22 November, 2024 02:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આમિર મણિયાર
કુર્લા-વેસ્ટના બ્રાહ્મણવાડી વિસ્તારમાં આવેલી પંજાબ નૅશનલ બૅન્ક (PNB)ના બ્રાન્ચ-મૅનેજર સંજયકુમાર દાસે સાઇબર-છેતરપિંડી માટે ૧૦ કરતાં વધારે અકાઉન્ટ અલગ-અલગ નામે ખોલનારા આમિર મણિયારને મંગળવારે રંગેહાથ પકડી કુર્લા પોલીસ-સ્ટેશનને સોંપ્યો હતો. પોલીસે તેની સામે ફરિયાદની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે. કર્જતમાં રહેતો આમિર નાગરિકો સાથે સાઇબર-છેતરપિંડી કરતા ગઠિયાઓને PNB બ્રાન્ચમાં ખોલેલાં બૅન્ક-અકાઉન્ટ વાપરવા માટે આપતો હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
આમિરે અમારી બ્રાન્ચમાં ખોલેલાં અકાઉન્ટોમાં છેલ્લા બે મહિનામાં લાખો રૂપિયાનાં ટ્રાન્ઝૅક્શન થયાં છે એમ જણાવતાં કુર્લા PNBના બ્રાન્ચ-મૅનેજર સંજયકુમાર દાસે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લા ત્રણ મહિનામાં આમિર બૅન્કમાં પચાસ કરતાં વધારે વાર આવ્યો હોવાનું મેં નોટ કર્યું હતું એટલે મેં એના પર નજર રાખવાની શરૂ કરી. એ શા માટે આટલી વાર બૅન્કમાં આવી રહ્યો છે એની માહિતી કાઢી ત્યારે માલૂમ થયું હતું કે તે અકાઉન્ટ ખોલવા માટે બૅન્કમાં અલગ-અલગ લોકોને લાવી રહ્યો હતો. ત્યાર બાદ આમિર દ્વારા જે બૅન્ક-અકાઉન્ટ ખોલવામાં આવ્યાં હતાં એની માહિતી કાઢતાં માલૂમ થયું હતું કે વિવિધ રાજ્યના નાગરિકો સાથે થતી છેતરપિંડીના પૈસા અમારી પાસે ખોલેલાં બૅન્ક-અકાઉન્ટોમાં સ્વીકારવામાં આવ્યા છે. અમારી મેઇન બ્રાન્ચ અને વિવિધ રાજ્યની પોલીસને આ વિશેની જાણ પણ કરવામાં આવી હતી. મંગળવારે સવારે આમિર ફરી એક વાર બૅન્કમાં વીઝા કાર્ડ ઍપ્લિકેશન માટે આવ્યો ત્યારે મેં તેને તાત્કાલિક મારી કૅબિનમાં બોલાવી ઘટનાની જાણ કુર્લા પોલીસને કરી હતી, ત્યાર બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. અમારી બ્રાન્ચમાં આમિરે દસ બૅન્ક-અકાઉન્ટ ખોલ્યાં હતાં જેમાંનાં પાંચ અકાઉન્ટમાં લાખો રૂપિય વિવિધ રાજ્યથી આવ્યા હોવાની માહિતી અમને મળી છે જે અમે પોલીસને આપી દીધી છે.’
જે બૅન્ક-ખાતાંઓમાં પૈસા આવ્યા છે એનાં ટ્રાન્ઝૅક્શન વિગતવાર રીતે તપાસવામાં આવી રહ્યાં છે એમ જણાવતાં કુર્લા પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર પ્રમોદ તોડરમલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બૅન્ક-અધિકારીની સતર્કતાથી એક આરોપી સુધી અમે પહોંચી શક્યા હતા. આ ઘટના બાદ અમે આરોપી સામે ફરિયાદ નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે અને તમામ બૅન્ક-ખાતાની જીણવટ ભરી તપાસ કરવામાં આવી રહી છે.’