20 January, 2023 11:31 AM IST | Mumbai | Priti Khuman Thakur
અંધેરીના ગુંદવલી સ્ટેશનની બહાર સાંજના સમયે મેટ્રો-૧ બંધ હોવાથી મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા
મેટ્રો ૨એ અને મેટ્રો ૭નું ઉદ્ઘાટન કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવવાના હોવાથી બસ ભરી-ભરીને બીજેપીના કાર્યકતાઓ મુંબઈ, પાલઘર, થાણે, નવી મુંબઈ વગેરે જગ્યાએથી મોટી સંખ્યામાં આવ્યા હતા. જોકે કાર્યકતાઓ સિવાય એવા પણ અનેક લોકો હતા જેઓ નરેન્દ્ર મોદીના ફૅન હોવાથી કલાકો સુધી તેમને જોવા ઊભા રહ્યા હતા. તેમની એક ઝલક જોવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.
બંકિમ દેસાઈ
કાંદિવલી-વેસ્ટમાં મજીઠિયાનગરમાં રહેતા ૬૫ વર્ષના બંકિમ દેસાઈ નિવૃત્ત છે. નરેન્દ્ર મોદી મુંબઈ આવવાના હોવાની જાણ થતાં જ તેમનો ઉત્સાહ વધી ગયો હતો. તેઓ આ પળને પોતાના મોબાઇલમાં કૅપ્ચર કરવા એટલા ઉત્સાહિત હતા કે ગઈ કાલે બપોરથી જ તેઓ ગુંદવલી સ્ટેશને આવીને ઊભા રહી ગયા હતા. પગમાં થતા દુખાવાને ભૂલીને મોદીમય વાતાવરણમાં ઊભા રહેલા જોવા મળ્યા હતા.
આ પળને મારા મોબાઇલમાં કૅપ્ચર કરવા હું કંઈ પણ કરવા તૈયાર છું એમ કહેતાં ખૂબ ઉત્સાહભરી આંખો સાથે તેમણે જણાવ્યું હતું કે ‘હું કોઈ કાર્યકતા નહીં પણ મોદીનો ફૅન છું. હું તેમનો દીવાનો છું. મારે ટીવીમાં નહીં પણ પ્રત્યક્ષ મોદીજીને જોવા હતા. જોકે તેઓ જોવા તો નહીં મળે, પરંતુ તેમનો હોવાનો અહેસાસ પણ મારા માટે ખૂબ છે. એથી હું ગુંદવલી સ્ટેશન સામે બપોરે સાડાબાર વાગ્યાથી ઊભો છું. ઉપરથી ટ્રેન જશે એની વિડિયોગ્રાફી મારે મારા મોબાઇલમાં લેવી હતી. દરેક પ્રકારની સમસ્યા અને દુખાવો ભૂલી જઈને હું આ પળની રાહ જોઈ રહ્યો હતો.’
મમ્મી સાથે જીદ કરીને આવી
મમ્મી રેણુ કોઠારી પુત્રી ઝીલ સાથે
ગોરેગામ-ઈસ્ટના ગોકુળધામથી પચાસ વર્ષની મમ્મી રેણુ કોઠારી તેમની સીએ થયેલી પુત્રી ઝીલ સાથે નરેન્દ્ર મોદીની એક ઝલક લેવા આવી હતી. તેમને જોવા માટે હું ખૂબ ઉત્સાહિત હોવાથી મમ્મીને જીદ કરીને ગુંદાવલી સ્ટેશને આવી હતી એમ જણાવીને ઝીલ કોઠારીએ કહ્યું હતું કે ‘પૉલિટિશ્યનો તો અનેક જોયા, પણ મોદી અમને પરિવારના એક સભ્ય જેવા લાગે છે. તેઓ મુંબઈ આવ્યા હોવાથી તેમને જોવા જ હતા. એથી ન્યુઝપેપરમાં વાંચીને સમયના હિસાબે અમે અહીં આવ્યાં હતાં અને મોડી સાંજ સુધી અહીં જ હતાં.’
ગુજરાતીઓમાં ગજબનું આકર્ષણ
નરેન્દ્ર મોદીનું મુંબઈમાં આગમન મુંબઈગરાઓ માટે વિશેષ હતું. એમાં પણ ખાસ કરીને મુંબઈના ગુજરાતીઓ માટે વિશેષ રહ્યું હતું. એટલે જ તેમને જોવા માટે ઊભેલા લોકોને પોલીસ દૂર કરી રહી હોવા છતાં તેઓ દૂર થવાનું નામ લઈ રહ્યા નહોતા. મુંબઈની પોલીસને પણ ગુંદવલી સ્ટેશનના પરિસરમાંથી લોકોને દૂર કરતાં દમ નીકળી ગયો હતો.
પોતાની વાઇફને વિડિયો કૉલમાં નરેન્દ્ર મોદીનો કાફલો બતાવી રહેલો મુંબઈકર
ગુંદવલી સ્ટેશનના પરિસરમાં ફરજ બજાવતી મુંબઈ પોલીસની મહિલા ઑફિસરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અનેક ગુજરાતી લોકો મને મળ્યા હતા. તેમને દૂર કરતાં તેઓ દૂર થવાનું નામ લેતા નહોતા. એમાંથી અનેક તો બોલી રહ્યા હતા કે અમે ગુજરાતી છીએ, મોદી અમારા ભાઈ છે. તેમની કાર પણ જોઈ લઈશું તો અમારું જીવન ધન્ય થઈ જશે. આવી અનેક વાતો લોકો કરી રહ્યા હતા અને દૂર થવા તૈયાર નહોતા.`
મોદીને મળવા આવ્યાં આજી
અંધેરી-ઈસ્ટમાં ગુંદવલી સ્ટેશન પાસે બપોરે ૩.૩૦ વાગ્યાથી ૮૦ વર્ષનાં માજી સુનીતા રસાળ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે રાહ જોઈને બેઠાં હતાં.