દહિસરમાં મૃતદેહનું પંચનામું કરતી વખતે પોલીસ સબ-ઇન્સ્પેક્ટર નાળામાં પટકાયો

09 October, 2024 08:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પંદર ફીટની ઊંચાઈએથી પડવાને લીધે માથામાં ગંભીર ઈજા થઈ, પહેલાં સ્થાનિક અને બાદમાં હિન્દુજા હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

ઘાયલ થયેલો MHB પોલીસ સ્ટેશનનો સબ-ઇન્સ્પેક્ટર મુકેશ ખરાત.

દહિસરમાં આવેલી ભગવતી હૉસ્પિટલ પાસેના પુલની નીચે એક બિનવારસી મૃતદેહ પડ્યો હોવાની માહિતી મળ્યા બાદ MHB પોલીસ સ્ટેશનની ટીમ સોમવારે સાંજે ઘટનાસ્થળે પહોંચી હતી. પંચનામું કરતી વખતે સબ-ઇન્સ્પેક્ટર મુકેશ ખરાત ૧૫ ફીટ ઊંડા નાળામાં પટકાતાં તેના માથામાં ગંભીર ઈજા થઈ હતી. MHB પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ મહેશ બળવંતરાયે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવારે બપોર બાદ સાડાચાર વાગ્યે ભગવતી હૉસ્પિટલની પાસેના પુલની નીચે એક મૃતદેહ પડ્યો હોવાની જાણ થયા બાદ સબ-ઇન્સ્પેક્ટર મુકેશ ખરાત ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તેઓ પંચનામું કરી રહ્યા હતા ત્યારે બાજુના પુલની ઉપરથી પસાર થઈ રહેલી ટ્રેનના મોટરમૅને હૉર્ન વગાડતાં ચોંકી જતાં સબ-ઇન્સ્પેક્ટર મુકેશ ખરાત ૧૫ ફીટ ઊંડા નાળામાં પડી ગયો હતો. ઊંચાઈએથી પડવાને લીધે તેમને માથામાં ગંભીર ઈજા થઈ હતી એટલે તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અત્યારે હિન્દુજા હૉસ્પિટલમાં મુકેશ ખરાતની સારવાર ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)માં ચાલી રહી છે. ડૉક્ટરોના કહેવા સબ ઇન્સ્પેક્ટર હજી પણ બેભાન છે અને સ્થિતિ ક્રિટિકલ છે. પુલની નીચેથી મળેલો બેવારસ મૃતદેહ એક વૃદ્ધનો હતો, જેને બાદમાં કાંદિવલીની શતાબ્દી હૉસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો.’

mumbai news mumbai hinduja hospital mumbai police dahisar