23 April, 2019 11:09 AM IST | મુંબઈ | પ્રકાશ બાંભરોલિયા
સ્કૂલમાં ફી-વધારાનો મામલો વધુ વકર્યો
દહિસરની રુસ્તમજી ટૂÿપર્સ સ્કૂલમાં ફી-વધારા બાબતે સ્કૂલ મૅનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓને કાઢી મૂકવાના મામલામાં ગઈ કાલે ૧૯ વાલીઓએ સ્કૂલના આ પ્રકારના વર્તન સામે પોલીસમાં એપ્લિકેશન આપી હતી, જેમાં સ્કૂલ દ્વારા પીટીએ દ્વારા મંજૂર કરાયેલી ફી કરતાં વધારે રૂપિયા ભરવા સહિતના મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગના એક અધિકારીએ પણ આજે સ્કૂલની મુલાકાત લીધી હતી.
બોરીવલીના એમએચબી પોલીસ સ્ટેશનમાં સવારના ૧૯ વાલીઓ પહોંચી ગયા હતા. એમણે વર્ષ ૨૦૧૯-૨૦ શૈક્ષણિક વર્ષ માટે અગાઉની ફી કરતાં ૭.૫ ટકાથી વધુ ફી-વધારો કર્યો હોવાનો વિરોધ કરવા બાબતનો પોલીસને આપેલી એપ્લિકેશનમાં ઉલ્લેખ કર્યો છે. જે વાલીઓએ સ્કૂલ સામે બાંયો ચડાવી છે એમને જ નિશાન બનાવવામાં આવ્યા છે. આ સિવાય આ અરજીમાં શિક્ષણપ્રધાન વિનોદ તાવડેની ઑફિસમાં શિક્ષણ અધિકારી સાથે ૨૦ માર્ચે થયેલી બેઠકમાં હાથ ધરાયેલી હિયરિંગમાં પ્રધાનસાહેબે જ્યાં સુધી હિયરિંગ પૂરી ન થાય ત્યાં સુધી સ્કૂલ મૅનેજમેન્ટે કોઈ વાલી સામે પગલાં ન લેવાનો આદેશ આપ્યો હતો. આમ છતાં અનેક વિદ્યાર્થીઓને સ્કૂલે કાઢી મૂક્યા હતા.
પોલીસ શું કહે છે?
એમએચબી પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર પંડિત ઠાકરેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘દહિસરની રુસ્તમજી ટ&પર્સ સ્કૂલના ૧૯ વાલી સ્કૂલ મૅનેજમેન્ટ દ્વારા કરાયેલી કાર્યવાહીની ફરિયાદ નોંધાવવા આવ્યા હતા. આ મામલો શિક્ષણ વિભાગનો હોવાથી અમે એમના સ્ટેટમેન્ટ નોંધ્યા હતા. આ સ્ટેટમેન્ટ શિક્ષણ વિભાગને મોકલી દેવાશે. આગળની કાર્યવાહી ત્યાંથી જ હાથ ધરાશે.’
અધિકારીએ ૪૫ એલસીની નોંધ કરી
સ્કૂલ દ્વારા કેટલા વિદ્યાર્થીઓને કાઢી મૂકવામાં આવ્યા છે એ બાબતે અધિકારીએ સ્કૂલના ગેટની બહાર ઊભેલા વાલીઓની પૂછપરછ કરતાં ૪૫ વાલીઓએ લિવિંગ સર્ટિફિકેટ પોસ્ટથી ઘરે પ્રાપ્ત થયા હોવાનું કહ્યું હતું. અનેક વાલીઓએ કોઈક કારણસર ગભરાઈને ફી ભરી દેતાં સ્કૂલે એમનાં બાળકોને પાછાં લઈ લીધાં હોવાનું જાણવા મળ્યું હતું.
શિક્ષણ અધિકારીએ સ્કૂલની મુલાકાત લીધી
ફી-વધારા બાબતે વાલીઓના સતત ફૉલોઅપને પગલે પ્રાથમિક શિક્ષણ વિભાગનાં અધિકારી વૈશાલી વાવેકર (અનએઇડેડ એજ્યુકેશન) રુસ્તમજી ટ&પર્સ સ્કૂલમાં બપોર પછી પહોંચ્યાં હતાં. આ સમયે વીસેક વાલી પણ સ્કૂલના ગેટ પર એકઠા થયા હતા. જોકે શિક્ષણ ઑફિસરની સાથે કોઈને અંદર ન જવા દેવાયા હોવાનો આક્ષેપ વાલીઓએ કર્યો હતો.
શિક્ષણ અધિકારીએ શું કહ્યું?
વૈશાલી વાવેકરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘સ્કૂલે પહેલા ધોરણના અનેક વિદ્યાર્થીઓેને કાઢી મૂકવાની ફરિયાદ મળ્યા બાદ હું આજે સ્કૂલમાં તપાસ માટે ગઈ હતી. મેં સ્કૂલ મૅનેજમેન્ટ અને વાલીઓ સાથે વાતચીત કરી છે. આ મામલાની તપાસ ચાલી રહી છે એટલે અત્યારે વધારે કંઈ કહી નહીં શકું.’