મુંબઈ–પુણે એક્સપ્રેસવે પર ઇમર્જન્સીમાં પોલીસ કન્ટ્રોલ રૂમનો તરત ​સંપર્ક કરી શકાશે

13 February, 2024 08:45 AM IST  |  Mumbai | Ranjeet Jadhav

ઇમર્જન્સી કૉલિંગ બૂથને નેટવર્ક સપોર્ટ પૂરો પાડવા ટેલિકૉમ ઑપરેટર સાથે ઍગ્રીમેન્ટ કરવામાં આવ્યું : જોકે નિષ્ણાતોને એની અસરકારકતા પર શંકા છે

મુંબઈ–પુણે એક્સપ્રેસવે

મુંબઈ–પુણે એક્સપ્રેસવેના ૯૫ કિલોમીટરના વિસ્તારમાં દર બે ​કિલોમીટરે સ્થપાનારા ઇમર્જન્સી કૉ​લિંગ બૂથને નેટવર્ક સપોર્ટ પૂરો પાડવા એક ટેલિકૉમ ઑપરેટર સાથે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (એમએસઆરડીસી) દ્વારા એક ઍગ્રીમેન્ટ પર દસ્તખત કરવામાં આવ્યા છે. જોકે નિષ્ણાતોએ એની અસરકારકતા સામે પ્રશ્ન કર્યો છે.

ઍગ્રીમેન્ટના ભાગરૂપે ટેલિકૉમ ઑપરેટર કૉ​લિંગ બૂથને નેટવર્ક સપોર્ટ પૂરો પાડશે. ઇમર્જન્સીની સ્થિ​તિમાં સંપર્ક-સુવિધા આસાન બનાવવાનો ઉદ્દેશ આ પગલા પાછળ રહ્યો છે. એમએસઆરડીસીના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘એક્સપ્રેસવેનો ઉપયોગ કરનારા મોટરિસ્ટો અને પ્રવાસીઓ ઇમર્જન્સીની સ્થિતિમાં સ્ટેટ હાઇવે પોલીસ કન્ટ્રોલ રૂમનો ​​સીધો સંપર્ક સાધી શકશે. એકસૂત્રતા જાળવવા અને નેટવર્ક ખોરવાઈ જતું અટકાવવા ટેલિકૉમ ઑપરેટર દ્વારા પૂરા પાડવામાં આવનારા ​સિમ કાર્ડથી ઇમર્જન્સી કૉલિંગ બૂથ અને સ્ટેટ હાઇવે પોલીસ કન્ટ્રોલ રૂમને સજ્જ કરવામાં આવશે. દરમિયાન, એમએસઆરડીસી ઇક્વિપમેન્ટ્સની જાળવણી અને પ્રવાસીઓની પૂછપરછનો જવાબ આપવા સહિતની કામગીરી સંભાળશે.’

મુંબઈ–પુણે એક્સપ્રેસવે મહારાટ્રનો સૌથી વ્યસ્ત હાઇવે છે. હજારો વાહનો દ્વારા એનો રોજ ઉપયોગ કરવામાં આવે છે. મોટા ભાગના પ્રવાસીઓ પાસે મોબાઇલ ફોન હોય છે, પરંતુ અકસ્માત થાય એ કિસ્સામાં કોનો સંપર્ક કરવો અથવા તો પોતાના લોકેશનની માહિતી આપવાનો ખ્યાલ વ્યક્તિગત હોતો નથી.

મુંબઈ–પુણે એક્સપ્રેસવે પર ૨૦૦૫-’૦૬ના વર્ષમાં ૪૦ ઇમર્જન્સી બૂથ સ્થાપવામાં આવ્યા હતા, પરંતુ તેઓ કામ કરતા બંધ થયા હતા. ૨૦૧૭ના વર્ષમાં અંદાજે ૧૯૦ નૉન-ફંક્શનલ ઇમર્જન્સી ટેલિફોન બૂથ રિપેર કરવામાં આવ્યા હતા અને ફરીથી ગોઠવવામાં આવ્યા હતા.

mumbai news mumbai pune-mumbai expressway