શું રંધાઈ રહ્યું છે? શરદ પવારે શિંદે, ફડણવીસ અને અજિત પવારને લંચનું આમંત્રણ આપ્યું

01 March, 2024 10:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવતી કાલે નમો મહારોજગાર મેળાવા કાર્યક્રમ માટે ત્રણેય નેતા બારામતીમાં છે ત્યારે રાજકીય હરીફે પોતાના ઘરે જમવા બોલાવ્યા : જ્યાં કાર્યક્રમ થવાનો છે એ સંસ્થાના અધ્યક્ષ હોવા છતાં શરદ પવારને આમંત્રણ ન અપાતાં પગલું લીધું હોવાની ચર્ચા

શું રંધાઈ રહ્યું છે? શરદ પવારે શિંદે, ફડણવીસ અને અજિત પવારને લંચનું આમંત્રણ આપ્યું

એનસીપીના સ્થાપક અને અત્યારની સરકારના સૌથી મોટા વિરોધી પીઢ નેતા શરદ પવારે આવતી કાલે બારામતીમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારને પોતાના નિવાસસ્થાને બપોરનું ભોજન કરવા માટેનું આમંત્રણ આપ્યું છે. શરદ પવારના આવા આમંત્રણનું સૌને આશ્ચર્ય થઈ રહ્યું છે અને સત્તાધારી નેતાઓ તેમનું આમંત્રણ સ્વીકારશે કે કેમ એના પર સૌની નજર રહેશે. વિરોધીઓને લંચનું આમંત્રણ આપીને શરદ પવારનું હૃદયપરિવર્તન થયું છે કે શું એવી ચર્ચા શરૂ થઈ છે.

આવતી કાલે બારામતીમાં આવેલી વિદ્યા પ્રતિષ્ઠાન કૉલેજમાં નમો મહારોજગાર મેળાવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની સાથે નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર હાજર રહેવાના છે. આ કાર્યક્રમ જ્યાં યોગાવાનો છે એ કૉલેજના શરદ પવાર અધ્યક્ષ છે. એમ છતાં તેમને અવગણવામાં આવ્યા હોવાથી તેમણે સત્તાધારી પક્ષના નેતાઓને લંચનું આમંત્રણ આપ્યું હોવાની ચર્ચા છે.

શરદ પવારે સત્તાધારીઓને ગઈ કાલે લંચનું આમંત્રણ આપતા પત્રમાં લખ્યું છે કે ‘એક સાંસદ તરીકે હું અને સુપ્રિયા સરકારના સત્તાવાર કાર્યક્રમમાં સામેલ થવા માગીએ છીએ. વિદ્યા પ્રતિસ્થાનના અધ્યક્ષ મને મુખ્ય પ્રધાનનું આ શૈક્ષણિક સંસ્થામાં સ્વાગત કરવાનો આનંદ થશે. આ કાર્યક્રમ બાદ મુખ્ય પ્રધાનની સાથે નાયબ મુખ્ય પ્રધાનોને મારા અહીંના ગોવિંદબાગ ખાતેના  નિવાસસ્થાને બપોરનું ભોજન લેવાનો આગ્રહ છે.’

ફડણવીસને ખતમ કરવાની ધમકીના બારામતી કનેક્શનનો આરોપ
નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ધમકી આપવાના પ્રકરણ બાબતે ગઈ કાલે રાજ્યની વિધાનસભામાં સત્તાધારી અને વિરોધી પક્ષ વચ્ચે જોરદાર ગરમાગરમી થઈ હતી. બીજેપીના વિધાનસભ્ય રામ કદમે કહ્યું હતું કે સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં ૨૭ ફેબ્રુઆરીએ અજય પનવેલકરે નોંધાવેલી ફરિયાદમાં લખ્યું છે કે રાજ્યમાં જાતિવાદ ફેલાવવા માટેનું કાવતરું ઘડવામાં આવ્યું છે. વિડિયોમાં એક વ્યક્તિ કહે છે કે દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રની માટીમાં દાટી દેવામાં આવશે તેમ જફડણવીસ જેવારાજ્યના તમામ બ્રાહ્મણોને ત્રણ મિનિટમાં ખતમ કરી દેવામાં આવશે. આવી ધમકી યોગેશ સાવંતે આપી છે તે બારામતીનો રહેવાસી છે. બારામતીના વ​રિષ્ઠ પોલીસ ઇન્સ્પેક્ટરને શરદ પવાર જૂથના દોહિત્ર અને વિધાનસભ્ય રોહિત પવાર ફોન કરીને યોગેશ સાવંતને છોડવાનું કહે છે. શું સંબંધ છે રોહિત પવારનો? મરાઠાઓની આડમાં મરાઠાઓને બદનામ કરવાનો પ્રયાસ રોહિત પવાર કરી રહ્યા છે.’ઉલ્લેખનીય છે કે દેવેન્દ્ર ફડણવીસને ધમકી આપવાના મામલામાં પોલીસે યોગેશ સાવંતની ધરપકડ કરી છે.

શિંદે જૂથે હુમલો કર્યો હતો એ મહિલાને ઠાકરે જૂથે મોટા પદે નિયુક્ત કરી
ઉદ્ધવ ઠાકરે જૂથે ગઈ કાલે પક્ષની યુવાસેનાના પદાધિકારીઓની નિયુક્તિ જાહેર કરી હતી, જેમાં પક્ષ વતી આક્રમક ભૂમિકા લેનારા યુવાઓની સાથે થાણેમાં એકનાથ શિંદે જૂથે જેના પર હુમલો કર્યો હતો એ રોશની શિંદેને મહત્ત્વનું જૉઇન્ટ સેક્રેટરીનું પદ આપ્યું છે. આદિત્ય ઠાકરે વધુ યુવાઓને જવાબદારી સોંપવામાં માને છે એટલે આ નિયુક્તિમાં એની છાપ જોવા મળે છે. યુવા સેનાની નવી કાર્યકા​રિણીમાં થાણેના સાંસદ રાજન વિચારેની પુત્રી ધનશ્રી, વિનાયક રાઉતની પુત્રી રુ​ચિ અને વિધાનસભ્ય સુનીલ શિંદેના પુત્ર સિદ્ધેશ સહિતના યુવાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે.

બીજેપી ત્રણ વખતના સાંસદની ટિકિટ કાપશે?
આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગઈ કાલે દિલ્હીમાં બીજેપીના મુખ્યાલયમાં પક્ષની ચૂંટણી સમિતિની બેઠક મળી હતી, જેમાં ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા. સૂત્રો મુજબ આ બેઠકમાં બીજેપીના ત્રણ વખત સાંસદ હોય એવા વરિષ્ઠ નેતાઓની ટિકિટ કાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આથી આગામી ચૂંટણીમાં બીજેપીના ૨૫થી ૩૦ ટકા સાંસદોને આ વખતે મેદાનમાં નહીં ઉતારવામાં આવે એવું લાગી રહ્યું છે. ૧૦ માર્ચ પહેલાં દેશભરમાં બીજેપી ૩૦૦ ઉમેદવારોની યાદી જાહેર કરેએવી શક્યતા છે. ગઈ કાલની બેઠકમાં ૧૨૫ લોકસભા બેઠકના ઉમેદવારો નક્કી કરી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જોકે બીજેપીમાં આવો નિર્ણય નવો નથી. બીજેપી કોઈ પણ ચૂંટણીમાં ૩૦ ટકા જેટલા નવા ઉમેદવારો ઉતારે છે એટલે લોકસભાની ચૂંટણી માટે પણ આવી જ ફૉર્મ્યુલા અજમાવાઈ રહી હોવાનું કહેવાય છે.

mumbai news sharad pawar ajit pawar eknath shinde devendra fadnavis maharashtra political crisis maharashtra news shiv sena nationalist congress party bharatiya janata party political news mumbai baramati