કાલબાદેવીના કાપડના વેપારીઓને મોટી રાહત

30 January, 2023 07:43 AM IST  |  Mumbai | Rohit Parikh

પોલીસે મહારાષ્ટ્ર માથાડી કર્મચારી કામગાર યુનિયન (રજિ.) - થાણેના સેક્રેટરીની ખંડણી માગવાના આરોપસર ધરપકડ કરી, પણ કોર્ટમાં તેને જામીન મળી ગયા

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ : મુંબઈના કાપડના વેપારીઓના સંગઠન ભારત મર્ચન્ટ્સ ચેમ્બરને ‘મિડ-ડે’ના માધ્યમથી મહારાટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને હોમ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે મેસેજ મોકલીને ફરિયાદ કર્યાના ૨૪ કલાકમાં જ મહારાષ્ટ્ર માથાડી કર્મચારી કામગાર યુનિયન (રજિ.) - થાણેના સેક્રેટરી સુભાષ યાદવની સામે લોકમાન્ય ટિળક પોલીસ સ્ટેશને આઇપીસીની કલમ ૩૮૫ અને ૫૦૬ હેઠળ ગુનો નોંધીને ૨૪ જાન્યુઆરીએ તેની ધરપકડ કરીને તેને બુધવારે કોર્ટમાં હાજર કર્યો હતો, જ્યાં કોર્ટે તેના જામીન મંજૂર કર્યા હતા. ભારત મર્ચન્ટ્સ ચેમ્બરના પદાધિકારીઓએ પોલીસની આ ઍક્શનની પ્રભાવિત થઈને કહ્યું હતું કે ‘સુભાષ યાદવ સામે હવે કોર્ટમાં કેસ ચાલશે, પરંતુ એની સાથે એક વાત ચોક્કસ છે કે સુભાષ યાદવ અને તેના સાગરીતો પોલીસની આ કાર્યવાહી પછી વેપારીઓને હેરાન કરતા અને ખંડણી માગતા બંધ થઈ જશે. એટલું જ નહીં, સુભાષ યાદવ જેવા લેભાગુઓ હવે વેપારીઓની કનડગત કરતા બંધ થઈ જશે, જેનાથી અત્યારે વેપારીઓને બહુ મોટી રાહત મળી છે.’

ફરિયાદમાં શું છે?

એલ. ટી. માર્ગ પોલીસ-સ્ટેશનમાં ભારત મર્ચન્ટ્સ ચેમ્બર વતી ચેમ્બરના એક સભ્ય અને કફ પરેડમાં ઑફિસ ધરાવતા કાપડના વેપારી બાવન વર્ષના દીપક રાજકુમાર શાહે સુભાષ યાદવ સામે ફરિયાદ કરી હતી. એમાં તેમણે પોલીસને કહ્યું હતું કે ‘સુભાષ યાદવે ૨૨ જૂને મારી ઑફિસમાં આવીને મારાં અકાઉન્ટ્ન્સની જોવાની માગણી કરી હતી અને કહ્યું હતું કે તમારી ઑફિસ તમે મંડળમાં રજિસ્ટર્ડ કરાવી નથી. ત્યાર પછી તે ફરીથી ૭ જુલાઈએ મારી ઑફિસમાં આવ્યો હતો અને જો તમે રજિસ્ટર્ડ નહીં કરો તો હું તમને જોઈ લઈશ એવી ધમકી આપીને મારી પાસે ૫,૦૦૦ રૂપિયાની માગણી કરી હતી. મને અમારા અસોસિએશનમાંથી કાપડના અન્ય વેપારી પાસેથી ખબર પડી હતી કે મારી જેમ સુભાષ યાદવે અનેક વેપારીઓને ધમકી આપી છે. આથી હું મારા અસોસિએશન અને મારા વતી સુભાષ યાદવ સામે ફરિયાદ કરી રહ્યો છું.’

લોકમાન્ય ટિળક પોલીસ સ્ટેશને આઇપીસી ધારા ૩૮૫ અને ૫૦૬ હેઠળ સુભાષ યાદવ સામે ગુનો નોંધ્યો હતો.

મામલો શું છે?

ભારત મર્ચન્ટ્સ ચેમ્બર તરફથી મહારાષ્ટ્ર માથાડી કર્મચારી કામગાર યુનિયન (રજિ.) - થાણેના સેક્રેટરી સુભાષ યાદવ અને તેના સાગરીતો સામે એક મહિના પહેલાં લેખિતમાં એલ. ટી. માર્ગ પોલીસ-સ્ટેશન અને ભુલેશ્વરમાં આવેલા માથાડી બોર્ડનાં ચૅરમૅન સુનીતા મ્હેસકરને ફરિયાદ કરવામાં આવી હતી. જોકે ૧૫ જાન્યુઆરી સુધી પોલીસ તરફથી સુભાષ યાદવ અને તેના સાગરીતો સામે પોલીસ તરફથી કોઈ જ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી નહોતી. આથી ૧૬ જાન્યુઆરીએ ભારત મર્ચન્ટ્સ ચેમ્બર તરફથી મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અને હોમ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસને ટ્વીટ કરીને આ સંદર્ભની ફરિયાદ કરીને તેમની સહાયની માગણી કરવામાં આવી હતી. ત્યાર બાદ આ બાબતની ‘મિડ-ડે’માં ફરિયાદ કર્યા બાદ ‘મિડ-ડે’એ દેવેન્દ્ર ફડણવીસને આ મામલામાં મધ્યસ્થી કરવાની વિનંતી કરી હતી. એને પગલે દેવેન્દ્ર ફડણવીસે એલ. ટી. માર્ગ પોલીસ સ્ટેશનને કાપડના વેપારીઓને સહાય કરવાનો અને સુભાષ યાદવ સામે ખંડણી માગવાનો ગુનો નોંધવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ મળતાં જ પોલીસે સુભાષ યાદવ સામે ગુનો દાખલ કરીને મંગળવાર, ૨૪ જાન્યુઆરીએ તેની ધરપકડ કરીને બુધવારે કોર્ટમાં હાજર કર્યો હતો, જ્યાં સુભાષ યાદવને કોર્ટે જામીન આપ્યા હતા.

માથાડી બોર્ડ પણ ઍક્શનમાં

ભારત મર્ચન્ટ્સ ચેમ્બર અને પોલીસની સુભાષ યાદવ સામેની કાર્યવાહી બાદ ભુલેશ્વરમાં આવેલા માથાડી બોર્ડ તરફથી પણ સુભાષ યાદવ સામે ઇન્કવાયરી શરૂ કરવામાં આવી છે એમ જણાવીને માથાડી બોર્ડના ઇન્કવાયરી અધિકારી અનિલ નાનોસ્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે અમારા કાયદા પ્રમાણે સુભાષ યાદવને નોટિસ મોકલી આપી છે. અમારી નોટિસના પંદર દિવસમાં સુભાષ યાદવ તરફથી અમને આખા મામલામાં સ્પષ્ટતા કરવામાં આવશે. ત્યાર બાદ અમે સુનાવણી શરૂ કરીશું. જેમાં અસરગ્રસ્ત વેપારીઓ અને સુભાષ યાદવ બંનેએ તેમનો પક્ષ મૂક્યા બાદ બોર્ડનાં ચૅરમૅન સુભાષ યાદવ સામે શું કાયદાકીય કાર્યવાહી કરવી એનો નિર્ણય લેશે.’

ભારત મર્ચન્ટ્સ ચેમ્બરના પ્રત્યાઘાત

ભારત મર્ચન્ટ્સ ચેમ્બરના ટ્રસ્ટી રાજીવ સિંઘલે ફરીથી એક વાર ‘મિડ-ડે’ અને રાજ્યના ડેપ્યુટી ચિફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસનો આભાર માનતાં કહ્યું હતું કે ‘સુભાષ યાદવ જેવા લેભાગુ માથાડી નેતાથી કાલબાદેવીના કાપડના વેપારીઓ ત્રસ્ત થઈ ગયા હતા. એથી અમે લેખિતમાં ફરિયાદ કર્યા પછી પણ સુભાષ યાદવ અને તેના સાગરીતો સામે પોલીસ ગુનો નોંધીને કોઈ કાર્યવાહી કરતી નહોતી. જોકે ‘મિડ-ડે’ અને દેવેન્દ ફડણવીસને લીધે એલ. ટી. માર્ગ પોલીસ સ્ટેશને સુભાષ યાદવ સામે ફરિયાદ પણ નોંધી હતી અને તેની ધરપકડ કરીને તેને કોર્ટમાં હાજર પણ કર્યો હતો. એને પરિણામે હવે સુભાષ યાદવ મુંબઈના કાપડના વેપારીઓની કનડગત કરતાં પહેલાં ૧૦૦ વાર વિચારશે. પોલીસની આ કાર્યવાહીથી અત્યારે તો કાલબાદેવીની આસપાસના વેપારીઓને રાહત મળી છે.’ 

mumbai mumbai news rohit parikh