થાણેમાં સાર્વજનિક જગ્યાએ સિગારેટ પીતાં પકડાયા તો સમજો ગયા કામથી

05 July, 2024 12:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોલીસે સ્પેશ્યલ ડ્રાઇવ હેઠળ કાર્યવાહી શરૂ કરી : ધૂમ્રપાન કરતાં પકડાયા પછી થાણે કોર્ટમાં જઈને ૨૦૦થી ૫૦૦ રૂપિયા જેટલો ફાઇન ભરવો પડશે

મુલુંડ-વેસ્ટમાં રહેતા ૪૦ વર્ષના ગુજરાતી વેપારી બુધવારે રાત્રે થાણેમાં ધૂમ્રપાન કરતા પકડાયા બાદ તેમને વાગળે એસ્ટેટ પોલીસ-સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી આશરે બે કલાક બાદ તેમને છોડીને ફાઇન ભરવા માટેની કોર્ટની પાવતી આપવામાં આવી હતી.

જો તમને સાર્વજનિક જગ્યાએ ગમે ત્યાં સિગારેટ પીવાની આદત હોય તો થાણેમાં રહેતા લોકો માટે એ મુસીબત બની શકે છે. તાજેતરમાં થાણે પોલીસે સિગારેટ્સ ઍન્ડ અધર ટબૅકો પ્રોડક્ટ્સ ઍક્ટ (COTPA) હેઠળ સ્પેશ્યલ કાર્યવાહી શરૂ કરી છે. એ અંતર્ગત જો કોઈ વ્ય​ક્તિ સાર્વજનિક જગ્યાએ ધૂમ્રપાન કરતાં પકડાઈ તો તેને નજીકના સ્થાનિક પોલીસ-સ્ટેશનમાં લઈ જવામાં આવશે. ત્યાર બાદ આશરે એક-બે કલાક તેના પર કઈ કાર્યવાહી થઈ છે અને શેના માટે થઈ છે એની સમજ આપ્યા પછી ફાઇન ભરવા માટેની પાવતી આપવામાં આવશે. એ ફાઇન ભરવા માટે તેણે બીજા દિવસે થાણે કોર્ટમાં જવું ફરજિયાત રહેશે. ત્યાં ધૂમ્રપાન કરનાર વ્ય​ક્તિએ ૨૦૦થી ૫૦૦ રૂપિયા ફાઇન ભરવો પડશે.

લોકોને સાવર્જનિક જગ્યાએ ધૂમ્રપાન કરતાં અટકાવવા માટે થાણે પોલીસ દ્વારા સ્પેશ્યલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે એમ જણાવતાં થાણે નૌપાડા ડિવિઝનનાં અસિસ્ટન્ટ પોલીસ-કમિશનર પ્રિયા ઢાકળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘થાણેમાં અનેક સાર્વજનિક વિસ્તારોમાં ઊભા રહીને લોકો બેફામ ધૂમ્રપાન કરતા હોવાની ફરિયાદો અમને મળી હતી એટલું જ નહીં, સ્કૂલ અને કૉલેજના ૧૦૦ મીટરના ​વિસ્તારની અંદર પણ લોકો ઊભા રહીને ધૂમ્રપાન કરતા હોય છે જેને કારણે ​વિદ્યાર્થીઓ પર ખરાબ પરિણામ આવી શકે છે. એ માટે અમે સ્પેશ્યલ ડ્રાઇવ શરૂ કરી છે. આ કાર્યવાહીમાં ધૂમ્રપાન કરતા પકડાયેલા લોકોએ કોર્ટમાં જઈને ફાઇન ભરવો ફરજિયાત છે. અમારા તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે રોડ પર ઊભા રહીને ધૂમ્રપાન કરતા લોકોને પોલીસ-સ્ટેશન પર લાવીને તેમના પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.’

mumbai news mumbai thane thane municipal corporation Crime News