13 September, 2024 04:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કલ્યાણ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ સાથે ધરપકડ કરાયેલા આરોપીઓ.
ડોમ્બિવલી નજીક ઠાકુર્લી રેલવે-સ્ટેશન પર ટ્રેનમાંથી સોના અને ચાંદીના સાડાસાત લાખ રૂપિયાના દાગીના ચોરનાર અલ્તમસ ખાન અને શુભમ ઢસાળ ઉપરાંત બે માઇનર આરોપીઓની કલ્યાણની ક્રાઇમ બ્રાન્ચના અને સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ (STF)ના અધિકારીઓએ પાંચમી સપ્ટેમ્બરે ધરપકડ કરી હતી. ૩૧ ઑગસ્ટે કલ્યાણમાં રહેતા એક જ્વેલરના દાગીના ચોરી થયા હોવાની ફરિયાદ મળ્યા બાદ કલ્યાણ રેલવે-સ્ટેશનથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) વચ્ચે લાગેલા ૧૫૦થી વધુ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા તપાસી આરોપીની ઓળખ કરીને તેમની ધરપકડ કરવામાં આવી છે.
૩૧ ઑગસ્ટે જ્વેલર CSMTથી ફાસ્ટ લોકલના સેકન્ડ ક્લાસ ડબ્બામાં પ્રવાસ કરી રહ્યો હતો ત્યારે ઠાકુર્લી રેલવે-સ્ટેશન પર તેના દાગીનાની બૅગ ચોરી થઈ હતી એમ જણાવતાં કલ્યાણ ક્રાઇમ બ્રાન્ચના સિનિયર ઇન્સ્પેક્ટર અર્શદ શેખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચોરીની ઘટના ડોમ્બિવલી રેલવે પોલીસ-સ્ટેશનની હદમાં નોંધાઈ હોવાની માહિતી મળ્યા બાદ અમે શરૂઆતમાં ઠાકુર્લી રેલવે-સ્ટેશન પર લાગેલા તમામ CCTV કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં હતાં. એમાંથી એક શંકાસ્પદ આરોપીની ઓળખ થઈ હતી. જોકે તે કયા રેલવે-સ્ટેશન પરથી બહાર ગયો એની માહિતી અમારી પાસે નહોતી એટલે અમે આશરે ૨૮ રેલવે-સ્ટેશન પર લાગેલા CCTV કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં હતાં જેમાં થાણેમાં બે માઇનર આરોપીઓ બહાર નીકળતા જોવા મળ્યા હતા. અમે તેમની વધુ માહિતી કાઢી ટેક્નિકલ ટીમ સાથે વધુ તપાસ કરતાં મુંબ્રામાં રહેતા અલ્તમસ ખાન અને થાણેમાં રહેતા શુભમ ઢસાળ સુધી પહોંચ્યા હતા. તેમની પાસેથી અમે ચોરાયેલી તમામ માલમતા જપ્ત કરી છે.’
"આરોપીઓ ટીમ બનાવીને ચોરીને અંજામ આપતા. તેઓ ટ્રેનની અંદર રૅક પર પડેલી વસ્તુની ચોરી કરતા હતા. એમાં અલ્તમસ અને શુભમ બૅગ ચોરીને એ માઇનરના હાથમાં આપતા. એ પછી માઇનર નજીકના સ્ટૉપ પર ઊતરીને બૅગ બહાર લઈ જતો. આરોપીઓ સામે પહેલાં પણ ગુના નોંધાયા હોવાની પ્રાથમિક માહિતી અમને મળી છે. હાલમાં આ કેસમાં પકડાયેલા માઇનરોને સુધારગૃહમાં મોકલવામાં આવ્યા છે. " - અર્શદ શેખ, કલ્યાણ ક્રાઇમ બ્રાન્ચના સિનિયર ઇન્સ્પેક્ટર