હવે બીએમસીની ચૂંટણી હાથવેંતમાં?

13 January, 2023 09:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કારણ કે વડા પ્રધાન આવતા અઠવાડિયે આવીને શહેરનાં વિવિધ વિકાસકામનું ઉદ્ઘાટન અથવા તો ભૂમિપૂજન કરવાના છે

ફાઇલ તસવીર

રાજ્યમાં એકનાથ શિંદેની આગેવાનીની સરકારની સ્થાપના થયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે પહેલી વખત મુંબઈની મુલાકાતે આવી રહ્યા છે. તેમની આ મુલાકાતને વિરોધીઓ મુંબઈ બીએમસીની ચૂંટણીના એજન્ડા તરીકે જોઈ રહ્યા છે. વડા પ્રધાનની મુલાકાતની તૈયારીઓ ચાલી રહી છે એની ચકાસણી ગઈ કાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કરી હતી. બીકેસીમાં વડા પ્રધાનની જાહેર સભાનું આયોજન થાય એવી શક્યતા છે.

મેટ્રો 2A અને 7 સહિત વિવિધ વિકાસના કામનાં ઉદ્ઘાટન કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૯ જાન્યુઆરીએ મુંબઈની મુલાકાતે આવી રહ્યા છે. તેમની આ મુલાકાત મુંબઈ બીએમસીની ચૂંટણીને ધ્યાનમાં રાખીને યોજવામાં આવી હોવાનો આરોપ વિરોધ પક્ષ કરી રહ્યો છે. મુંબઈ બીએમસીની ચૂંટણી ગમે ત્યારે જાહેર થવાની શક્યતા છે એટલે આ બાબતને ચગાવવામાં આવી રહી છે.

રાજ્યમાં સત્તાપલટ થયા બાદ એકનાથ શિંદેની આગેવાનીમાં બીજેપીના સહયોગથી રાજ્યમાં સરકાર બન્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૯ જાન્યુઆરીએ પહેલી વખત મુંબઈની મુલાકાતે આવશે. આ મુલાકાત દરમ્યાન તેઓ સેન્ટ્રલ પાર્ક અને બેલાપુર સ્ટેશન દરમ્યાન નવી મુંબઈની મેટ્રોના ૫.૯૬ કિલોમીટરની રેલવેલાઇનનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ મુંબઈ મેટ્રો 2A અને 7ના ૩૫ કિલોમીટરના રેલવે-માર્ગને પણ લીલી ઝંડી બતાવશે. એટલું જ નહીં, વડા પ્રધાન મોદી ૨૮,૦૦૦ કરોડ રૂપિયાના ૭ એસટીપી એટલે કે સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ભૂમિપૂજન કરશે. આ સિવાય મુંબઈના ૪૦૦ કિલોમીટરના રસ્તાનું કૉન્ક્રીટીકરણ કરવામાં આવશે. આ યોજનાનું ભૂમિપૂજન પણ વડા પ્રધાનના હાથે કરવામાં આવશે. તેમની આ મુલાકાત દરમ્યાન ગોરેગામ, ઓશિવરા અને ભાંડુપમાં ત્રણ નવી હૉસ્પિટલ બનાવવાના ભૂમિપૂજનનો કાર્યક્રમ પણ છે.

મોટા ભાગના કાર્યક્રમ મુંબઈને લગતા છે એટલે વિરોધીઓનો આરોપ છે કે વડા પ્રધાન મુંબઈ બીએમસીની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મુંબઈ આવી રહ્યા છે. તેમની આ મુલાકાત મહત્ત્વની છે એટલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે ચાલી રહેલી તૈયારીની ચકાસણી કરી હતી.

mumbai mumbai news mumbai metro brihanmumbai municipal corporation narendra modi