30 November, 2024 12:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિરોધ પ્રદર્શન
કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT), અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘ, ઍમૅઝૉન ઇન્ડિયા વર્કર્સ અસોસિએશન, ગિગ વર્કર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયા, હૉકર્સ જૉઇન્ટ ઍક્શન કમિટી, તેલંગણ પ્લૅટફૉર્મ વર્કર્સ યુનિયન અને અન્ય સંગઠનો દ્વારા ઍમૅઝૉન, ફ્લિપકાર્ટ જેવી બહુરાષ્ટ્રીય ઑનલાઇન કંપનીઓના વિરોધમાં આઝાદ મેદાનમાં ગઈ કાલે સવારે યોજાયેલા ધરણા-પ્રદર્શનમાં ફક્ત ૨૦ લોકોને જ પ્રશાસને પરવાનગી આપતાં વેપારીઓ અને વર્કરો હતાશ થઈ ગયા હતા.
CAITના રાષ્ટ્રીય મંત્રી શંકર ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે વિશ્વભરમાં ઘણાં સ્થળોએ બ્લૅક ફ્રાઇડે હોવાથી એ નિમિત્તે બહુરાષ્ટ્રીય ઑનલાઇન કંપનીઓ ખાસ કરીને ઍમૅઝૉન અને ફ્લિપકાર્ટ દ્વારા વેપારીઓ અને તેમની કંપનીના વર્કરોના કરવામાં આવતા શોષણના વિરોધમાં ધરણાં કરવામાં આવ્યાં હતાં, જે અંતર્ગત અમારા અસોસિએશન સહિત અનેક સંગઠનોએ ગઈ કાલે આઝાદ મેદાનમાં ધરણાં કર્યાં હતાં. જોકે આ ધરણાંમાં હાજર રહેવાની સંખ્યામાં પ્રશાસન તરફથી બહુરાષ્ટ્રીય કંપનીઓના દબાવમાં આવીને નિયંત્રણ મૂકી દેવામાં આવતાં અમે સેંકડોની સંખ્યામાં ધરણામાં હાજર રહી શક્યા નહોતા. અમે બધાં જ સંગઠનોના પદાધિકારીઓએ ગઈ કાલે હાજર રહીને ધરણાં કરીને અમારી એકતા પ્રદર્શિત કરી હતી. પ્રદર્શનના અંતમાં અમે ત્યાં હાજર રહેલા પ્રશાસનના અધિકારીને આવેદનપત્ર સોંપીને અમારી માગણીઓ રજૂ કરી હતી જેમાં અમે વેપારીઓને એકસમાન અવસર આપવામાં આવે અને માગ કરી હતી કે ઑનલાઇન કારોબાર માટે એક નિયમનકારની રચના કરવી જોઈએ જેથી ઑનલાઇન કંપનીઓ દ્વારા કરવામાં આવતા કારોબારને નિયંત્રિત કરી શકાય અને ભારતના કાયદાનું ચુસ્તપણે પાલન થાય.’
ગઈ કાલે આઝાદ મેદાનમાં યોજાયેલાં ધરણાંમાં શંકર ઠક્કરની સાથે મુંબઈ લાઇટ ઍન્ડ સ્ટવ અસોસિએશનના મહેશ બખાઈ, નવી મુંબઈ મર્ચન્ટ્સ અસોસિએશનના અમરીશ કારિયા, ધારાવી સંગઠનના રાજેશ ગુપ્તા અને હૉકર્સ સંયુક્ત કાર્યવાહી સમિતિના નેતાઓએ હાજરી આપીને તેમનાં મંતવ્યો રજૂ કર્યાં હતાં.