30 September, 2024 09:45 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પુણે મેટ્રો રેલવે પ્રોજેક્ટ (ફેઝ-૧) લાઇનનું ઑનલાઇન ઉદ્ઘાટન કર્યું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે પુણે મેટ્રોની ડિસ્ટ્રિક્ટ કોર્ટથી સ્વારગેટ સુધીના પુણે મેટ્રો રેલવે પ્રોજેક્ટ (ફેઝ-૧) લાઇનનું ઑનલાઇન ઉદ્ઘાટન કર્યું હતું. આ અન્ડરગ્રાઉન્ડ મેટ્રો લાઇન ૧૮૧૦ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે. આ ઉપરાંત તેમણે મહારાષ્ટ્રના કુલ ૧૧,૨૦૦ કરોડ રૂપિયાના વિવિધ ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચર પ્રોજેક્ટનું ઑનલાઇન ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં પુણેના સ્વારગેટથી કાત્રજ સુધી ૨૯૫૫ કરોડ રૂપિયાના ખર્ચે બનનારી ૫.૪૬ કિલોમીટર લાંબી અન્ડરગ્રાઉન્ડ મેટ્રોનો શિલાન્યાસ અને ભૂમિપૂજનનો પણ સમાવેશ હતો. આ ફેઝમાં ૩ સ્ટેશનોમાં માર્કેટ યાર્ડ, પદ્માવતી અને કાત્રજનો સમાવેશ થાય છે. મૂળમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૬ સપ્ટેમ્બર, બુધવારે જ પુણે આવીને એનું ઉદ્ઘાટન કરવાના હતા અને એની તૈયારીઓ પણ થઈ ચૂકી હતી, પણ વધુપડતા વરસાદને કારણે એ કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો હતો એટલે ગઈ કાલે એનું ઑનલાઇન ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
એ સિવાય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંભાજીનગરથી વીસ કિલોમીટરના અંતરે નૅશનલ ઇન્ડસ્ટ્રિયલ કૉરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ ૭૮૫૫ એકરના બિડકિન ઇન્ડસ્ટ્રિયલ એરિયાનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ દિલ્હી–મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કૉરિડોર હેઠળ આવરી લેવાયો છે. બિડકિન ઇન્ડસ્ટ્રિયલ એરિયા એ મરાઠવાડાનું એક મહત્ત્વનું ઇન્ડસ્ટ્રિયલ હબ બનવાની શક્યતાઓથી ભરપૂર છે. ૬૪૦૦ કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ કેન્દ્ર સરકારે મંજૂર કર્યો છે અને એ ત્રણ ફેઝમાં ઊભો કરવામાં આવશે એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
આ ઉપરાંત વડા પ્રધાને રીવૅમ્પ કરવામાં આવેલા સોલાપુર ઍરપોર્ટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. એના દ્વારા સોલાપુરની કનેક્ટિવિટી વધશે અને ટૂરિસ્ટ, બિઝનેસ ટ્રાવેલર્સ અને ઇન્વેસ્ટર્સ ત્યાં સહેલાઈથી આવ-જા કરી શકશે. હાલના ઍરપોર્ટ બિલ્ડિંગને રીવૅમ્પ કરવામાં આવ્યું છે અને વધુ સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે. હવે વર્ષે ૪.૧ લાખ પૅસેન્જરોને એ હૅન્ડલ કરી શકશે.
વડા પ્રધાને ભિડેવાડામાં ક્રાંતિજ્યોતિ સાવિત્રીબાઈ ફુલે અને જ્યોતિરાવ ફુલે દ્વારા ૧૮૪૮માં છોકરીઓ માટે પહેલી સ્કૂલ ચાલુ કરાઈ હતી ત્યાં સાવિત્રીબાઈ ફુલેનું મેમોરિયલ બનાવવા માટે પણ શિલાન્યાસ કર્યો હતો.