પીએમસી બૅન્ક કૌભાંડ: સારંગ વાધવાન અને રાકેશ વાધવાનની થઈ ધરપકડ

04 October, 2019 11:01 AM IST  |  મુંબઈ

પીએમસી બૅન્ક કૌભાંડ: સારંગ વાધવાન અને રાકેશ વાધવાનની થઈ ધરપકડ

સારંગ વાધવાન અને રાકેશ વાધવાન

પીએમસી બૅન્ક મામલે પહેલી ધરપકડ કરવામાં આવી છે જેમાં એચડીઆઇએલના મૅનેજિંગ ડિરેક્ટર સારંગ રાધવાન અને ચૅરમૅન રાકેશ વાધવાનની પોલીસે ધરપકડ કરી છે. પીએમસી બૅન્કને દેવામાં ડુબાડનારાં ૪૪ મોટાં અકાઉન્ટમાં ૧૦ ખાતાં એચડીઆઇએલ અને વાધવાન સાથે જોડાયેલાં છે. આ ૧૦ ખાતાંઓમાં એક સારંગ વાધવાન અને બીજું રાકેશ વાધવાનનું છે. ગુરુવારના રોજ તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તપાસમાં યોગ્ય સહકાર ન આપતાં તેમની ધરપકડ કરવામાં આવી છે. કંપનીની ૩૫૦૦ કરોડની સંપ‌િત્ત પણ જપ્ત કરવામાં આવી છે.

પીએમસી બૅન્ક તરફથી ગ્રાહકોને વધુ એક રાહત આપવામાં આવી છે. હવે ગ્રાહક પીએમસી બૅન્કમાંથી ૧૦,૦૦૦ રૂપિયાથી વધારે ઉપાડી શકાશે, એના માટે હાર્ડશિપ કમિટીને એક અરજી આપવાની રહેશે. આ ૧૦,૦૦૦ રૂપિયા ગંભીર બીમારી, લગ્ન, વધારે જરૂરી ખર્ચાઓમાં જ ઉપાડી શકશે. છેલ્લા ઘણા દિવસોમાં એવા સમાચાર આવ્યા હતા કે ખાતાધારકને પરિવારના સભ્યો બીમાર હોય કે કોઈનાં લગ્ન હોય તો પોતાના રૂપિયા ઉપાડી શકતા ન હતા. બૅન્કની હાર્ડશિપ કમિટી આરબીઆઇની મંજૂરી લઈને ગ્રાહકોને વધુ રૂપિયા આપી શકે છે. પીએમસીનું કૌભાંડ સામે આવ્યા બાદ આરબીઆઇ તરફથી ખાતામાંથી ૧૦,૦૦૦ રૂપિયાની રકમ ઉપાડવાની મંજૂરી આપવામાં આવી હતી. આરબીઆઇના આ પગલા બાદ બૅન્કના હજારો ગ્રાહકો પરેશાન હતા.

૧૯૯૩માં પણ પીએમસી બૅન્કની ગેરરીતિ પ્રકાશમાં આવી હતી

પંજાબ ઍન્ડ મહારાષ્ટ્ર કો-ઑપરેટિવ (પીએમસી) બૅન્કમાં ગેરરીતિઓના કિસ્સા નવા નથી. એ ગેરરીતિઓ સામે રિઝર્વ બૅન્કનું ધ્યાન દોરવામાં આવ્યું હોય અને કોઈ પગલાં લેવાયાં ન હોય એવું અગાઉ પણ બન્યું છે. ૧૯૯૩માં બૅન્કના ફાઉન્ડર ચૅરમૅન સરદાર ગુરચરણદાસ કોચરે કરોડ રૂપિયાથી વધારે રકમની ગેરરીતિઓ ઉઘાડી પાડી હતી. ગુરચરણસિંહના પુત્ર અમરજિત સિંહે જણાવ્યું હતું કે ‘૧૯૯૩માં બૅન્કે એક રિકવરી કમિટી નિયુક્ત કરી હતી અને ગુરચરણદાસ કોચરે બૅન્કના ચૅરમૅન અને બોર્ડ ઑફ ડિરેક્ટર્સને એ વર્ષની ૧૧ સપ્ટેમ્બરે રિપોર્ટ પણ સુપરત કર્યો હતો. ચૅરમૅને એ ગોલમાલમાં સંડોવાયેલા એક્ઝિક્યુટિવ સ્ટાફ અને ડિરેક્ટર્સ સામે કડક પગલાં લેવાની ખાતરી આપી હતી, પરંતુ ચૅરમૅને કાંઈ નહોતું કર્યું.

ખાતાધારકો મહિનામાં ૨૫,૦૦૦ રૂપિયા કાઢી શકશે

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ ગઈ કાલે પીએમસી કો-ઑપરેટિવ બૅન્કના ડિપોઝિટર્સ માટે નાણાં ઉપાડવાની રકમની મર્યાદા ફરી એક વખત વધારી છે. હવે બૅન્કના ખાતાધારકો છ મહિના સુધી મહિનામાં એક વાર અગાઉ ઠરાવાયેલી મર્યાદા મુજબના ૧૦,૦૦૦ રૂપિયાને સ્થાને ૨૫,૦૦૦ રૂપિયા ઉપાડી શકશે.

આ પણ વાંચો : ઠાકરે પરિવારના યંગેસ્ટ સભ્ય પાસે 16 કરોડની છે સંપત્તિ

આરબીઆઇએ એના નિવેદનમાં જણાવ્યું હતું કે બૅન્કની પ્રવાહિતાની ફરી વાર સમીક્ષા કર્યા બાદ તેમ જ બૅન્કના ખાતેદારોની તકલીફો ઓછી કરવાના આશયથી આરબીઆઇએ ખાતાધારકો માટે પ્રતિ અકાઉન્ટ નાણાંના ઉપાડની મર્યાદા ૨૫,૦૦૦ રૂપિયા કરવાનો નિર્ણય લીધો હતો. રિઝર્વ બૅન્ક દ્વારા નાણાંના ઉપાડની મર્યાદા હળવી કરાતાં હવે ૭૦ ટકા કરતાં વધુ ખાતાધારકો તેમનાં અકાઉન્ટમાંથી પૂરી રકમનો ઉપાડ કરી શકશે.

mumbai news mumbai crime news