18 August, 2022 10:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર નૅશનલ પાર્કના ફ્લાયઓવર પરના આ ખાડાને લીધે દંપતીનો જીવ ગયો હતો. (તસવીર : અનુરાગ અહિરે)
વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરથી મીરા રોડની દિશામાં બાઇક પર પસાર થઈ રહેલાં યુવાન પતિ-પત્નીનો અકસ્માત થતાં તેઓ જીવ ગુમાવી બેઠાં હતાં. હાઇવે પર બોરીવલીના સંજય ગાંધી નૅશનલ પાર્કના ફ્લાયઓવર પર પાછળથી આવી રહેલા ડમ્પરે બાઇકને જોરદાર ટક્કર મારી હતી. એથી બાઇક પર સવાર દંપતી સીધું ડમ્પર નીચે આવી જતાં ઘટનાસ્થળે જ જીવ ગુમાવી બેઠું હતું. આ દુર્ઘટના બાદ કસ્તુરબા માર્ગ પોલીસે ગુનો નોંધીને ડમ્પરચાલકની ધરપકડ કરી હતી. જોકે અકસ્માત બાદ સ્થાનિક લોકોએ આરોપ કર્યો હતો કે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ખાડાને કારણે આ દુર્ઘટના બની હતી. બન્ને જણે હેલ્મેટ પહેરી હતી.
અંધેરીમાં રહેતું દંપતી નૅશનલ પાર્કના ફ્લાયઓવર પરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે ખાડાને લીધે પાછળથી આવી રહેલા ડમ્પરે તેમને ટક્કર મારતાં તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. મૃતક નાઝીર શાહ અને તેની પત્ની છાયા ખિલ્લારી બાઇક પર નાયગાંવ જઈ રહ્યાં હતા. ફ્લાયઓવર પરથી તેઓ પસાર થઈ રહ્યાં હતાં ત્યારે ખાડાને લીધે નાઝીરનું બૅલૅન્સ ગયું હતું અને તેઓ નીચે પડ્યાં હતાં. પાછળથી આવી રહેલું ડમ્પર તેમના પર ફરી વળતાં બન્નેનાં ઘટનાસ્થળે મૃત્યુ થયાં હતાં. કસ્તુરબા માર્ગ પોલીસ સ્ટેશનના અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર કિશોર અવ્હાળેએ કહ્યું હતું કે ‘ભારે વરસાદને કારણે આ ઘટનાનું કોઈ સાક્ષી અમને નથી મળ્યું. અમે સીસીટીવી કૅમેરાનું ફુટેજ તપાસીને આગળની ઍક્શન વિશે નિર્ણય લઈશું. ડમ્પરના ડ્રાઇવરે અકસ્માત બાદ નજીકમાં આવેલી પોલીસ ચોકીમાં સરેન્ડર કર્યું હતું.’