પાર્લાની કૉલેજિયનોને હેરાન કરતા આ બે વિકૃત યુવાનોને શોધી રહી છે પોલીસ

25 August, 2024 06:54 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

મીઠીબાઈ અને અન્ય કૉલેજોની સ્ટુડન્ટ્સની છેડતી સંદર્ભે પોલીસ થઈ અલર્ટ, બૅનરો લગાડીને કહ્યું કે તમારી સાથે આવું કંઈ થાય તો નિર્ભયા પથકને ૮૫૯૧૯ ૩૫૮૧૫ નંબર પર કૉલ કરો

કૉલેજની સ્ટુડન્ટ્સની છેડતી કરતા વિકૃત યુવાનનો ફોટો પાડીને સ્ટુડન્ટ્સે ગ્રુપમાં સર્ક્યુલેટ કર્યો છે અને કહ્યું છે કે આનાથી ચેતતા રહેજો, આ બીજો વિકૃત યુવાન પણ લાગ મળે ત્યારે અણછાજતો સ્પર્શ કરી લે છે. સ્ટુડન્ટ્સે તેનો પણ વિડિયો અપલોડ કર્યો છે.

વિલે પાર્લેની મીઠીબાઈ કૉલેજમાં અને આસપાસની કૉલેજોમાં રોજેરોજ આવતી-જતી કૉલેજની સ્ટુડન્ટ્સને થોડા વખતથી બે રોડ-રોમિયો તંગ કરીને તેમની છેડતી કરી રહ્યા છે. તેમના બે વિડિયો કૉલેજ-ગર્લ્સના ઇન્સ્ટા અને વૉટ્સઍપ ગ્રુપમાં સર્ક્યુલેટ કરવામાં આવ્યા છે. એમાં બે અલગ-અલગ યુવાનોને દર્શાવવામાં આવ્યા છે. એક યુવાન કૉલેજ પાસે ફરે છે, જ્યારે બીજો યુવાન વિલે પાર્લે સ્ટેશન પાસે ઍક્ટિવ હોય છે. જુહુ પોલીસ પાસે પણ આ વિડિયો પહોંચ્યા છે અને તેમણે એની દખલ લઈને પોલીસનું પૅટ્રોલિંગ વધાર્યું છે અને તે બન્ને વિકૃત યુવાનોની શોધ ચલાવવામાં આવી રહી છે. પોલીસે કૉલેજ-ગર્લ્સને મદદ કરવા માટે નિર્ભયા પથક પણ તહેનાત કર્યું છે. કોઈ પણ છોકરીને કોઈનાથી પણ ડર લાગે કે તે વિકૃત દેખાય તો તરત જ નિર્ભયા પથકના નંબર ૮૫૯૧૯ ૩૫૮૧૫ ઉપર કૉલ કરીને મદદ મેળવવા આહવાન કરવામાં આવ્યું છે.

કૉલેજની સ્ટુડન્ટ્સમાં જે બે વિડિયો ફરી રહ્યા છે એમાં પહેલા વિડિયોમાં એક ઓછા વાળવાળો સહેજ બટકો માણસ નાનીએવી સાંકડી ફુટપાથ પર સામેથી છોકરીઓ આવે તો તેમને અણછાજતો સ્પર્શ કરવાની તક શોધે છે, પણ હવે તેને ઓળખી ગયેલી છોકરીઓ તેનાથી પોતાની જાતને બચાવી સહેજ ક્રૉસ થઈને તેની સામેથી પસાર થતી દેખાય છે. બીજા વિડિયોમાં વિલે પાર્લે સ્ટેશન રોડ પર બીજો એક વિકૃત જાય છે એનો વિડિયો લેવામાં આવ્યો છે. છોકરીઓનું કહેવું છે કે ગિરદીની જગ્યાએ આ બન્ને છોકરીઓને ટચ કરે છે. પહેલાં તો છોકરીઓએ આ ઇગ્નૉર કરેલું કે કદાચ ગિરદીને કારણે હશે, પણ જ્યારે વારંવાર આવું થવા માંડ્યું ત્યારે તેમને પણ ખ્યાલ આવી ગયો કે આ બન્ને લોકો વિકૃત છે અને હવે તેમનાથી પોતાની જાતને સંભાળીને ચાલે છે.

એક કૉલેજિયન યુવતીએ તેના ઘરમાં આ બાબતે વાત કરી અને કહ્યું કે તે હવે એકલી ત્યાંથી પસાર થવાનું ટાળે છે. બની શકે તો તે બે-ચાર ફ્રેન્ડ્સ સાથે જ ત્યાંથી પસાર થાય છે. તે બન્ને જાણે ચાલતાં-ચાલતાં જાણબહાર હાથ લાગી ગયો હોય એવો ડોળ કરી ટચ કરીને આગળ નીકળી જાય છે. તેમની વારંવારની આવી ગંદી હરકતની કૉલેજને પણ જાણ કરવામાં આવી છે.

આ બાબતે જુહુ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર સુનીલ જાધવનો ‘મિડ-ડે’એ સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું હતું કે ‘છેલ્લા ચાર-પાંચ દિવસથી આ થઈ રહ્યું હોવાની અમને જાણ કરવામાં આવી છે. અમારી પાસે પણ એ વિડિયો આવ્યો છે. અમે આ બાબતને ગંભીરતાથી લઈ રહ્યા છીએ. અમે પૅટ્રોલિંગ પણ વધારી દીધું છે અને સાથે અમારા નિર્ભયા પથકનાં બૅનર્સ પણ કૉલેજ અને રેલવે-સ્ટેશનની આસપાસ લગાડ્યાં છે. જો કોઈ પણ છોકરી કે મહિલા સાથે આવી ઘટના બને તો તરત અમને જાણ કરે. મહિલા પોલીસ ઑફિસર અને પોલીસ કર્મચારીઓની નિર્ભયા પથકની અમારી બે ટીમ સતત ત્યાં વૉચ રાખી રહી છે. ગભરાઓ નહીં, પોલીસને જાણ કરો. વી વિલ ટેક ઍક્શન. અમે તે બન્ને વિકૃતોને શોધી જ રહ્યા છીએ. નિર્ભયા પથકની મહિલા ઑફિસરોના નંબર પણ અમે બૅનર પર લખ્યા છે. પોલીસ તમારા રક્ષણ માટે છે.’

mumbai news mumbai mithibai college vile parle mumbai crime news mumbai police