12 August, 2022 10:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મેહુલ ચોકસી (ફાઇલ તસવીર)
કરોડો રૂપિયાના પંજાબ નૅશનલ બૅન્ક કૌભાંડમાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી ધરપકડ કરાયેલા મેહુલ ચોકસી પ્રમોટેડ ગીતાંજલિ ગ્રુપના ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડન્ટ વિપુલ ચિતલિયાના જામીન બૉમ્બે હાઈ કોર્ટે ગુરુવારે મંજૂર કર્યા હતા. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને માર્ચ ૨૦૧૮માં વિપુલ ચિતલિયાની ધરપકડ કરી હતી અને તે બિનઅધિકૃત લેટર્સ ઑફ અન્ડરટેકિંગ અને ફૉરેન લેટર્સ ઑફ ક્રેડિટ હૅન્ડલ કરવા બદલ જવાબદાર હોવાનો અને બૅન્કના અધિકારીઓ સાથે સંપર્ક જાળવી રાખવાનો આક્ષેપ કર્યો હતો. પ્રિવેન્શન ઑફ કરપ્શન ઍક્ટ તથા ગુનાહિત કાવતરા અને છેતરપિંડીને લગતી આઇપીસીની કલમ હેઠળ પણ વિપુલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સ્પેશ્યલ સીબીઆઇ કોર્ટે ડિસેમ્બર ૨૦૨૦માં તેના જામીન નામંજૂર કર્યા બાદ તેણે ઍડ્વોકેટ વિજય અગરવાલ મારફત હાઈ કોર્ટનું શરણું લીધું હતું.