ભવિષ્ય સારું કરવા જતાં હંમેશ માટે બરબાદ થયું

06 October, 2023 10:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નર્સિંગની બોગસ ડિગ્રી પર યુ.કે. જવા માગતા પોરબંદરના ગુજરાતી યુવાનની પોલીસે કરી ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

સારા ભવિષ્ય માટે ભારતની બહાર જઈને સારી નોકરી કરવા માગતા આજના યુવાનો લાખો રૂપિયા ખર્ચીને બોગસ ડિગ્રી બનાવતા હોય છે. જોકે મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર કડક તપાસ થતી હોવાની જાણ ન રહેતાં આવા યુવાનોનું ભવિષ્ય સુધરવાને બદલે પોલીસકેસ થતાં હંમેશ માટે ખરાબ થઈ જતું હોય છે. આવો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોરબંદરમાં રહેતો ૩૨ વર્ષનો યુવાન યુ.કે. જવા માગતો હતો. એના માટે તેણે એજન્ટને લાખો રૂપિયા આપીને નર્સિંગ કોર્સની ડિગ્રી તૈયાર કરી હતી. મુંબઈ ઍરપોર્ટ પર ઇમિગ્રેશન વિભાગમાં તપાસ દરમિયાન એ બોગસ હોવાની જાણ થતાં તેની સામે સહાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ઇમિગ્રેશન બ્યુરોમાં ઇમિગ્રેશન ઑફિસર સુમિલ સિંહ બુધવારે સવારે પોતાની ફરજ બજાવી રહ્યો હતો ત્યારે પોરબંદરમાં રહેતો ૩૨ વર્ષનો વિપુલ ઓડેદરા પોતાના ડૉક્યુમેન્ટ્સ તપાસવા માટે આવ્યો હતો. તેનો પાસપોર્ટ ચેક કર્યો તો જાણવા મળ્યું કે તે સ્કિલ્ડ વર્કર માઇગ્રન્ટ વિઝા પર યુ.કે. જવા માગતો હતો. ત્યાં જવા પાછળનો હેતુ અને તેને કયા આધારે વિઝા મળ્યા એ વિશે પૂછપરછ કરતાં તેની પાસેથી સંતોષકારક માહિતી મળી નહોતી. અંતે તેની વધુ તપાસ કરવામાં આવતાં તેણે કબૂલ કર્યું હતું કે તેનો બારમા સુધીનો અભ્યાસ પોરબંદરમાં થયો હતો. ત્યાર બાદ ભારતની બહાર જઈને ભવિષ્ય સુધારવા માટે તેણે વિજય નામના એજન્ટને લાખો રૂપિયા આપ્યા હતાસહાર પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીની ધરપકડ કરીને અમે વધુ તપાસ શરૂ કરી છે. તેની પાસેથી નર્સિંગ ડિગ્રી મળી આવી છે જે બોગસ હોવાનું જાણવા મળ્યું છે. એ કેવી રીતે તૈયાર થઈ અને કયા એજન્ટને તેણે પૈસા આપ્યા એની તપાસ કરવામાં આવી રહી છે.’

united kingdom porbandar Crime News mumbai crime news mumbai mumbai news chhatrapati shivaji international airport mumbai airport