19 November, 2023 09:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આદિત્ય ઠાકરે અને તેમના સાથીઓએ મંજૂરી વિના ડિલાઇલ રોડનો એક ભાગ ખુલ્લો મૂક્યો હતો
મુંબઈ ઃ લોઅર પરેલમાં એસિક ભવન સામે આવેલા બ્રિજના એક ભાગને ગુરુવારે રાત્રે આદિત્ય ઠાકરે, સચિન અહિર, સુનીલ શિંદે સહિત શિવસેનાના ૨૦ જેટલા લોકોએ ખુલ્લો મૂક્યો હતો. બ્રિજનું કામ પંદર દિવસ પહેલાં પૂરું થઈ ગયું હોવા છતાં એ ખુલ્લો નહોતો મુકાતો એટલે આ લોકોએ બીએમસીની પરવાનગી લીધા વિના લોકોની અવરજવર માટે એ શરૂ કરી દીધો હતો. આથી બીએમસીએ આ નેતાઓ સામે ફરિયાદ કરતાં એલ. ટી. માર્ગ પોલીસે આદિત્ય ઠાકરે, સચિન અહિર અને સુનીલ શિંદે સામે ગુનો નોંધ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે ગઈ કાલે બપોરે આદિત્ય ઠાકરેએ આ વિશે કહ્યું હતું કે ‘હું મુંબઈ માટે લડી રહ્યો છું એટલા માટે આ ગુનો નોંધવામાં આવ્યો છે. સરકાર પાસે ડિલાઇલ રોડને શરૂ કરવા માટે સમય નથી એટલે અમે એનું ઉદ્ઘાટન કર્યું હતું.’
એલ. ટી. માર્ગ પોલીસે નોંધેલા એફઆઇઆરમાં જણાવ્યું છે કે ‘ડિલાઇલ રોડના એક ભાગનું કેટલુંક કામ બાકી હોવા છતાં એને આરોપીઓએ ખુલ્લો કર્યો હોવાની ફરિયાદ બીએમસીના અધિકારીએ અમારી પાસે કરી હતી. વાહનોની અવરજવર માટે રસ્તો તૈયાર ન હોવા છતાં અહીં મૂકવામાં આવેલાં બૅરિકેડ્સને હટાવી દેવાથી વાહનચાલકો માટે જોખમ ઊભું થયું છે. આથી આદિત્ય ઠાકરે, સચિન અહિર અને સુનીલ શિંદે સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.’
શરદ પવારના કાર્યકરોએ પ્રોફેસરનું મોઢું કાળું કર્યું
પુણેમાં ગઈ કાલે પત્રકારભવન પાસે પ્રોફેસર નામદેવ જાધવ પત્રકારોને માહિતી આપી રહ્યા હતા ત્યારે તેમના ચહેરા પર કેટલાક લોકોએ કાળી ઇન્ક ફેંકી હતી. આ સમયે પત્રકારોના કૅમેરા ચાલુ હતા હતા એટલે આ ઘટના લાઇવ થઈ ગઈ હતી. એક વ્યક્તિએ ડાબી બાજુએથી કાળી ઇન્ક ફેંકી હતી ત્યારે બીજી બાજુએથી બીજા બે લોકોએ પણ પ્રોફેસર પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે પ્રોફેસરને બાથમાં લઈને બચાવી લીધા હતા. શરદ પવાર જૂથના કાર્યકરે કહ્યું હતું કે અમારી સામે કાર્યવાહી થવા દો, પણ શરદ પવારના વિરોધમાં નામદેવ જાધવ સતત બોલી રહ્યા છે એ અમે ચલાવી નહીં લઈએ. નામદેવ જાધવે શરદ પવારનું બોગસ ઓબીસી સર્ટિફિકેટ વાયરલ કર્યું હતું. એનસીપીના કાર્યકરોએ મોઢું કાળું કર્યાં બાદ પ્રોફેસરે કહ્યું હતું કે હું પોલીસમાં ફરિયાદ નોંધાવીશ એમાં પહેલું નામ શરદ પવાર અને બીજું નામ રોહિત પવારનું હશે.
છગન ભુજબળે એક પરિવારનું ઘર પડાવ્યું?
રાજ્યના કૅબિનેટ પ્રધાન છગન ભુજબળે એક પરિવારનું ઘર પચાવી પાડ્યું હોવાનો આરોપ સામાજિક કાર્યકર અંજલિ દમણિયાએ ગઈ કાલે કર્યો હતો. છગન ભુજબળે અંબડ ખાતે આરક્ષણ બચાવ સભામાં અશોભનીય ભાષણ કર્યું હોવાની ટ્વીટ આજે સવારે અંજલિ દમણિયાએ કરી હતી અને આજે છગન ભુજબળે એક પરિવારનું ઘર પચાવી પાડ્યું હોવાનો આરોપ કર્યો હતો. આ બાબત મીડિયામાં જાહેર કરવા માટે મુંબઈમાં છગન ભુજબળના ઘરની બહાર જઈ રહી છું એમ તેણે લખ્યું હતું. જોકે અંજલિ દમણિયા પ્રધાનના ઘર પાસે પહોંચે એ પહેલાં જ પોલીસે તેને રોકીને તાબામાં લઈ લીધી હતી. આ વિશે બાદમાં છગન ભુજબળે કહ્યું હતું કે ‘અંજલિ દમણિયા કોઈની સુપારી લઈને આ કામ કરી રહી છે. મેં કોઈનું ઘર પડાવ્યું નથી. કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. કોર્ટ જે આદેશ આપશે એ માન્ય રાખીશ.’
મહિલા મતદારો કી ફૅક્ટર
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે કહ્યું હતું કે ‘મધ્ય પ્રદેશમાં બે દિવસ પહેલાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન થયું હતું એમાં મહિલાઓ કી-ફૅક્ટર રહી છે. મહિલાઓમાં ભારતીય જનતા પક્ષ પ્રત્યે જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો એટલે તેમના મત નિર્ણાયક સાબિત થશે.’
નાગપુરમાં પત્રકારો સાથેની વાતચીતમાં દેવેન્દ્ર ફડણવીસે આગળ કહ્યું હતું કે ‘રાજ્યમાં કોઈ વ્યક્તિ કે સંગઠન ગેરકાયદે કામ કરશે તો તેમની સામે કાર્યવાહી કરવા માટે તેલંગણા પબ્લિક સિક્યૉરિટી ઍક્ટની તર્જ પર રાજ્યમાં પણ કાયદો લાવવા પર અત્યારે કામ ચાલી રહ્યું છે. આ સિવાય રાજ્ય સરકાર મરાઠા આરક્ષણ પર પણ અત્યારે કામ કરી રહી છે.’