ભીંડીબજારમાં બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં પોલીસે ૫૦થી વધુ લોકો સામે ગુનો દાખલ કર્યો

26 November, 2023 08:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભીંડીબજારમાં બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં ૫૦થી વધુ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ગુરુવારે ગોળદેવળ પાસે ડીજે સાથે મ્યુઝિક વગાડવાના મામલે અથડામણ થયા પછી અહીં ભારે પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સતેજ શિંદે

મુંબઈ: ભીંડીબજારમાં બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં ૫૦થી વધુ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે શુક્રવારે સાંજે મૌલાના આઝાદ રોડ પર ગોળદેવળ મંદિર નજીક આ ઘટના બની હતી. મુસ્લિમો દ્વારા ઉર્સની ઉજવણી નિમિત્તે કેટલાક લોકો જનરેટર વૅન સાથે ટ્રકમાં ડીજે સાથે ખૂબ જોરમાં મ્યુઝિક વગાડી રહ્યા હતા અને જોર-જોરથી અ‍વાજો કરી રહ્યા હતા એટલે એ બાબતે કેટલાક લોકોએ ઑબ્જેક્શન લીધું હતું અને કોઈ વ્યક્તિએ પથ્થરમારો પણ કર્યો હતો. આ ઘટનાએ બંને જૂથ વચ્ચે અથડામણનું સ્વરૂપ ધારણ કર્યું હતું. બાદમાં ટોળાને વિખેરવા માટે પોલીસની વધારાની ટીમ બોલાવવામાં આવી હતી. એ પછી મામલો શાંત પડ્યો હતો. જોકે એમ છતાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ હોવાથી ગઈ કાલે પણ એ વિસ્તારમાં પોલીસ-બંદોબસ્ત પણ રખાયો હતો અને પોલીસ સતત પૅટ્રોલિંગ કરી રહી હતી. જે. જે. પોલીસે આ ઘટના બદલ આઇપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી. 

mumbai news maharashtra news mumbai police