બજેટમાં આપ્યું છે એ લોકો સુધી પહોંચાડો, વિરોધીઓના ખોટા પ્રચારનો મુકાબલો કરો

27 July, 2024 10:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાથમાં લીધી મિશન મહારાષ્ટ્રની કમાન, વિધાનસભાની ચૂંટણી માટે પક્ષના સંસદસભ્યોને આપ્યો મંત્ર

નરેન્દ્ર મોદી

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ત્રણેક મહિનામાં યોજાવાની શક્યતા છે ત્યારે મહારાષ્ટ્રની ભારતીય જનતા પાર્ટી (BJP)ની સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કમર કસી છે. તેમણે મહારાષ્ટ્રના સંસદસભ્યોની ગુરુવારે બેઠક બોલાવી હતી. એમાં તેમણે મિશન મહારાષ્ટ્ર વિશે ચર્ચા કરી હોવાનું જાણવા મળ્યું હતું. આ ચર્ચામાં વડા પ્રધાને કેન્દ્રીય બજેટમાં મહારાષ્ટ્ર માટેની જાહેરાતની માહિતી જનતા સુધી પહોંચાડવાની સાથે વિરોધીઓના ખોટા પ્રચારનો મુકાબલો કરવાનું કહ્યું હોવાનું કહેવાય છે. આ બેઠકમાં સામેલ મહારાષ્ટ્રના એક સંસદસભ્યે કહ્યું હતું કે ‘વડા પ્રધાને અમને સરકારના વિરોધમાં વિપક્ષના ખોટા પ્રચારને ખતમ કરવાનો અને બૂથ સ્તર પર દરેક મતદાર સુધી પહોંચવાનો નિર્દેશ આપ્યો છે. તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં BJPનું મહારાષ્ટ્ર સહિતના ગઢમાં સારું પ્રદર્શન નહોતું રહ્યું. એને લીધે જ લોકસભામાં BJP બહુમતના આંકડાથી ૩૨ બેઠક દૂર રહી હતી.’

ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીમાં અજિત પવાર અને એકનાથ શિંદે સાથે હોવા છતાં વિપરીત પરિણામ આવતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ચાર બેઠકમાંથી માત્ર એકમાં વિજય મેળવનારા અજિત પવારની ટીકા કરી હતી. લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને વિધાનસભાની ચૂંટણી માથા પર છે ત્યારે દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવારને જવાબદારી સોંપવાની સાથે ખુદ વડા પ્રધાને પણ ચૂંટણીની કમાન હાથમાં લીધી હોવાનું જાણવા મળ્યું હતું.

mumbai news mumbai maharashtra news narendra modi political news assembly elections bharatiya janata party