બંગલાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં મુલુંડથી વિક્રોલી સુધી માનવસાંકળ રચવામાં આવી

16 December, 2024 03:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જમ્મુ-કાશ્મીર, અમદાવાદ, નવી દિલ્હી, મુંબઈ, આસામ, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, કર્ણાટક સહિત દેશનાં ઘણાં રાજ્યોમાં લોકો રૅલીઓ યોજી વિરોધ કરી રહ્યા છે.

ગઈ કાલે રચાયેલી માનવસાંકળ

બંગલાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર અને માનવાધિકારના ઉલ્લંઘન સામે દેશભરમાં વિરોધ-પ્રદર્શન ચાલી રહ્યું છે. જમ્મુ-કાશ્મીર, અમદાવાદ, નવી દિલ્હી, મુંબઈ, આસામ, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, કર્ણાટક સહિત દેશનાં ઘણાં રાજ્યોમાં લોકો રૅલીઓ યોજી વિરોધ કરી રહ્યા છે ત્યારે બંગલાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં ગઈ કાલે સવારે મુલુંડ ચેકનાકાથી વિક્રોલી સ્ટેશન સુધી આશરે નવ કિલોમીટરમાં માનવસાંકળ રચવામાં આવી હતી. સકલ હિન્દુ સમાજ દ્વારા આયોજિત કરવામાં આવેલી માનવસાંકળમાં દરેક ઉંમરના કુલ ૫૦૦૦થી વધારે નાગરિકોએ ભાગ લઈ આક્રોશ પ્રદર્શિત કર્યો હતો.

બંગલાદેશની ૧૭ કરોડની વસ્તીમાં લગભગ ૮ ટકા હિન્દુઓ છે. પાંચમી ઑગસ્ટે શેખ હસીનાની અવામી લીગ સરકારના પતન પછી બંગલાદેશના પચાસથી વધુ જિલ્લાઓમાં હિન્દુઓ પર ૨૦૦થી વધુ હિંસક હુમલા થયા છે. બંગલાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર મામલે છેલ્લા ઘણા સમયથી ભારતમાં આંદોલનો થઈ રહ્યાં છે ત્યારે ગઈ કાલે મુલુંડ-વેસ્ટના ચેકનાકાથી વિક્રોલી સ્ટેશન સુધી એલબીએસ માર્ગ પર વિશાળ માનવસાંકળનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારના ૧૦ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધી આશરે નવ કિલોમીટરના અંતરમાં માનવસાંકળ રચાઈ હતી.

mulund vikhroli hinduism bangladesh news mumbai mumabi news jihad