21 December, 2023 07:20 AM IST | Mumbai | Rajendra B Aklekar
મેટ્રો નેટવર્કમાંથી અત્યાર સુધી 5 સ્ટેશન રદ કરવામાં આવ્યાં છે
મેટ્રોના સૂચિત અમર મહલ સ્ટેશનને લઈને રાજકારણ વધુ ગરમાયું છે. એનસીપીના વલણ બાદ શિવસેના યુબીટીના નેતા અને ચેમ્બુરના સ્થાનિક ધારાસભ્ય પ્રકાશ ફાતર્પેકરે સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને લેટર મોકલીને સ્ટેશનને પુનઃ સ્થાપિત કરવાની વિનંતી કરી છે.
જોકે સુમન નગર સ્ટેશન રીલૉકેટ કરવામાં આવ્યું હોવાનું માનીને પ્રકાશ ફાતર્પેકરે ખોટું અર્થઘટન કર્યું હોય એવું જણાય છે. વાસ્તવમાં અમર મહલ અને સુમન નગર બન્ને સ્ટેશનની બાદબાકી કરવામાં આવી છે. આ ગેરસમજ હોવા છતાં ફાતર્પેકરે મુસાફરો, લોકલ કનેક્ટિવિટી અને ચેમ્બુરના રહેવાસીઓ વિશે વૅલિડ પ્રશ્ન ઉઠાવ્યા છે.
સીએમ અને ડીસીએમને સંબોધિત પત્રમાં ફાતર્પેકરે જણાવ્યું હતું કે ‘મોનોરેલ ચેમ્બુરમાં ફાઇન આર્ટ્સ સોસાયટી નજીક સમાપ્ત થાય છે ત્યારે અમર મહેલ સ્ટેશન નોંધપાત્ર રીતે કનેક્ટિવિટી વધારી શકે એમ હતું. ટિળક નગર, ઘાટકોપર મેટ્રો, ચેમ્બુર પૂર્વ અને પશ્ચિમ તથા રમાબાઈ નગર સુધી મુસાફરી કરતા મારા મતવિસ્તારના લોકો માટે એ અમૂલ્ય સાબિત થઈ શકે એમ હતું. નેટવર્કમાંથી સ્ટેશનને દૂર કરવાથી એ દરેક માટે વ્યર્થ બની જાય છે, એને કોઈ પણ કિંમતે પુનઃ સ્થાપિત કરવું આવશ્યક છે.’
પ્રકાશ ફાતર્પેકરે ઉમેર્યું હતું કે ‘મેટ્રો નેટવર્કે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (એમએમઆર)માં મુસાફરીના પડકારને દૂર કરવાનું વચન આપ્યું હતું એટલે આ કાર્યવાહી અન્યાય કહેવાય. મારી વિનંતી છે કે આ સ્ટેશન તાત્કાલિક પુનઃ સ્થાપિત કરવા માટે સંબંધિત અધિકારીઓને નિર્દેશ જારી કરવામાં આવે.’
આ પહેલાં એનસીપીના રાષ્ટ્રીય પ્રવક્તા ક્લાઇડ ક્રેસ્ટોએ કહ્યું હતું કે ‘સીએમ એકનાથ શિંદેએ તાજેતરમાં મુંબઈ મેટ્રો નેટવર્કમાંથી ઘણાં મેટ્રો સ્ટેશન બાદ કર્યાં છે, જેમાં મુંબઈ મેટ્રો ગ્રીન લાઇન (વડાલાથી થાણે) પર સુમન નગર અને અમર મહલ સ્ટેશનનો સમાવેશ છે. કન્સ્ટ્રક્શન શરૂ થઈ ગયું હોવા છતાં પ્રારંભિક મેટ્રો નેટવર્ક પ્લાનમાંથી પાંચ સ્ટેશન કાઢી નાખવામાં આવ્યાં છે. આનાથી મેટ્રો સ્ટેશન હટાવવા પાછળ સીએમ એકનાથ શિંદેના હેતુઓ પર પ્રશ્ન ઊભા થાય છે.’
શિંદેએ તાજેતરમાં ગ્રીન લાઇન-4 મૅપમાંથી સુમન નગર અને અમર મહલ સ્ટેશનને દૂર કરવાની મંજૂરી આપી હતી. એમએમઆરડીએના અધિકારીઓએ આ બાબતે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.