મેદાનમાં જાહેર સભા કરવાથી રમતની સુવિધાને થશે નુકસાન

14 April, 2023 09:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહાવિકાસ આઘાડી નાગપુરના મેદાનમાં વજ્રમુઠ સભાની તૈયારી કરી રહી છે ત્યારે સ્થાનિક રહેવાસીઓએ આવું કહીને સભા ન થવા દેવા માટેની અરજી હાઈ કોર્ટમાં દાખલ કરી

ફાઇલ તસવીર

મહાવિકાસ આઘાડી દ્વારા નાગપુરમાં ૧૬ એપ્રિલે વજ્રમુઠ જાહેર સભાના આયોજનની તૈયારી થઈ રહી છે ત્યારે જે મેદાનમાં સભા થવાની છે એની આસપાસના લોકોએ આવી જાહેર સભાથી મેદાનમાં રમતો માટેનાં સાધનોને નુકસાન થશે અને મેદાન અનેક દિવસો સુધી રમવા કે બીજા કોઈ કામમાં નહીં આવે એવો દાવો કરીને આ સભા ન થાય એ માટે હાઈ કોર્ટની નાગપુર બેન્ચમાં અરજી દાખલ કરી છે. આથી મહાવિકાસ આઘાડી સરકારની નાગપુરની વજ્રમુઠ સભા ઘોંચમાં પડી શકે છે.

રાજ્યમાં એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીની સત્તા આવ્યા બાદ આ સરકારનો સામનો કરવા માટે શિવસેના, એનસીપી અને કૉન્ગ્રેસના સમાવેશવાળી મહાવિકાસ આઘાડી દ્વારા જનતાનો સીધો સંપર્ક કરવા માટે રાજ્યભરમાં સાત વજ્રમુઠ સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. છત્રપતિ સંભાજીનગરમાં આવી પહેલી સભા કર્યા બાદ ૧૬ એપ્રિલે નાગપુરમાં સદભાવના નગરમાં આવેલા દર્શન કૉલોનીના ગ્રાઉન્ડમાં બીજી વજ્રમુઠ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેદાનમાં સભા ન થાય એ માટે સ્થાનિક રહેવાસીઓએ હાઈ કોર્ટની નાગપુર ખંડપીઠમાં અરજી દાખલ કરી છે. અરજીમાં તેમણે નોંધ્યું છે કે અહીં જાહેર સભા થશે તો એક કરોડ રૂપિયાના ખર્ચે મૂકવામાં આવેલાં રમતનાં સાધનોનો કચ્ચરઘાણ નીકળી જશે. બીજું, સભાને લીધે મેદાનની હાલત ખરાબ થશે એટલે સ્થાનિક રહેવાસીઓ દરરોજ અહીં વૉક કરવા આવે છે તેઓ આવી નહીં શકે. આથી સભાની મંજૂરી રદ કરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે ગ્રાઉન્ડની માલિકી ધરાવતા નાગપુર સુધાર પ્રન્યાસે મહાવિકાસ આઘાડીને સભા યોજનાની પરવાનગી આપી છે. નાગરિકોના વિરોધ બાદ પણ મહાવિકાસ આઘાડી અહીં સભા યોજના મક્કમ હોવાનું જાણવા મળ્યું હતું. કોર્ટ શું કહે છે એના પર હવે બધો આધાર રહેશે.

પંકજા મુંડેના સાકર કારખાનામાં કાર્યવાહી

રાજ્ય અને કેન્દ્રમાં બીજેપીની સરકાર હોવા છતાં ગોપીનાથ મુંડેની પુત્રી અને બીજેપીની નેતા પંકજા મુંડેના પરળીમાં આવેલા વૈધનાથ સાખર કારખાનામાં ગઈ કાલે જીએસટીની ટીમે કાર્યવાહી કરતાં રાજકીય વર્તુળમાં ખળભળાટ મચી ગયો હતો. પંકજા મુંડેની માલિકીની કંપનીએ ૧૨ કરોડ રૂપિયાનું જીએસટીનું પેમેન્ટ ન કરવાથી આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. પંકજા મુંડેએ આ વિશે કહ્યું હતું કે ‘આ કારખાનું અનેક દિવસોથી બંધ છે. કારખાનું આર્થિક મુશ્કેલીમાં છે. ૨૦૧૧થી કારખાનામાં ઓછું ઉત્પાદન થઈ રહ્યું છે. આ કાર્યવાહી ટેક્નિકલ છે. આથી આ વિશે અત્યારે હું વધુ કંઈ કહેવા નથી માગતી.’

ઉલ્લેખનીય છે કે ગોપીનાથ મુંડેનું અવસાન થયા બાદ બીજેપીમાં પંકજા મુંડેને પક્ષ બહુ મહત્ત્વ નથી આપી રહ્યો.

બળવા પહેલાં એકનાથ શિંદે માતોશ્રીમાં રડેલા

શિવસેનાના ૪૦ વિધાનસભ્યો સાથે બળવો કર્યો એ પહેલાં એકનાથ શિંદે માતોશ્રી આવ્યા હતા અને કહ્યું હતું કે બીજેપી સાથે નહીં જાઉં તો તે મને જેલમાં નાખી દેશે અને એમ કહીને તેઓ રડી પડ્યા હતા એવો દાવો આદિત્ય ઠાકરેએ ગઈ કાલે કર્યો હતો. એક અંગ્રેજી ન્યુઝ-ચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે ‘બળવો કરતાં પહેલાં એકનાથ શિંદે માતોશ્રી આવ્યા હતા અને કહેલું કે બીજેપી સાથે જવાનું બીજું કોઈ કારણ નહોતું. બીજેપી સાથે નહીં જાઉં તો કેન્દ્રીય તપાસ એજન્સીઓ તેમની ધરપકડ કરત એમ કહીને તેઓ રીતસર રડી પડ્યા હતા.’

પત્રકારોએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ વિશે પૂછ્યું હતું ત્યારે તેમણે માત્ર એક વાક્યમાં જવાબ આપતાં કહ્યું હતું કે ‘આદિત્ય ઠાકરે ઉંમરના નાના છે. તેમની વાત પર ધ્યાન ન આપો.’

વિધવાને બદલે ગંગા ભાગીરથીનો વિવાદ

હિન્દુ વિધવા મહિલાઓને હવેથી વિધવાને બદલે ગંગા ભાગીરથી કહેવામાં આવે એવી પ્રપોઝલ સાંસ્કૃતિક ખાતાના પ્રધાને રાજ્ય સરકારને મોકલી હોવાના સમાચાર ગઈ કાલે વહેતા થયા બાદ વિરોધ પક્ષોએ સરકારની ટીકા કરવાની શરૂઆત કરી હતી. આ વિશે રાજ્યના કૅબિનેટ પ્રધાન મંગલ પ્રભાત લોઢાએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘વિધવા મહિલાના નામની આગળ કયો શબ્દ વાપરવો એની ચર્ચા થઈ હતી. એમાં ગંગા ભાગીરથી શબ્દ એક પત્ર દ્વારા કોઈકે સૂચવ્યો હતો. આ શબ્દ યોગ્ય છે કે કેમ એ જાણવા માટે તમામ વિભાગ પાસે એ પત્ર મોકલી આપ્યો છે. સરકારે હજી સુધી આ બાબતે કોઈ નિર્ણય નથી લીધો અને કોઈ જીઆર પણ નથી બહાર પાડ્યું. તમે મહિલા પંચનાં અધ્યક્ષા રૂપાલી ચાકણકરને પૂછો. તેમણે વિધવા મહિલાનું નામ બદલવા માટેનું સૂચન કર્યું હતું. તેમણે જ વિધવા મહિલાના નામની આગળ ગંગા ભાગીરથી શબ્દ વાપરવામાં આવે એવો પત્ર લખ્યો છે.’

mumbai mumbai news maharashtra shiv sena bharatiya janata party nagpur eknath shinde bombay high court