28 November, 2024 10:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઍમ્બ્યુલન્સમાં ઑક્સિજન સહિતની ઇમર્જન્સી સુવિધા ન હોવાને લીધે પાલઘર જિલ્લામાં ૨૬ વર્ષની પ્રેગ્નન્ટ મહિલાનું મૃત્યુ થયું હોવાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. પાલઘરની સરકારી હૉસ્પિટલના સિવિલ સર્જ્યન ડૉક્ટર રામદાસ મરાડે કહ્યું હતું કે ‘અમારા જિલ્લામાં સ્પેશ્યલાઇઝ્ડ ઍમ્બ્યુલન્સ ન હોવાની ફરિયાદ અમે હેલ્થ ડિપાર્ટમેન્ટને અનેક વાર કરી છે. આ મહિલાને ગંભીર હાલતમાં અમારી હૉસ્પિટલમાં લાવવામાં આવી હતી. જો તેને પહેલાં દાખલ કરવામાં આવી હોત તો અમે કદાચ તેને બચાવી શક્યા હોત.’
આ ઘટના બાદ પાલઘરના સંસદસભ્ય ડૉક્ટર હેમંત સાવરાએ કહ્યું હતું કે હેલ્થ ડિપાર્ટમેન્ટે જરૂરી પગલાં લઈને ઍમ્બ્યુલન્સમાં જે પણ સર્વિસિસની જરૂર છે એ પૂરી પાડવી જોઈએ. પાલઘરના સારણી ગામમાં રહેતી પિન્કી દોણગાંવકરને મંગળવારે સાંજે પ્રસૂતિની પીડા ઊપડતાં પરિવારજનો તેને કાસા ગ્રામીણ હૉસ્પિટલમાં લઈ ગયા હતા, પણ તેની હાલત ગંભીર હોવાથી ડૉક્ટરોએ સિલ્વાસામાં આવેલી હૉસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું, પણ ત્યાં લઈ જવા માટે ઑક્સિજનવાળી ઍમ્બ્યુલન્સ ન હોવાને લીધે તેનું મૃત્યુ થયું હતું.