03 December, 2024 07:24 AM IST | Nagpur | Gujarati Mid-day Correspondent
નીતિન ગડકરી
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાગપુરમાં ‘૫૦ ગોલ્ડન રૂલ્સ ઑફ લાઇફ’ નામના પુસ્તકના વિમોચન પ્રસંગે બોલતાં કહ્યું હતું કે ‘રાજકારણ એ અસંતુષ્ટ આત્માઓનો દરિયો છે, જ્યાં દરેક વ્યક્તિ દુખી છે અને પોતાના વર્તમાન પદ કરતાં ઉચ્ચ પદની ઇચ્છા ધરાવે છે. જીવન એ સમાધાન, મજબૂરીઓ, મર્યાદાઓ અને વિરોધાભાસની રમત છે. ફૅમિલી, સમાજ, રાજકારણ કે કૉર્પોરેટ જીવન; દરેક જગ્યાએ જીવનમાં તકલીફ અને ચૅલેન્જિસ રહેવાનાં, પણ આવી પરિસ્થિતિનો સામનો કરતી દરેક વ્યક્તિએ શીખવું જોઈએ અને એને જ આર્ટ ઑફ લિવિંગ કહેવાય.’
આ પ્રસંગે નીતિન ગડકરીએ વધુમાં કહ્યું હતું કે ‘રાજકારણમાં જે કૉર્પોરેટર બને છે તે દુખી છે, કારણ કે તેને ધારાસભ્ય બનવાની તક મળી નથી, ધારાસભ્ય એટલે દુખી છે કે તેને મંત્રીપદ મળ્યું નથી. જે મંત્રી બને છે તેને જોઈતો સારો વિભાગ મળ્યો નથી કે તે મુખ્ય પ્રધાન બની શક્યો નથી એટલે દુઃખી છે. અને મુખ્ય પ્રધાન એટલે દુખી છે કે તે જાણતા નથી કે તેને હાઈ કમાન્ડ ક્યારે ખુરસી પરથી ઉતારી દેશે.’
અમેરિકાના પ્રમુખ રિચર્ડ નિકસનની આત્મકથામાં વાંચેલા એક વાક્યને યાદ કરીને તેમણે કહ્યું હતું કે ‘માણસ જ્યારે પરાજ્ય પામે છે ત્યારે તે સમાપ્ત થતો નથી, જ્યારે તે બધું છોડી દે છે ત્યારે તે સમાપ્ત થાય છે.’
દેશના રોડ ટ્રાન્સપોર્ટ ઍન્ડ હાઇવેઝ મિનિસ્ટર નીતિન ગડકરીએ ત્યાર બાદ કહ્યું હતું કે આ વાક્ય તેમણે પોતાના રાજકીય જીવનમાં બરાબર યાદ રાખ્યું છે.