23 February, 2023 07:43 AM IST | Mumbai | Rohit Parikh
છેક ચાર દશકા પછી અંતરીક્ષજી પાર્શ્વનાથ તીર્થમાં આજથી પૂજાસેવા
મુંબઈ : મહારાષ્ટ્રના આકોલા પાસે શિરપુર ગામમાં આવેલા જૈનોના અંતરીક્ષજી પાર્શ્વનાથ તીર્થમાં શ્વેતાંબરો અને દિગંબરો વચ્ચેના માલિકીના વિવાદને કારણે ૧૯૦૫થી અંતરીક્ષ પાર્શ્વનાથ તીર્થને તાળાં લગાડી દેવામાં આવ્યાં હતાં. એને પરિણામે જૈનો આ તીર્થમાં ભગવાન શ્રી પાર્શ્વનાથની મૂર્તિની પૂજાસેવાથી વંચિત રહેતા હતા. જોકે ગઈ કાલે સુપ્રીમ કોર્ટે આપેલા આદેશ બાદ ચાર દાયકા પછી આજથી આ તીર્થમાં ફરી એક વાર ભગવાનની પૂજાસેવાનો પ્રારંભ થશે. કોર્ટના આદેશથી દેશભરના શ્વેતાંબર જૈનોમાં હર્ષોલ્લાસનો માહોલ સર્જાયો છે.
શ્વેતાંબરોની શું રણનીતિ રહેશે?
મળેલી માહિતી પ્રમાણે આ તીર્થના શ્વતાંબર જૈન સમાજના ટ્રસ્ટીઓ આજે અંતરીક્ષમાં ભેગા થઈને આગળની રણનીતિ નક્કી કરશે. જોકે આ દરમિયાન દિગંબર જૈન સમાજે દાવો કર્યો છે કે ગઈ કાલના સુપ્રીમ કોર્ટના આદેશથી ૧૯૦૫ની સાલ પહેલાં જે રીતે બંને પક્ષો વચ્ચે થયેલા કરાર પ્રમાણે ભગવાન શ્રી પાર્શ્વનાથની પૂજા કરતા હતા એ મુજબ પાત્ર બદલ્યા વગર પૂજા કરવાની કોર્ટે મંજૂરી આપી છે. આ તીર્થમાં ૧૯૦૫ની સાલ પહેલાં બંને પક્ષોને પૂજાસેવા માટે અમુક કલાકોની ફાળવણી કરવામાં આવી હતી. એ મુજબ બંને પક્ષો પોતાની શાસ્ત્રકીય વિધિ પ્રમાણે પૂજાસેવા કરતા હતા. આ સિવાય હજી માલિકી બાબતમાં કોર્ટનો આદેશ બાકી છે. આ સિવાય દેશભરનાં બધાં જ ધાર્મિક સંસ્થાનો માટે ચાલી રહેલા પ્લેસ ઑફ વર્શિપ ઍક્ટને પડકારતી બાબતો પરની અપીલ પર આદેશ આપવાનો હજી બાકી છે, જે ભવિષ્યમાં ગઈ કાલના આદેશમાં કોઈપણ પરિવર્તન લાવી શકે છે. આ ઉપરાંત મૂર્તિના દેખાવામાં કોઇ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે તો દિગંબર જૈન સમાજે ફરી સુપ્રીમ કૉર્ટમાં જવાની વાત કરી છે.
ગઈ કાલનો કોર્ટનો આદેશ શું છે?
ગઈ કાલના સુપ્રીમ કોર્ટના આદેશ પછી હવે જૈનોના અંતરીક્ષજી પાર્શ્વનાથ તીર્થનું મૅનેજમેન્ટ અને મૂર્તિ શ્વેતાંબર પાસે રહેશે. આ માહિતી આપતાં શ્વેતાંબર જૈન સમુદાયના ઍડ્વોકેટ હર્ષ સુરાણાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અંતરીક્ષ તીર્થના શ્વેતાંબર અને દિગંબર જૈન સમાજ વચ્ચે ૨૦૦૭ની સાલથી કોર્ટમાં ચાલી રહેલા વિવાદ પર છેલ્લા ત્રણ મહિનાથી સતત સુનાવણી ચાલી રહી છે. એમાં ગઈ કાલે દિગંબર જૈન સમાજના કોર્ટમાં હાજર રહેલા ત્રણ વકીલોએ કોર્ટ કમિશનરની નિમણૂક કરીને સુનાવણીને મોકૂફ રાખીને સમય આપવાની માગણી કરી હતી. જોકે કોર્ટ તરફથી તેમની આ માગણીને રિજેક્ટ કરી દેવામાં આવી હતી. ત્યાર બાદ શ્વેતાંબર જૈન સમાજ તરફથી કોર્ટની સામે અથથી ઇતિ સુધીની જાણકારી આપવામાં આવી હતી. એની સામે સુપ્રીમ કોર્ટે આપેલા વચગાળાના આદેશમાં કહ્યું હતું કે અંતરીક્ષજી પાર્શ્વનાથ જૈન તીર્થનું મૅનેજમેન્ટ અને મૂર્તિ શ્વેતાંબરોની રહેશે તેમ જ દિગંબર જૈનો શ્વેતાંબરો અને દિગંબરો વચ્ચે ૧૯૦૫ના કરાર મુજબ મૂર્તિમાં કોઈ પણ જાતનો ફેરફાર કર્યા વગર પૂજા કરી શકશે. જોકે આ આદેશ પછી પણ પ્લેસ ઑફ વર્શિપ ઍક્ટ ૧૯૯૧ જે કાયદામાં કોઈ પણ પૂજાના સ્થળના ધર્માંતરણને પ્રતિબંધિત કરવા અને કોઈ પણ પૂજાસ્થળના ધાર્મિક પાત્રની જાળવણી પ્રદાન કરવા માટે બન્યો હતો એ કાયદાને સુપ્રીમ કોર્ટમાં ૨૦૨૨માં એમ કહીને પડકારવામાં આવ્યો છે કે તે ન્યાયિક સમીક્ષાને પ્રતિબંધિત કરે છે.જે બંધારણની મૂળભૂત વિશેષતા છે. એનો આદેશ આવવાનો હજી બાકી છે, જેના પર સુપ્રીમ કોર્ટ અભ્યાસ કરી રહી છે.’
દિગંબર જૈન સમાજ શું કહે છે?
ભારતવર્ષીય દિગંબર જૈન મહાસભાના રાષ્ટ્રીય મહામંત્રી ખુશાલ જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલના વચગાળાના આદેશથી શ્વેતાંબર જૈનોને અંતરીક્ષ તીર્થની સંપૂર્ણ સત્તા મળી જતી નથી. આ તીર્થ ૧૯૦૫માં સીલ થયું એ પહેલાં જે રીતે બંને પક્ષોને પૂજાસેવા માટે સમય મળતો હતો એ જ રીતે આજથી બંને પક્ષો ભગવાન પાર્શ્વનાથની પૂજાસેવા કરી શકશે. ગઈ કાલ સુધી સુપ્રીમ કોર્ટનો આદેશ જે ૪૦થી ૪૪ પાનાંનો છે એ અમારા હાથમાં આવ્યો નથી. અમારા વકીલો એનો બારીકાઈથી અભ્યાસ કરશે અને ત્યાર પછી અમે આ આદેશને કોર્ટમાં પડકારવો કે નહીં એના પર નિર્ણય લઈશું.’