જુહુમાં બીજા વિશ્વયુદ્ધ પહેલાંનું આર્મી સ્ટેશન બન્યું રીડેવલપમેન્ટ માટે વિઘ્ન

13 December, 2022 09:33 AM IST  |  Mumbai | Sameer Surve

અહીં આવેલા આર્મી સિગ્નલિંગ સ્ટેશનને લીધે આ વિસ્તારનાં ઘણાં બિલ્ડિંગોનાં કામ અટકી પડ્યાં છે

આર્મી સિગ્નલિંગ સ્ટેશનથી અસરગ્રસ્ત જુહુના રહેવાસીઓ વિરોધ માટે એકઠા થયા હતા (તસવીર : શાદાબ ખાન)

જુહના તારા અપાર્ટમેન્ટમાં રહેતા ગૌરાંગ બજાજ તેમનું બિલ્ડિંગ રીડેવલપમેન્ટમાં જવાનું હોવાથી ૨૦૧૧માં તેમના ઘરેથી બીજે સ્થળાંતર કરી ગયા હતા. જોકે તેમનું બિલ્ડિંગ પ્રતિબંધિત સંરક્ષણ ક્ષેત્ર હેઠળ આવતું હોવાથી થોડાક જ મહિનામાં એનું કામ અટકી ગયું હતું જે હજી શરૂ કરાયું નથી. અહીં આવેલા આર્મી સિગ્નલિંગ સ્ટેશનને લીધે આ વિસ્તારનાં ઘણાં બિલ્ડિંગો આ જ રીતે રીડેવલપમેન્ટની રાહ જોઈ રહ્યાં છે. ગઈ કાલે આ તમામ બિલ્ડિંગના રહેવાસીઓએ દાયકાઓ જૂની આ સમસ્યાનો ઉકેલ લાવવા એક મીટિંગ યોજી હતી. 

ગૌરાંગ બજાજે કહ્યું હતું કે ‘આ માત્ર મારા જ બિલ્ડિંગની વાત નથી. અમારા વિસ્તારનાં અનેક બિલ્ડિંગોની આ જ હાલત છે. ૧૮ પરિવારનું રહેઠાણ ધરાવતા અમારા બિલ્ડિંગનું કામ એની જમીન આર્મી સિગ્નલિંગ સ્ટેશનના બફર ઝોન હેઠળ આવતી હોવાથી અટકી પડ્યું છે. અમે બધાએ અન્યત્ર સ્થળાંતર કર્યું છે તથા અહીં પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છીએ.’ 
હઝીરાબાગ સોસાયટીના વરિષ્ઠ નાગરિક પ્રકાશ મદનાનીએ કહ્યું હતું કે ‘મારું બિલ્ડિંગ જૂનું છે. એના સ્લૅબ્સ પડવાની શરૂઆત થઈ ચૂકી હોવાથી અમે આ ઘર છોડવાનો નિર્ણય લીધો હતો 
અને ત્યારથી અમે ભાડાના મકાનમાં રહીએ છીએ.’ 

શું છે મુદ્દો?

જુહુના અન્ય એક રહેવાસી બી. બી. લાકડાવાલા અનેક વર્ષોથી આ મુદ્દાનો ઉકેલ લાવવાની કોશિશ કરી રહ્યા છે. આર્મીના સર્ક્યુલર મુજબ સિગ્નલિંગ સ્ટેશનના ૫૦૦ મીટરનો વિસ્તાર બફર ઝોન કહેવાય છે. આ નિયમ લગભગ ૧૮૯ જેટલાં બિલ્ડિંગો, મોરા ગામ અને માછીમાર કૉલોની તેમ જ કેટલીક ઝૂંપડપટ્ટીઓને લાગુ પડે છે. આ તમામ બિલ્ડિંગો ૪૦થી ૪૫ વર્ષ જૂનાં છે અને રીડેવલપમેન્ટ માગી લે એવાં છે. જોકે સંરક્ષણ મંત્રાલયની એનઓસી વિના પ્લાનિંગ ઑથોરિટી તરફથી અમને મંજૂરી નથી મળી રહી એમ લાકડાવાલાએ જણાવ્યું હતું. 

આ આર્મી સિગ્નલિંગ સ્ટેશન બીજા વિશ્વયુદ્ધ પહેલાંનું છે એમ જણાવીને લાકડાવાલાએ કહ્યું હતું કે ‘જુહુસ્થિત આર્મી ઇન્સ્ટૉલેશનની આસપાસ બિલ્ડિંગો બનવાનું શરૂ થયું ત્યારે સેનાએ સ્ટેટસ અપગ્રેડ કરવાની કે વાંધો ઉઠાવવાની તસ્દી લીધી નહોતી. ૨૦૦૯માં વાંધા આવવા લાગ્યા બાદ છેલ્લાં ૧૧ વર્ષથી અમે લડી રહ્યા છીએ, પણ ન્યાય નથી મળ્યો. ઇમારતો ઘણી જૂની છે. જો સરકાર આ વિસ્તારને બફર ઝોન રાખવા માગતી હોય તો એણે અમને બજારકિંમત આપવી જોઈએ. તો અમે આ વિસ્તાર છોડી દઈશું.’ 

મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા વિસ્તારમાં એરિયાના સિગ્નલિંગ સ્ટેશનમાં આર્મી ઑફિસર્સની મેસ અને ઇન્સ્ટિટ્યૂટ હાઉસિસ આવેલાં છે

અત્યાર સુધીમાં ઘણા લોકો સ્થળાંતર કરી ગયા 

લાકડાવાલાએ ઉમેર્યું હતું કે ‘અમે કેટલાક બાંધકામ નિષ્ણાતો સાથે આ મુદ્દા પર ચર્ચા કરી છે. તેમણે કહ્યું હતું કે અમે બિલ્ડિંગનું સમારકામ કરી શકીએ છીએ, પરંતુ હકીકતમાં એ દરિયાકાંઠાનો વિસ્તાર હોવાથી કામચલાઉ સમારકામ લાંબા સમય સુધી મજબૂત રહેશે નહીં અને આખરે નવી ઇમારત બાંધવી જરૂરી બનશે.’ 

અન્ય એક રહેવાસી સંતોષ સાવંતે કહ્યું હતું કે ‘અમે કેન્દ્રીય સંરક્ષણપ્રધાન મનોહર પર્રિકરને મળ્યા ત્યારે અમને હકારાત્મક જવાબ મળ્યો હતો, પરંતુ ત્યાર બાદ અમને કોઈની પણ પાસેથી અપેિક્ષત જવાબ મળ્યો નથી. આ મીટિંગ અમે આ મુદ્દાની ચર્ચા કરવા, એના વિશે જાગરૂકતા લાવવા તેમ જ લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાનો ઉકેલ લાવવા માટે બોલાવી છે.’

સિગ્નલિંગ સ્ટેશન સક્રિય છે કે કેમ એ વિશે પૂછવામાં આવતાં સંતોષ સાવંતે જણાવ્યું હતું કે ‘અમને પ્રાપ્ત માહિતી મુજબ આ સ્ટેશન સક્રિય નથી. જોકે સંરક્ષણ મંત્રાલય પાસેથી સત્તાવાર રીતે કોઈ માહિતી મળી નથી.’ 

વિધાનસભ્ય શું કહે છે? 

મીટિંગમાં હાજર રહેલા સ્થાનિક વિધાનસભ્ય અમિત સાટમે રહેવાસીઓ તરફથી આ બાબતને ફૉલોઅપ કરવાની ખાતરી આપતાં કહ્યું હતું કે ‘આ મુદ્દે મેં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તેમ જ કેટલાક અધિકારીઓ સાથે ચર્ચા કરી છે. સ્થાનિક લોકોનો મને સંપૂર્ણ સહયોગ અને સમર્થન છે, પરંતુ આ મુદ્દો સંરક્ષણ સાથે સંબંધિત હોવાથી એની અમુક મર્યાદાઓ છે. આ વિસ્તારમાં લગભગ ૪૦,૦૦૦ રહેવાસીઓ છે અને મને વિશ્વાસ છે કે અમે ટૂંક સમયમાં ઉકેલ શોધી લઈશું.’

બફર ઝોન

સંરક્ષણ મંત્રાલયની જોગવાઈ (એસઆરઓ ૧૫૦) હેઠળ બાંધકામ પર નિયંત્રણો લાદવામાં આવ્યાં છે, જે ૧૯૭૬માં અમલમાં મુકાયાં હતાં. આ સૂચના વર્ક્સ ઑફ ડિફેન્સ ઍક્ટ, ૧૯૦૩ની જોગવાઈમાંથી લેવામાં આવી છે. નિયમ મુજબ સિગ્નલિંગ સ્ટેશનની આસપાસનો ૫૦૦ યાર્ડ જેટલો વિસ્તાર બફર ઝોન હોવો જરૂરી છે. જોકે ૨૦૦૯ પછી જ્યારે ઇમારતો પુનઃવિકાસ માટે જવા લાગી ત્યાર બાદ જ વાંધા સામે આવવા લાગ્યા હતા.

mumbai mumbai news andheri juhu