પવઈના ગાર્ડન વિસ્તારના રીડેવલપમેન્ટ સામે આંદોલન

27 November, 2023 10:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હીરાનંદાનીના સ્થાનિક લોકોએ પોતાના વિસ્તારની ઓળખ જાળવી રાખવા ચળવળ શરૂ કરી

ફાઇલ તસવીર

પવઈમાં ગાર્ડન એરિયામાં હીરાનંદાનીના સ્થાનિક લોકોએ રવિવારે કમર્શિયલ રીડેવલપમેન્ટની પ્રસ્તાવનાના વિરોધમાં બેઠકનું આયોજન કર્યું હતું. બેઠકમાં તેમણે આ રીડેવલપમેન્ટના વિરોધમાં ચળવળ કરવાનું પણ નક્કી કર્યું હતું. સ્થાનિક રહે​વાસી મિલન ભટે પણ આ બેઠકમાં ભાગ લીધો હતો. તેમણે ‘મિડ-ડે’ સામે પોતાનો મત રાખ્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘અમે અહીં ગ્રીનરી અને ગાર્ડનને કારણે જગ્યા ખરીદી હતી. હવે અમને જાણવા મળ્યું છે કે સ્થાનિક વિસ્તારમાં કમર્શિયલ પ્રૉપર્ટીનું રીડેવલપમેન્ટ થવાનું છે. આ રીડેવલપમેન્ટ સ્થાનિક ગાર્ડન તરીકેની ઓળખને મારી નાખશે.’ રીડેવલપમેન્ટ અમારા શાંત રહેણાક વિસ્તારને વેરવિખેર કરી નાખશે.’

મિલન ભટે વધુમાં જણાવ્યું હતું કે ‘હીરાનંદાની ગાર્ડનમાં ખૂબ સારું આયોજન છે, જેની કમર્શિયલ ઑફિસ માત્ર સેન્ટ્રલ ઍવન્યુ અને ટેક્નૉલૉજી સ્ટ્રીટમાં આવેલી છે. જો રીડેવલપમેન્ટ થશે તો હીરાનંદાનીની ઓળખ જેના કારણે અમે જગ્યા ખરીદી છે એ ખોવાઈ જશે.’ અહીં રીડેવલપમેન્ટમાં બે બિલ્ડિંગ માટેનું આયોજન છે, જેમાં ૧૮ માળનું કમર્શિયલ બિલ્ડિંગ આવેલું છે. આ કામથી ટ્રાફિકનું ભારણ પણ વધશે. અહીં ત્રણ દાયકાથી આયોજન હોવા છતાં રસ્તા પહોળા થયા નથી.

powai mumbai mumbai news