20 January, 2023 10:15 AM IST | Mumbai | Bakulesh Trivedi
બીકેસીમાં સભાસ્થળે જઈ રહેલા લોકોને રોડ ક્રૉસ કરવા માટે ટ્રાફિક પોલીસ રોકતી હતી અને શિસ્તબદ્ધ રીતે લાઇનમાં તેમને મેદાન તરફ છોડવામાં આવતા હતા
મુંબઈના વિકાસને લગતા પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કરવા ગઈ કાલે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સના એમએમઆરડીએ ગ્રાઉન્ડમાં આવનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળવા અને જોવા મોટી સંખ્યામાં મુંબઈગરા આવી પહોંચ્યા હતા. બપોરથી જ લોકો આવવાના શરૂ થઈ ગયા હતા. નરેન્દ્ર મોદી અને બીજેપીના અનેક સમર્થકો ગળામાં બીજેપીનો ખેસ અને હાથમાં બીજેપીનો ઝંડો લઈને આવી પહોંચ્યા હતા. જોકે મેદાનની અંદર ઝંડો લઈ જવા પર મનાઈ હતી. જોવા જેવી વાત એ હતી કે બહુ મોટી સંખ્યામાં લોકો આવ્યા હોવા છતાં કોઈ જાતની અંધાધૂંધી નહોતી. પોલીસ-બંદોબસ્ત તો હતો જ, પણ બીજેપીના કાર્યકરોની અનેક ટીમ મેદાનમાં કાર્યરત હતી.
જે-જે લોકો બહારથી મેદાનમાં આવતા હતા તેમના માટે બેસવાની ખુરશીઓ રાખી હતી અને અલગ-અલગ કમ્પાર્ટમેન્ટ બનાવ્યા હતા. લોકોને જ્યાં જગ્યા હોય ત્યાં દોરીને લઈ જવામાં આવતા હતા. આજની સભામાં બહુ મોટી સંખ્યામાં મહિલાઓ પણ આવી હતી.
યંગ છોકરાઓ અને છોકરીઓના ગ્રુપે પરંપરાગત પોશાકમાં આવીને નાશિક ઢોલ પર લેઝિમ કર્યા હતા
સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસ ટ્રાફિક તો મૅનેજ કરી જ રહી હતી, પણ સાથે લોકોનાં જે ટોળાં જે સભામાં આવતાં હતાં તેમને પણ ટ્રાફિક રોકીને રોડ ક્રૉસ કરાવી આપતી હતી. આગળની તરફ વાહનો રોકી દેવાતાં હોવાથી ત્યાંથી ચાલતા આવતી અનેક મહિલાઓ થાકી જવાથી સાઇડ પરની પાળી પર બેસેલી જોવા મળી હતી.
વડા પ્રધાન આવે એ પહેલાં સભાસ્થળે પહોંચી ગયેલા લોકોના મનોરંજન માટે જાણીતા ગાયક અવધૂત ગુપ્તે અને સ્વપ્નિલ બાંદોડકરનું ઑર્કેસ્ટ્રા રાખવામાં આવ્યું હતું. અભિજિત ગુપ્તેએ શરૂઆત મહારાષ્ટ્ર ગીતથી કરી હતી અને ત્યાર બાદ મરાઠી દેશભક્તિનાં ગીતો ગાયાં હતાં જેને લોકોએ ભરપૂર માણ્યાં હતાં.
નરેન્દ્ર મોદીને સાંભળવા ગઈ કાલે ઘણાં ગ્રુપ બીજેપીના ઝંડા સાથે સભાસ્થળે આવી પહોંચ્યાં હતાં. એમાં મહિલાઓની સંખ્યા ઊડીને આંખે વળગે એવી હતી
ભીડમાં બધા જ લોકો સરખા અને સારા હોય એવું નથી હોતું એટલે તેમના પર નજર રાખવા મુંબઈ પોલીસના કર્મચારીઓ જેમાં મહિલા પોલીસ કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં હતી તેમને સિવિલ ડ્રેસમાં પબ્લિક સાથે ગોઠવી દેવામાં આવ્યા હતા. તેઓ તેમની ચકોર નજરથી ભીડમાં કોઈ અપ્રિય ઘટના ન બને એનું ધ્યાન રાખતા હતા. તેમના દ્વારા એક દારૂડિયાને સમજાવટથી બહાર લઈ જવામાં આવ્યો હતો.