08 June, 2023 12:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે કહ્યું હતું કે રાજ્યમાં દંગા જેવી સ્થિતિની આશંકા વ્યક્ત કરનારા અમુક રાજકારણીઓ અને એક ખાસ સમુદાયના લોકોનું ઔરંગઝેબ અને ટીપુ સુલતાનનું મહિમામંડન કરનારાં નિવેદનો આ બંને ઘટના માત્ર એક સંયોગ ન હોઈ શકે.
નવી મુંબઈમાં પત્રકારો સાથે વાત કરતાં ફડણવીસે કહ્યું હતું કે યુવાનોના એક વર્ગને ઉશ્કેરનારા લોકોની ઓળખ કરવા માટે તપાસ કરવામાં આવશે. અહમદનગરમાં નીકળેલા એક સરઘસમાં ઔરંગઝેબની તસવીર દર્શાવવામાં આવી હતી અને કોલ્હાપુરમાં વાંધાજનક ઑડિયો સાથે ટીપુ સુલતાનની તસવીરોનું પ્રદર્શન થયું હતું.
ફડણવીસે વધુમાં જણાવ્યું હતું કે ‘અચાનક આ તસવીરો મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં શા માટે પ્રદર્શિત કરવામાં આવી રહી છે? આ આપોઆપ નથી થઈ રહ્યું. આ માત્ર એક સંયોગ ન હોઈ શકે. આ અંગે તપાસ થવી જોઈએ.’
ફડણવીસે એમ પણ જણાવ્યું હતું કે હું આશ્ચર્યચકિત છું કે કોલ્હાપુરમાં વિપક્ષના મુખ્ય નેતાએ કહ્યું હતું કે તેઓ જાણતા હતા કે રમખાણો થશે.
નોંધનીય છે કે પોલીસે તાજેતરમાં રવિવારે એક સરઘસ દરમિયાન ઔરંગઝેબનાં પોસ્ટરો લગાવવા બદલ ચાર વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.