24 November, 2024 08:29 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે દિલ્હીમાં BJPના હેડક્વૉર્ટરમાં મહારાષ્ટ્રના વિજયને કાર્યકરો સાથે ઊજવવા આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી.
મહારાષ્ટ્રમાં વિજય બાદ દિલ્હીમાં BJPના મુખ્યાલયમાં કાર્યકરોને સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં સત્યનો વિજય થયો છે અને વિભાજનકારી શક્તિઓનો પરાજય થયો છે.
મહા વિકાસ આઘાડી પર પ્રહારો કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમેર્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં સૌથી વધારે બેઠકો મેળવવા ઉપરાંત BJPને મહા વિકાસ આઘાડી કરતાં પણ વધારે મત મળ્યા છે અને એથી આ ઐતિહાસિક વિજય છે. સતત ત્રીજી વાર જનતાએ મહાયુતિને મત આપ્યા છે અને વિજયી બનાવી છે. મહારાષ્ટ્ર દેશનું ગ્રોથ એન્જિન છે અને કૉન્ગ્રેસ જે કરી શકી નહીં એ અમે કરી બતાવ્યું છે. રાજકારણ સાથે સંકળાયેલા ન હોય એવા એક લાખ યુવાનોને મારે રાજકારણમાં લાવવા છે અને આ સંકલ્પ હું પૂરો કરવાનો છું.’
લોકોનો સ્નેહ અને લાગણી અદ્વિતીય
મહારાષ્ટ્ર વિધાનસભાનાં પરિણામ જાહેર થયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક પોસ્ટમાં મહાયુતિને મળેલી ભવ્ય જીત માટે અભિનંદન આપતાં મહારાષ્ટ્રના લોકોને સંબોધીને કહ્યું હતું કે ‘વિકાસની જીત, સુશાસનની જીત, એકજૂટ થઈને આપણે ઓર ઊંચા ઊઠીશું. NDAને ઐતિહાસિક જનાદેશ આપવા માટે મહારાષ્ટ્રનાં મારાં ભાઈ-બહેનો, ખાસ કરીને રાજ્યનાં યુવાનો અને મહિલાઓનો હાર્દિક આભાર. આ સ્નેહ અને લાગણી અદ્વિતીય છે. હું લોકોને ભરોસો આપું છું કે અમારું ગઠબંધન મહારાષ્ટ્રની પ્રગતિ માટે કામ કરતું રહેશે. જય મહારાષ્ટ્ર.’