29 June, 2024 07:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હસિત મહેતા, રમણ સોની, પ્રફુલ્લ રાવળ
કોઈ ગુજરાતી સામયિક ૧૦૦ વરસ પૂરાં કર્યા બાદ એની યાત્રા અકબંધ ચાલુ રાખે એ ગૌરવ અને આનંદનો વિષય ગણાય. આ આનંદને ઉત્સવ તરીકે માણવા અને ‘કુમાર’નાં ૧૦૦ વરસની યાત્રાના અનુભવોને લોકો સમક્ષ મૂકવાના ઉમદા ઉદ્દેશ સાથે ગુજરાતી સાહિત્ય પરિષદ અને કળા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિને વરેલી કાંદિવલીની સંસ્થા સંવિત્તિના સંયુક્ત ઉપક્રમે ‘કુમાર’ સામયિકની શતાબ્દીનો કાર્યક્રમ આજે સાંજે કાંદિવલી ખાતે કે.ઈ.એસ. ઇન્ટરનૅશનલ સ્કૂલના હૉલમાં યોજાશે. આ કાર્યક્રમમાં મુખ્યત્વે ‘કુમાર’ સામયિકની વિવિધ પરિપ્રેક્ષ્યથી વાત થશે અને વીતેલાં ૧૦૦ વર્ષના સમયમાં તંત્રી તથા વાચકોની ભૂમિકા અને સાહિત્ય સમજણ કઈ રીતે ઘડાતી ગઈ અને બદલાતી ગઈ એ વિશે ચર્ચા થશે.
આ કાર્યક્રમની ભૂમિકા સાહિત્ય પરિષદનાં મંત્રી ડૉ. સેજલ શાહ રજૂ કરશે. ‘કુમાર’ સામયિકનો ઇતિહાસ પ્રફુલ્લ રાવળ પ્રસ્તુત કરશે. ‘જ્ઞાનના વિશાળ ફલકનું સાંકળિયું – કુમાર’ શીર્ષક હેઠળ હસિત મહેતા રજૂઆત કરશે. રમણભાઈ સોની પોતાના વિચારો-મનોભાવ વ્યક્ત કરશે. કલાતીર્થ દ્વારા થનારા કુમાર વિશેષના પાંચ અંકો - ભૂમિકા અને કારણો અંગે રમણીક ઝાપડિયા વાત કરશે. ‘કુમાર’ સામયિક સાથેનાં કેટલાંક અંગત સંસ્મરણો પ્રસિદ્ધ સાહિત્યકાર ડૉ. દિનકર જોશી અને સંવિત્તિના એક સ્થાપક સભ્ય અને મુખ્ય સૂત્રધાર કીર્તિ શાહ રજૂ કરશે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંવિત્તિના ફાઉન્ડર્સમાંના એક સભ્ય ડૉ. હાર્દિક ભટ્ટ કરશે.
કાર્યક્રમ આજે સાંજે પાંચથી સાત વાગ્યા દરમ્યાન કે.ઈ.એસ. ઇન્ટરનૅશનલ સ્કૂલનું વાતાનુકૂલિત સભાગૃહ, ત્રીજા માળે (લિફ્ટની વ્યવસ્થા છે), એશિયન બેકરીની સામેની ગલી, ગણેશ પાપડ ફૅક્ટરીની સામે, ઈરાનીવાડી નંબર ૩, કાંદિવલી (વેસ્ટ)માં યોજાશે. સાહિત્યરસિકો અને કુમારપ્રેમીઓને હાર્દિક આમંત્રણ છે. કાર્યક્રમ નિઃશુલ્ક છે અને બેઠક-વ્યવસ્થા વહેલો તે પહેલોના ધોરણે રહેશે.