૧૦ એફઆઇઆર અને ૧૯ની ધરપકડ બાદ હવે મીરા રોડમાં શાંતિ

26 January, 2024 08:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રામોત્સવમાં રામભક્તો ઉપર હુમલો કરનારા કેટલાક લોકો પલાયન હોવાથી તેમને ઓળખવા માટે ઘટનાસ્થળના ૪૫૦ સીસીટીવી કૅમેરાની તપાસ કરવામાં આવી રહી છે

નયાનગરથી ગોલ્ડન નેસ્ટ ચોકી તરફના રસ્તા પર નાકાબંધી કરવામાં આવી છે. પ્રકાશ બાંભરોલિયા

રામભક્તો ઉપર થયેલા હુમલાની ઘટનામાં પોલીસે ૧૦ એફઆઇઆર નોંધવાની સાથે અત્યાર સુધી ૧૯ આરોપીની ધરપકડ કરી છે. સંવેદનશીલ વિસ્તારમાં ભારે પોલીસ-બંદોબસ્ત કરવાની સાથે રસ્તાઓમાં નાકાબંધી કરવામાં આવી છે, એટલે હવે શાંતિ સ્થપાઈ છે. ઘટનાસ્થળના ૪૫૦ સીસીટીવી કૅમેરાનાં ફુટેજ ચકાસીને બાકીના આરોપીઓને ઓળખવાનો પ્રયાસ પોલીસ કરી રહી છે. 
અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીએ પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી એની આગલી રાતે મીરા રોડના નયાનગરમાં રામભક્તો ઉપર મુસ્લિમ ટોળાએ હુમલો કરીને ચાર કાર અને ૧૦ ટૂ-વ્હીલરને નુકસાન પહોંચાડવાની સાથે મહિલા અને પુરુષોની મારપીટ કરી હતી. આ ઘટના બાદથી મીરા રોડમાં બન્ને ધર્મના લોકો સામસામે આવી જતાં થોડા સમય માટે તંગદિલી સર્જાઈ હતી. જોકે એ સમયે પોલીસે મામલો સંભાળી લીધો હતો. આ ઘટના બાદ પણ અહીંના કેટલાક વિસ્તારમાં અસામાજિક તત્ત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં એક-બે લોકોનાં માથાં ફૂટી ગયાં હતાં અને કેટલીક દુકાનોને નુકસાન પહોંચ્યું હતું. વાતાવરણ વધારે ખરાબ ન થાય એ માટે ભારે પોલીસબંદોબસ્ત ગોઠવી દેવાની સાથે રસ્તાઓની નાકાબંધી કરવામાં આવી છે, એટલે હવે શાંતિ સ્થપાતાં બધું નૉર્મલ છે.

મીરા-ભાઈંદર વસઈ-વિરાર પોલીસના ઍડિશનલ કમિશનર શ્રીકાંત પાઠકે કહ્યું હતું કે અત્યાર સુધી આ ઘટનામાં ૧૦ એફઆઇઆર નોંધવામાં આવ્યા છે અને ૧૯ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કેટલાક આરોપી હજી પલાયન છે. તેમને શોધવા માટે ઘટનાસ્થળોના ૪૫૦ સીસીટીવી કૅમેરાનાં ફુટેજ ચકાસવામાં આવી રહ્યાં છે. કાયદો અને વ્યવસ્થા ખરાબ કરનારાઓ ઉપર નજર રાખવામાં આવી રહી  છે.

શાંતિ માટે રાજકીય પક્ષના નેતાઓ એક મંચ ઉપર

મીરા રોડમાં શાંતિ કાયમ રહે અને ભવિષ્યમાં કોઈ રમખાણ ફેલાવવાનો પ્રયાસ કરે તો એને રોકવા માટે ગઈ કાલે સ્થાનિક પત્રકારો દ્વારા અહીંના તમામ રાજકીય પક્ષોના નેતાઓને એક મંચ પર લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભાઈંદરના નગરભવનમાં પોલીસ અને સુધરાઈ કમિશનરની સાથે બીજેપી, કૉન્ગ્રેસ, શિવસેનાના બન્ને જૂથ સહિતના નેતાઓ સાથે પત્રકારોએ વાતચીત કરી હતી. બન્ને વિધાનધસભ્યો ગીતા જૈન અને પ્રતાપ સરનાઈક, ભૂતપૂર્વ વિધાનસભ્યો નરેન્દ્ર મહેતા, મુઝફ્ફર હુસૈન સહિતના તમામ નેતાઓએ બધાને સંયમ રાખવાની અપીલ કરી છે. સોશ્યલ મીડિયામાં ખોટા મેસેજ ફેલાવનારાઓ પર નજર રાખીને તેમની સામે કડક હાથે કામ કરવામાં આવી રહ્યું હોવાનું પોલીસ-કમિશનર મધુકર પાંડે અને અસામાજિક તત્ત્વો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી કાયમ રાખવામાં આવશે એમ સુધરાઈના કમિશનર સંજય કાટકરે કહ્યું હતું. હવે શાંતિ સ્થપાઈ છે એટલે પ્રતાપ સરનાઈકે બંધનું એલાન પાછું ખેંચી લીધું છે. બીજેપીના ભૂતપૂર્વ વિધાનસભ્ય નરેન્દ્ર મહેતા દ્વારા તિરંગા રામરથ શાંતિયાત્રાનું આયોજન આજે કરવામાં આવ્યું છે. જોકે પોલીસે તેમને પરવાનગી આપી છે કે નહીં એ સ્પષ્ટ નથી.

mumbai news mumbai mumbai crime news mira road mumbai police