૯ જણના જીવ લેનારા કુર્લાના બસ-અકસ્માતની ચાર્જશીટમાં પોલીસનો આરોપ

14 February, 2025 07:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડ્રાઇવરને બ્લડ-પ્રેશરની તકલીફ છે, બરાબર દેખાતું ન હોવા છતાં તેણે ચશ્માં નહોતાં પહેર્યાં

BESTની આ બસ જેણે કુર્લામાં અનેક લોકો અને વાહનોને અડફેટે લીધા હતા.

ગયા વર્ષે ૯ ડિસેમ્બરે કુર્લામાં બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ની બસે બાવીસ વાહનોને અડફેટે લઈને લોકોને કચડ્યા હતા, જેમાં ૯ લોકોનાં મૃત્યુ થવાની સાથે ૪૯ જણને ઈજા પહોંચી હતી. અકસ્માતની આ ઘટનાની તપાસ પૂરી થયા બાદ પોલીસે કોર્ટમાં ૧૦૦૦ પાનાંની ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં પોલીસે જણાવ્યું છે કે આરોપી ડ્રાઇવર સંજય મોરેને બ્લડ-પ્રેશરની તકલીફ હોવાની સાથે આંખે બરાબર દેખાતું ન હોવા છતાં તેણે ચશ્માં નહોતાં પહેર્યાં. ઉપરાંત ઇલેક્ટ્રિક બસ ચલાવવા માટે ડ્રાઇવરને યોગ્ય તાલીમ નહોતી અપાઈ અને ડ્રાઇવરે બસ ઉપરથી નિયંત્રણ ગુમાવી દીધું હતું એટલે આ અકસ્માત માનવીય ભૂલને લીધે થયો છે.

ચાર્જશીટમાં BESTને બસ ચલાવવા માટે ડ્રાઇવર પૂરી પાડતી મોર્યા ટ્રાન્સ ઇન્ડિયા લિમિટેડ નામની કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર અને ડિરેક્ટરનાં નામ પણ આરોપી તરીકે સામેલ કરવામાં આવ્યાં છે. પોલીસની તપાસમાં જણાઈ આવ્યું છે કે આ કંપનીએ ડ્રાઇવરોને કામ પર રાખવામાં બેદરકારી કરી છે, એ સિવાય બસ ચલાવવા માટે વ્યક્તિ ફિટ છે કે નહીં એનું ટેસ્ટિંગ ન કરવાની સાથે ઇલેક્ટ્રિક બસ ચલાવવા માટે પૂરતી તાલીમ પણ નહોતી આપી એટલે  આ અકસ્માત થયો હતો.

mumbai news mumbai brihanmumbai electricity supply and transport road accident mumbai police