26 December, 2024 02:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શરદ પવાર
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના હાઇડ્રોલિક ડિપાર્ટમેન્ટે પાણીના દરમાં ૮ ટકા વધારો કરવાનો પ્રસ્તાવ મંજૂરી માટે BMCના કમિશનર અને ઍડ્મિનિસ્ટ્રેટર ભૂષણ ગગરાણીને મોકલી આપ્યો છે. છેલ્લાં બે વર્ષથી વૉટર ટૅક્સમાં કોઈ વધારો કરવામાં ન આવ્યો હોવાથી ખર્ચને પહોંચી વળવા માટે આ વધારો સૂચવવામાં આવ્યો હોવાનું હાઇડ્રોલિક ડિપાર્ટમેન્ટનું કહેવું છે. જોકે BMCની ચૂંટણી માથે હોવાથી આ પ્રસ્તાવ હમણાં મંજૂર થવાની શક્યતા ઓછી છે.
વૉટર ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે તેમના ખર્ચમાં ૧૫ ટકાનો વધારો થયો હોવાથી ટૅક્સ વધારવાનો નિર્ણય લેવો પડ્યો છે. મુંબઈને ૭ જળાશયો પાણી પૂરું પાડે છે અને એમાં ભાત્સા સૌથી લાંબું છે. આ પાણીને મુંબઈ સુધી લાવવા માટે વર્ષોજૂની પાણીની પાઇપલાઇનમાં વારંવાર ભંગાણ પડતું હોવાથી એનો અને લોકોના ઘર સુધી પાણી પહોંચાડવાનો જે ખર્ચ થાય છે એમાં વધારો થયો હોવાથી વૉટર ડિપાર્ટમેન્ટે આ પ્રસ્તાવ તૈયાર કર્યો છે.
થોડાં વર્ષ પહેલાં પ્રશાસને BMCના બજેટમાં જ વૉટર ટૅક્સમાં ૮ ટકા સુધીનો વધારો કરવાની જોગવાઈ કરી હતી. ત્યાર બાદ BMC સભાગૃહ અને સ્થાયી સમિતિમાં આ જોગવાઈ પર મંજૂરીની મહોર મારવામાં આવ્યા બાદ ૮ ટકા વૉટર ટૅક્સ વધારવામાં આવ્યો હતો. આનો જ આધાર લઈને પાણીના વેરામાં વધારો કરવાનું હાઇડ્રોલિક ડિપાર્ટમેન્ટે નક્કી કર્યું છે.
શરદ પવારની પાર્ટીએ આપી દીધી આંદોલનની ચીમકી
શરદ પવારની રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટીએ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો છે. રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટીના પ્રવક્તા અને યુવા પાંખના મુંબઈ અધ્યક્ષ ઍડ્વોકેટ અમોલ મતાલેએ કહ્યું હતું કે ‘પહેલેથી મોંઘવારીનો માર સહન કરી રહેલા મુંબઈગરાઓ પર નવો આર્થિક બોજ નાખવો અન્યાયકારક છે. જો વૉટર ડિપાર્ટમેન્ટ આ પ્રપોઝલ પાછી નહીં ખેંચે તો અમે આંદોલન કરીશું.’