23 November, 2023 12:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દહિસરમાં રહેતા ગુજરાતી વેપારી સાંજે પુત્ર સાથે સ્ટેશન વિસ્તારમાં આંટો મારવા નીકળ્યા હતા. દરમિયાન એક યુવાન તેમની નજીક આવી તેમના હાથમાંથી મોબાઇલ છીનવીને નાસી ગયો હતો. વેપારીએ આશરે એક કિલોમીટર સુધી ચોરોની પાછળ જઈને રાઉન્ડ-અપ કરતા પોલીસ અધિકારીને તેમની માહિતી આપી હતી. ત્યાર બાદ પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપી પર આ પહેલાં પણ ગુના હોવાની પોલીસને પ્રાથમિક માહિતી મળી છે.
દહિસર-ઈસ્ટમાં એસ. વી. રોડ પર રવીન્દ્ર હોટેલ નજીક રહેતા ૪૮ વર્ષના મુકેશ સોલંકીએ કરેલી ફરિયાદ અનુસાર તેઓ મંગળવારે રાત્રે પુત્ર દર્શન સાથે દહિસર રેલવે સ્ટેશન નજીક આંટો મારવા નીકળ્યા હતા. દરમિયાન બે માણસોએ તેમની પાસે આવીને ફોન માગ્યો હતો. મુકેશ સોલંકીએ તેમને ફોન ન આપ્યો એટલે તેમણે બળજબરીથી ફોન છીનવીને ત્યાંથી નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. એટલે મુકેશ સોલંકી પણ તેમની પાછળ ભાગ્યા હતા. આશરે એક કિલોમીટર પછી ચોરો ભીડનો લાભ લઈને ત્યાંથી નાસી છૂટ્યા હતા. એ સમયે મુકેશ સોલંકીએ ત્યાંથી પસાર થતા બીટ માર્શલની પૅટ્રોલિંગ ટીમને આરોપીઓની માહિતી આપી હતી. એટલે પોલીસે પીછો કરીને પશ્ચિમ એક્સપ્રેસ હાઇવે પરથી બન્ને ચોરને તાબામાં લીધા હતા. અજય સુરેશ શુક્લા અને ધર્મેન્દ્ર મોતીરામ કુમારની ધરપકડ કરીને દહિસર પોલીસે ચોરાયેલો મોબાઇલ રિકવર કર્યો હતો.
દહિસર પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે આ ઘટનાની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. આરોપીઓ દહિસરમાં રહે છે. તેમની સામે પહેલાં પણ ગુના નોંધાયા હોવાની અમને માહિતી મળી છે. ફરિયાદીએ અમારી પૅટ્રોલિંગ ટીમને જાણ કરતાં તેમણે કન્ટ્રોલમાં આરોપીઓ વિશે મેસેજ આપ્યો હતો. ત્યાર બાદ ડિટેક્શન ટીમે આરોપીઓની ધરપકડ કરી હતી.’