોલન કરનારાઓ પર લાઠીચાર્જ કરવા બદલ ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે માફી માગી છે. લાઠીચાર્જ કરવાનો આદેશ આપવાથી લઈને આખી ઘટનાની તપાસ કરવામાં આવશે, જેમના પર ખોટા ગુના નોંધવામાં આવ્યા છે એ પાછા લેવામાં આવશે. આ મામલે જાલનાના સંબંધિત પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આથી આંદોલન કરનારાઓને અપીલ છે કે તેઓ શાંતિ જાળવી રાખે.
નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘જાલનામાં મરાઠા આરક્ષણની માગણી કરવા માટે આંદોલન શરૂ થયું હતું ત્યારે મોડી રાત્રે શરદ પવાર પહોંચ્યા. બાદમાં ઉદ્ધવ ઠાકરે ગયા હતા. આનો અર્થ બધા સમજી શકે છે. હું મુખ્ય પ્રધાન હતો ત્યારે સુપ્રીમ કોર્ટમાંથી મરાઠા આરક્ષણને મેળવવામાં આવ્યું હતું. એ પછી સત્તાપરિવર્તન થયું હતું. આરક્ષણ ટકાવી રાખવા માટે જરૂરી પ્રક્રિયા મહાવિકાસ આઘાડીની સરકારે નહોતી કરી. આથી સુપ્રીમ કોર્ટે એ રદ કર્યું હતું. હવે આ જ લોકો મરાઠા આરક્ષણને નામે રાજ્યમાં અશાંતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે જનતાએ આ લોકોને જવાબ આપી દીધો છે.’
બીજા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું હતું કે ‘આંદોલન કરનારાઓ પર પોલીસને લાઠીચાર્જ કરવાનો આદેશ સરકારે આપ્યો હોવાનો આરોપ કરવામાં આવી રહ્યો છે એ સરાસર જુઠ્ઠાણું છે. આરોપ કરનારાઓ રાજ્ય સરકારે આવો આદેશ આપ્યો હોવાનું પુરવાર કરશે તો મારા સહિત એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ રાજીનામાં આપીને રાજકારણ છોડી દઈશું. આરોપીઓ જો પુરાવા રજૂ નહીં કરી શકે તો તેમણે રાજકારણમાંથી સંન્યાસ લેવો જોઈએ. લોકોને ગેરમાર્ગે દોરવા માટે સરકાર પર ખોટા આરોપ કરવામાં આવી રહ્યા છે. મહાવિકાસ આઘાડીની સરકાર વખતે માવળમાં પોલીસે કરેલા લાઠીચાર્જમાં લોકો મૃત્યુ પામ્યાં હતાં. એ સમયે મંત્રાલયમાંથી આદેશ આપવામાં આવ્યો હતો? તત્કાલિન મુખ્ય પ્રધાને આવો આદેશ આપ્યો હતો? એ સમયે તેમણે રાજીનામું કેમ નહોતું આપ્યું?’
રાજ ઠાકરેના કાફલાને રોક્યો
એનસીપી ચીફ શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે બાદ ગઈ કાલે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના અધ્યક્ષ રાજ ઠાકરે જાલના જઈને મરાઠા આરક્ષણ લાગુ કરવાની માગણી કરીને આંદોલન કરનારાઓને મળવા પહોંચ્યા હતા. જોકે રસ્તામાં તેમની કારના કાફલાને ત્રણ વખત મરાઠાઓએ રોક્યો હતો. કારને લોકોએ ઘેરી લીધી હતી ત્યારે રાજ ઠાકરેએ કારમાંથી બહાર નીકળીને તેમની સાથે વાત કરી હતી અને તેમને ન્યાય મળે એ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથે વાત કરીને તમામ પ્રયાસ કરવામાં આવશે, એમ કહ્યું હતું. દેવેન્દ્ર ફડણવીસની ટીકા કરતાં રાજ ઠાકરેએ કહ્યું હતું કે ‘દેવેન્દ્ર ફડણવીસ કહે છે કે આ ઘટના પર વિરોધીઓએ રાજકારણ ન કરવું જોઈએ. તમે જો વિરોધી પક્ષમાં હોત તો તમે શું કર્યું હોત? તમે પણ રાજકારણ કર્યું જ હોત. હું અહીં રાજકારણ કરવા નથી આવ્યો. જે રીતે માતા-બહેનો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે એ જોઈને આવ્યો છું. અહીં મનોજ જરાંગે પાટીલ સાથે ચર્ચા કરી. હવે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મળીને રજૂઆત કરીશ. અત્યારે આમાંથી શું રસ્તો નીકળે છે એનો ખ્યાલ નથી, પણ મને આ લોકોની જેમ ખોટું બોલવાનું ફાવતું નથી.’
જીઆર વિના આંદોલન નહીં સમેટાય
રાજ્ય સરકારે મરાઠા સમાજને આરક્ષણ આપવા માટેના તમામ પ્રયાસ કરવામાં આવશે અને લાઠીચાર્જ થવાની ઘટના બાબતે માફી માગી છે. આમ છતાં, જાલનામાં આંદોલન કરી રહેલા મનોજ જરાંગે પાટીલે કહ્યું હતું કે ‘રાજ્ય સરકાર મરાઠા આરક્ષણ બાબતનો જીઆર કાઢ્યા બાદ આંદોલન સમેટાશે. સરકારના પ્રતિનિધિ મને આવીને મળશે તો પણ જીઆર નહીં કઢાય તો અમે આંદોલન કાયમ રાખીશું.’